IMG-20231216-WA0034

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિ.વલ્લભ વિદ્યાનગરનો ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં 

સરદાર પટેલ યુનિ.વલ્લભ વિદ્યાનગરનો ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો ઈમાનદારી, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપે : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરી વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબનું સપનું પુરૂ કર્યું છે -કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ

૬૮ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ૧૦૬ સુવર્ણચંદ્રક એનાયત કરાયા


આણંદ ટુડે I આણંદ
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે,આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને 
કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી  દેશના ભાગ્ય, દિશા, દશા બદલવા પ્રતિબધ્ધ બને તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાથે ખોવાયેલું સ્વાભિમાન પ્રાપ્ત કરી રહ્યો છે. 

આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ 
મંત્રી શ્રી અમિતભાઈ શાહે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ૧૦૬ તેજસ્વી વિદ્યાર્થીઓને  સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે.

   આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે યુવાનો ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે.

તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

 તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ માં દેશમાં ૪૦૦ સ્ટાર્ટઅપ હતા, આજે તેની સંખ્યા બે લાખથી પણ વધારે છે. વર્ષ ૨૦૧૪માં ૪ સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબની સાપેક્ષમાં આજે ૧૧૧ સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબ છે. જેમાં મહિલાઓની ભાગીદારી ૪૫ ટકા છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અકલ્પનીય રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતને ૨૦ વર્ષ પુર્ણ થયા છે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધી રહ્યા છે.

ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દીક્ષાંત એટલે શિક્ષણની સફરનો અંત નહિ પરંતુ જીવનમાં શિક્ષણની નવી યાત્રાનો પ્રારંભ છે. યુવાઓ માત્ર નોકરી મેળવવા માટે નહિ પરંતુ નોકરી આપવા માટે તૈયાર થાય તે માટેના વિવિધ પ્રયાસો અનેકવિધ યોજના અને નિર્ણયોના રૂપમાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. દેશના છેવાડાના અને ગરીબ વર્ગના દરેક વ્યક્તિ સુખી અને સ્વસ્થ જીવન જીવે તે પ્રકારનો સામૂહિક વિકાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે નવપદવી ધારકોને  શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિરંજન પટેલે સૌનો આવકાર કરી પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી.અંતમાં કુલ સચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

ગૃહ મંત્રી શ્રી શાહે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધા “પ્રશ્નોપનિષદ” ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક, કોમર્સ વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતકમાં યુનિવર્સિટીની પરીક્ષામાં દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને પ્રો. એ. જી. પટેલ પારિતોષિક, સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંશોધન માટે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ ઉપરાંત શ્રેષ્ઠ સંશોધન પત્ર માટે દાદાભાઈ નવરોજી એવોર્ડ અર્પણ કર્યો હતો. 
 
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના પ્રમુખ વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવિષ્ટ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડો.અરૂણ આનંદ અને ડો.સુનિલ ચાકી, રસાયણશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડો.પ્રજ્ઞેશ દવેનું મહાનુભાવોના હસ્તે સન્માન  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કુલ ૧૫૭૫૪ વિદ્યાર્થીઓને ૧૧ વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી.સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભ કાળથી આજ સુધીમાં પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૭૪,૫૪૮ થઈ છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ,પૂર્વ સાંસદો, આણંદ ખેડા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, વિવિધ યુનિ.ના કુલપતિઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, સેનેટ-સિન્ડિકેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, કોલેજના આચાર્ય, પદવી ધારકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ ના હોત

ગૃહમંત્રીશ્રીએ સરદાર સાહેબની કર્મભુમીને નમન કરતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ ના હોત, સરદાર સાહેબે આઝાદી બાદ સેંકડો રાજા-રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, જમ્મુ કાશ્મીરમાંથી વડાપ્રધાનશ્રીએ કલમ ૩૭૦ ને દુર કરી ત્યારે કેટલાક લોકોએ તેને દુ:ખ સાથે સ્વિકારી હતી, પરંતુ વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબનું સપનું પુરૂ કર્યું છે. આઝાદી બાદ સરદાર સાહેબને માન સન્માન યશ પ્રતિષ્ઠા ના મળી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિરાટ પ્રતિભાની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા એકતાનગરમાં સ્થાપીને યથાયોગ્ય સન્માન આપ્યું છે. જે આજે વિશ્વ પ્રવાસીઓ માટે કેન્દ્ર બિંદુ બન્યું છે.

વડાપ્રધાનશ્રીએ નવા પ્રકલ્પો દ્વારા ભાવિ પેઢી માટે નવી તકોનું સર્જન કર્યું છે

વધુમાં અમિત શાહ એ જણાવ્યું હતું કે
દેશમાં અગાઉ ૫૦ કેન્દ્રીય વિદ્યાલયો હતી, જેની સામે આજે ૫૬ કેન્દ્રીય વિદ્યાલયો છે. આવી જ રીતે, આઈ. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ૫૧ ની સામે ૫૮, ટેકનિકલ સંસ્થાઓ ૯૦ ની સામે ૧૯૦, કોલેજની સંખ્યા ૪૩,૦૦૦ સુધી પહોંચી છે. વડાપ્રધાનશ્રીએ સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, પી.એલ.આઇ, એફ.ડી.આઇ, ગ્રીન હાઈડ્રોજન, અંતરીક્ષ, ડિફેન્સ મેન્યું ફેક્ટિરિંગ, ડ્રોન પોલિસીઓ જેવા નવા પ્રકલ્પો દ્વારા ભાવિ પેઢી માટે નવી તકોનું સર્જન કર્યું છે, ત્યારે આ તકોનો લાભ લઈને યુવાનો પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે જરૂરી છે. દેશની ઈકો સિસ્ટમ યુવાઓ સાથે હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યુ હતું.