IMG-20231106-WA0046

સરકારી દવાખાના આજે આરોગ્ય સેવામાં ખાનગી દવાખાના કરતાં ઉત્તમ સાબિત થઈ રહ્યા છે

સરકારી દવાખાના આજે આરોગ્ય સેવામાં ખાનગી દવાખાના કરતાં ઉત્તમ સાબિત થઈ રહ્યા છે

આણંદ સિવિલ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવારના કારણે સરતાજબાનુને મળ્યું નવજીવન

આણંદ ટુડે I આણંદ,

સરકારી દવાખાના આજે આરોગ્ય સેવામાં ખાનગી દવાખાના કરતાં ઉત્તમ સાબિત થઈ રહ્યા છે. જેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આણંદની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે.

રાજયના નાગરીકોને સરકારી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી શ્રેષ્ઠતમ સારવાર મળી રહે અને તેમનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સરકાર દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહયુ છે. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં થતા ખર્ચની સામે લોકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપતા આરોગ્યધામ રૂપી સરકારી દવાખાનાઓમાં આજે મોટા પ્રમાણમાં લોકો તેમની સારવાર માટે આવી રહયાં છે, જેનું એકમાત્ર કારણ છે વાત્સલ્યમયી સરકાર દ્વારા પ્રજાની આરોગ્ય સુખાકારી અર્થે લેવાતા નિર્ણયો અને સુવિધાઓ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા સુપેરે થતું અમલીકરણ. જેમાં સૌથી મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે રાજ્યમાં આવેલા આરોગ્યધામ રૂપી સરકારી દવાખાના. આણંદ શહેરમાં આવેલા આવા જ એક આરોગ્ય ધામ એવા સીવીલ હોસ્પિટલના ડોકટર અને આરોગ્ય કર્મીઓએ તાજેતરમાં જ મોતના મુખમાં રહેલી મહિલાને તાત્કાલીક સારવાર આપી નવજીવન આપવાનું સ્તુત્ય કાર્ય કરી સરકારની પ્રત્યેક દર્દીનારાયણને યોગ્ય સારવાર થકી તેની આરોગ્ય સુખાકારી જળવાય રહે તે વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.  

આણંદ તાલુકાના નાપાડ ખાતે ૨૫ વર્ષીય સરતાજબાનુ પોતાના પતિ સાથે રહે છે. તેમના પતિ જી.આઇ.ડી.સી. માં કામ કરે છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડાંક દિવસો પહેલા સરતાજબાનુને ગર્ભાવસ્થા દરમિયાન અચાનક તબિયત બગડતાં તેમને નાપાડ પીએચસી ખાતે લઈ જવામાં આવ્યાં. નાપાડ પીએચસી ખાતે સરતાજબાનુની સ્થિતિનું નિરિક્ષણ કરી તેમને વધુ સારવારની જરૂર હોવાથી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યાં હતા. 

સરતાજબાનુની આ પ્રથમ સુવાવડ હતી અને તેમાં પણ તેમની તબિયત વધુ બગડવા લાગી હોવાથી પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા. તેવા સમયે તેમને આણંદ જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા. સરતાજબાનુની તબિયતનું નિરિક્ષણ કરી હોસ્પિટલના ડોકટર દ્વારા તુરંત તેમની સારવાર હાથ ધરવામાં આવી. ડોકટરોએ જોયું કે, સરતાજબાનુની આ પ્રથમ સુવાવડ દરમિયાન જ ગર્ભમા રહેલ શીશુનું મૃત્યુ થઈ ગયુ હતુ. તેમની મેલીનો ભાગ પણ ટૂટી જતાં ખૂબ જ વધારે પ્રમાણમા લોહી નિકળી ગયુ હતું. સરતાજબાનુના પ્લેટલેટસ પણ આ દરમિયાન ખૂબજ ઓછા થઈ જતા તેમનો જીવ બચાવવો ખૂબ જ અઘરો હતો. પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉ. યાત્રીક પંડયા દ્વારા સૂઝબૂઝથી કામ લઈ સરતાજબાનુને સિઝેરીયન કરીને મૃત બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું અને બહુ વધારે લોહી નીકળી જતાં સરતાજબાનુને જનની શીશુ સુરક્ષા યોજના અંતર્ગત લોહી અને લોહીના કણોની કુલ ૨૧ બોટલ ચઢાવીને તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો.

આ સારવાર મેળવીને નવજીવન પ્રાપ્ત થતાં સરતાજબાનુ અને તેમના પરિવારજનોએ આણંદ જનરલ હોસ્પિટલ અને સરકારને આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે જો ખાનગી હોસ્પિટલમાં અમે આ સારવાર કરાવી હોત તો તેનો અંદાજિત ૪ થી પ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ હતુ, જે અમે ક્યારેય ઉઠાવી શકીએ તેમ ન હતા. તેવા સમયે આણંદની આ જનરલ હોસ્પિટલ દ્વારા અમને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળી જેના કારણે આજે સરતાજબાનુ નવજીવન મેળવી શક્યા છે.  

મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અમર પંડયાના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ફરજ બજાવતાં ડૉ. યાત્રીક પંડયાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં પ્રતિમાસ અંદાજિત ૧૯૦ જેટલી મહિલાઓની પ્રસુતિ વિનામૂલ્યે કરવામાં આવે છે.  

સરતાજબાનુ જેવી કેટલીય મહિલાઓને શ્રેષ્ઠ સાર-સંભાળ અને સારવાર આપીને નવજીવન આપવામાં સરકારી દવાખાના આજે આરોગ્ય સેવામાં ખાનગી દવાખાના કરતાં ઉત્તમ સાબિત થઈ રહ્યા છે. જેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ બની છે, આણંદની આ જનરલ હોસ્પિટલ.

*************