1001588589

અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ખરીદી ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરાયો

અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ખરીદી ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરાયો

અમૂલ ડેરી, આણંદ દ્વારા દૂધના ખરીદી ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો જ્યારે અમૂલ દાણના ભાવમાં 50 પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરાશે.

જેનો અમલ 1 લીજૂન 2025થી કરાશે.

અમુલના આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

ભેંસના દૂધનો ભાવ હવે રૂ. ૫૩.૪૪ પ્રતિ લિટર (૬% ફેટ) જે પહેલા રૂ.પર.૮૨ હતો.

ગાયના દૂધનો ભાવ હવે રૂ. ૩૬.૨૫ પ્રતિ લિટર રહેશે (૩.૫% ફેટ)જે પહેલા રૂ.૩૫.૮૩ હતો

દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૫૫ થી વધારી ૮૬૫ આપવામાં આવશે.

અમેરિકા બાદ સ્પેનમાં "અમૂલ દૂધ " લોન્ચ કરાશે.

આણંદ ટુડે | આણંદ
અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ખરીદી ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવેલ છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૦૧-૦૬-૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૫૫ થી વધારી ૮૬૫ આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે, જે તમામ દૂધ ઉત્પાદકો માટે ગૌરવની વાત છે.તેમ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું .

વધુમાં અમૂલના  ચેરમેન વિપુલભાઈ પટેલે ઉમેર્યું હતું કે અમુલ ડેરી દ્વારા અમૂલ દાણના ભાવમાં પણ  ઘટાડો કરાયો છે .દૂધ ઉત્પાદકોને સહારો આપવા અમૂલ સંઘ દ્વારા અમૂલ દાણના ભાવમાં ૫૦ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. જેથી અમૂલ દાણની ૭૦ કિલોની બેગ દીઠ રૂ.૩૫નો અને ૫૦ કિલોની બેગ દીઠ રૂ.૨૫નો ઘટાડો કરેલ છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂ.૫૦, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ રૂ.૬૦, બફેલો દાણમાં બેગ દીઠ રૂ.૧૦૦, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂ.૨૦૦નો પહેલાથી ઘટાડો કરવામાં આવેલ છે.
દૂધના ઉત્પાદકોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૧૦૨૮ પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચો અંતિમ ભાવ છે. આમ પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને દાણના ભાવમાં ઘટાડો કરીને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવું સુમેળ ભર્યું આયોજન  નિયામક મંડળ ધ્વારા કરવામાં આવેલ છે.

અમૂલ ડેરીની નવીન કામગીરીઓ અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ

* અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી જમીન લીઝ પર લીધી છે અને ત્યાં રૂ. ૭૫ થી રૂ.૧૦૦ કરોડથી વધુના મૂડી રોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ  ટૂંક જ સમયમાં સ્થાપિત કરવામાં આવશે.

 * અમેરિકા પછી, ૪ જૂનના રોજ અમૂલ સ્પેનમાં GCMMF અને સ્થાનિક ડેરીના સહયોગથી 'અમૂલ દૂધ' લોન્ચ કરવામાં આવશે.આથી અમૂલ હવે માત્ર ભારત સુધી સીમિત નથી રહ્યું, પરંતુ વિદેશમાં પણ પોતાની હાજરી નોંધાવી રહ્યું છે .

* અમૂલ ચિત્તૂર ડેરી (આંધ્રપ્રદેશ) અને અમૂલ પુણે આઈસ્ક્રીમ પ્લાન્ટ હવે સંપૂર્ણ રીતે કાર્યરત છે. પુણે પ્લાન્ટમાં હવે પનીર અને મીઠાઈઓનું ઉત્પાદન પણ શરુ કરેલ છે.

* NDDB અને Suzuki સાથે મળીને અમૂલ ડેરી ટૂંક સમયમાં બે Bio-CNG પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ પ્લાન્ટ ગાયના મૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને બાયોગેસ ઉત્પન્ન કરશે, અને ત્યારબાદ મળતી સ્લરીને ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

* પશુપાલકો પાસેથી મૂત્ર અને છાણની ખરીદી પણ અમૂલ દ્વારા શરૂ કરવાની યોજના છે, જેથી તેમને આવકનો એક નવો સ્ત્રોત મળે.

 * અમૂલ ડેરી દ્વારા દૂધ મંડળીઓમાં સોલર સિસ્ટમ લગાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૯૯૪ સોલર સિસ્ટમ લગાડવામાં આવેલ છે. આવનારા સમયમાં બધી જ દૂધ મંડળીઓ ઉપર સોલર સીસ્ટમ કાર્યરત થઈ જશે.