IMG-20230607-WA0001

આણંદ જિલ્લામાં રહેતા કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર

આણંદ જિલ્લામાં રહેતા કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર

સિવિલ હોસ્પિટલ-પેટલાદ ખાતે કીમોથેરાપીની સારવાર ઉપલબ્ધ - ડો. માર્ગેશ પટેલ

સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે પ્રથમ પેટલાદના દર્દીની  કીમોથેરાપીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી 

વિનામૂલ્યે સારવાર મળતાં દર્દી તથા તેમના સગાઓએ આનંદ તથા સંતોષની લાગણી વ્યક્ત કરી

આણંદ
 આણંદ જિલ્લાના  કેન્સરના દર્દીઓ માટે એક સારા સમાચાર કહેવાય.... કેન્સરના દર્દીઓને ઓપરેશન પહેલા કે ઓપરેશન પછી કીમોથેરાપી આપવામાં આવે છે,  જે હવે એસ.એસ. હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે બીપીએલ કાર્ડ ધરાવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે મળશે. આ ઉપરાંત આણંદ જિલ્લાના રહેવાસી હોય કે આણંદ જિલ્લા બહારના હોય તે તમામ કેન્સરના દર્દીઓ સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતેથી કિમોથેરાપીની સારવાર મેળવી શકશે. જે લોકો પાસે બીપીએલ કાર્ડ કે આયુષ્માન કાર્ડ નથી તેવા દર્દીઓને પણ સરકાર દ્વારા નક્કી કરાયેલ નજીવા દરે સારવાર આપવામાં આવશે. જેથી આણંદ જિલ્લાના કેન્સરના દર્દીઓ કે જેઓ અમદાવાદ કે વડોદરા કે બીજી કોઈ અન્ય હોસ્પિટલમાં જઈને કીમોથેરાપીની સારવાર લેતા હોય અને મસમોટો ખર્ચો થતો હોય તેમાંથી હવે બચી જવાશે અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ જ સારવાર વિનામૂલ્યે મળશે તેમ કીમોથેરાપી વિભાગના નોડલ ઓફિસર ડોક્ટર માર્ગેશ પટેલે જણાવ્યું છે.
ડો. માર્ગેશ પટેલે જણાવ્યું કે કેન્સરના જે દર્દીઓને કીમોથેરાપી હજુ શરૂ થઈ નથી તેવા દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, અમદાવાદ એટલે કે જીસીઆરઆઈ ના કીમો થેરાપી વિભાગના ડોક્ટરનો સંપર્ક સાધી ને કીમો થેરાપીની કેટલી સાયકલ આપવાની છે એટલે કે પ્રોટોકોલ સેટ કરવા માટે પ્રારંભમાં જીસીઆરઆઈ અમદાવાદ ખાતે પહેલી કીમો થેરાપી માટે જવાનું રહેશે અને ત્યારબાદ તમામ કીમો થેરાપી સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે જ આપવામાં આવશે. આમ આણંદ જિલ્લાના રહેવાસી હોય અને જીસીઆરઆઈ અમદાવાદ કે અન્ય શહેરમાં કીમો થેરાપી લેવા જવાનું હોય તેમાં રાહત મળશે.
સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે કીમો થેરાપીના દર્દીઓ માટે અલાઈદો વોર્ડ  તૈયાર કરીને ચાર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં એક બેડ ઉપર દિવસ દરમિયાન ત્રણ દર્દી ને કીમોથેરાપી  સારવાર આપવામાં આવે તો રોજના બાર દર્દીઓને કીમો થેરાપીની સારવાર પેટલાદ ખાતે જ આપી શકાશે તેમ ડોક્ટર પટેલે જણાવ્યું છે. 

તાજેતરમાં સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે કીમો થેરાપી લેવાનો સૌ પ્રથમ દર્દી પેટલાદ શહેરના રહેવાસી કે જેઓને ફેફસાનું કેન્સર હોવાથી કીમોથેરાપીની સારવારની જરૂર હતી, તેઓને તેમની કેન્સરની સારવારના ભાગરૂપે કીમોથેરાપીની સારવાર પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે જ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જે હોસ્પિટલના કીમોથેરાપી વિભાગ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આમ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવનાર પ્રથમ દર્દીને કીમો થેરાપીની સારવાર આપીને શુભ શરૂઆત કરવામાં આવી છે. 

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીને વિનામૂલ્યે સારવાર મળતાં દર્દી તથા તેમના સગાઓએ આનંદ તથા સંતોષની લાગણી અનુભવી હતી. 

પેટલાદ સિવિલ હોસ્પિટલના કેન્સર કીમોથેરાપી વિભાઞના નોડલ ઓફિસર ડોક્ટર માર્ગેશ પટેલ તથા હોસ્પિટલના અન્ય સ્ટાફની કામગીરીને બિરદાવીને તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. 

સારવાર મેળવનાર દર્દીના સગાએ જણાવ્યું હતું કે, આ અગાઉ તેઓને તેમના દર્દીની સારવાર માટે અમદાવાદ, વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખૂબ જ ખર્ચાળ સારવાર માટે જવું પડતું હતું. હવે કેન્સરની કીમોથેરાપીની સારવાર પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ ગઈ હોવાથી તેઓને અમદાવાદ વડોદરાના વારંવારના ધક્કા ખાવાથી છૂટકારો મળ્યો છે. 

પેટલાદ સિવિલ હોસ્પિટલના  કીમોથેરાપી વિભાગના નોડલ ઓફિસર ડૉ. માર્ગેશ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેની અમારી મલ્ટિડિસિપ્લિનરી ટીમ દરેક દર્દીની ચોક્કસ સ્થિતિ, તબીબી ઇતિહાસ અને એકંદર આરોગ્યને ધ્યાનમાં રાખીને સારવારની યોજનાઓ તૈયાર કરવા માટે સહયોગથી કામ કરે છે. અમે દર્દીઓ અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જેમણે પેટલાદ સિવિલ હોસ્પિટલના કેન્સરના કીમોથેરાપી વિભાગમાં વિશ્વાસ મૂક્યો છે. તેમની હિંમત અને વિશ્વાસ અમને કેન્સરની સારવાર અને સંભાળમાં સતત પ્રયત્નો કરવા પ્રેરણા આપે છે. 

નોંધનીય છે કે, કીમોથેરાપી એ કેન્સરની સારવારનો એક મહત્વપૂર્ણ ઘટક છે. કીમોથેરાપી એ એક જટિલ પ્રક્રિયા છે જેમાં સાવચેતીપૂર્વક આયોજન, વ્યક્તિગત સારવાર પ્રોટોકોલ અને સતત દેખરેખની જરૂર હોય છે. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં તેની ઉપલબ્ધતા આણંદ જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ નોડલ ઓફિસર ડૉ. માર્ગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું. 
આણંદ જિલ્લામાં રહેતા કોઈપણ નાગરિકને જો કેન્સરનું નિદાન થાય અને કીમો થેરાપી ની સારવાર મેળવવી હોય તો સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે સંપર્ક કરવા પણ ડોક્ટર માર્ગેશ પટેલે અનુરોધ કર્યો છે.
******