આણંદ જિલ્લાના પાંચ હેલ્થ અને વેલનેસ સેન્ટરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ
આણંદ જિલ્લાના પાંચ હેલ્થ અને વેલનેસ સેન્ટરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ
પેટલાદ તાલુકાના માણેજ અને આમોદ,આંકલાવ તાલુકાના મુજકુવા, ખંભાત તાલુકાના ઉંદેલ, સોજિત્રા તાલુકાના બાલીન્ટા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાયું સર્ટિફિકેટ
આણંદ, શુક્રવાર
ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.બી.કાપડિયાની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ,આણંદ દ્વારા જિલ્લામાં એન.ક્યુ.એ.એસ(NQAS) પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા "હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર"ની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફના આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.
એન.ક્યુ.એ.એસ અંતર્ગત પેટલાદ તાલુકાના માણેજ અને આમોદ જ્યારે આંકલાવ તાલુકાના મુજકુવા, ખંભાત તાલુકાના ઉંદેલ, સોજિત્રા તાલુકાના બાલીન્ટા ખાતે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી, ઓપીડી, લેબોરેટરી, આઇપીડી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેટિવ જેવી વિવિધ બાબતોનું અને આરોગ્ય સેવાઓનું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમના નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર માણેજને ૮૩% સાથે તમામ માપદંડોમાં ખરાં ઉતરતાં ત્રણ વર્ષ માટે સંપૂર્ણ ગુણવતાસભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું. જ્યારે આમોદ, મુજકુવા, ઉંદેલ અને બાલીન્ટા ખાતે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સને અનુક્રમે ૮૬%, ૮૭%, ૮૩%, ૭૬% સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તમામ સેન્ટર્સને એન.ક્યુ.એ.એસ(NQAS) અંતર્ગત એક વર્ષનું ગુણવતાસભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પૂર્વી નાયકે જણાવ્યું છે.
********