1001003092

આંકલાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી

૭૬ મો પ્રજાસત્તાક પર્વ: આણંદ જિલ્લો

આંકલાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી 

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રધ્વજને  સલામી આપી

આજનો દિવસ દેશના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે  સમર્પિત થવાનો છે.-જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

૬૫ જેટલાં અધિકારીઓ-કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું

આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના નેજા હેઠળ કરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્ર ધ્વજને  સલામી આપીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,આજનો દિવસ આપણા દેશની નોંધપાત્ર યાત્રા પર ચિંતન કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે પોતાને સમર્પિત કરવાનો  છે. વધુમાં આ પર્વએ પાયાના મુલ્યો અને સિધ્ધંતોને યાદ કરવાનો અને વિશાળ ભારત ઉપખંડમાં એક પરિવાર તરીકે સાથે રહેવાનો અવસર આ પર્વમાં અભિવ્યક્ત થાય છે, તેમ તમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટરશ્રી પાવન પર્વે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે,તેમની હિંમત અને બલિદાન થી લોકશાહી અને સાર્વભૌમ ભારતનો પાયો નાખ્યો છે. જે દરેક નાગરિક માટે ઉજ્જવળ અને સમૃધ્ધ ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપે છે.
આજના દિવસે લોકશાહીના પ્રાણ સમા બંધારણને ભારત દેશે અપનાવ્યું હતું તેમ ઉમેરતા જિલ્લા કલેકટરશ્રી  બંધારણ રચયિતાઓને સ્મરણાંજલિ આપતા જણાવ્યું હતું કે,બદલાતા સમયને અનુરૂપ નવા વિચારો અપનાવાની વ્યવસ્થા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ આપી છે.તેમના સામૂહિક શાણપણ અને સમર્પણથી આપણને  એવું બંધારણ મળ્યું છે કે,દેશના લોકોમાં બંધુત્વની ભાવનાને પ્રોત્સાહિત કરીને લોકો માટે ન્યાય,સમાનતા અને સ્વતંત્રતાની ખાતરી આપે છે.
બંધારણ પ્રત્યે સન્માનભાવ પ્રગટ કરતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, બંધારણ લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે.જેની પ્રસ્તાવનાની શરૂઆત" આપણે,ભારતના લોકો"શબ્દથી થઈ છે,જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રાણ છે.વધુમાં બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી, પરંતું દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે.તેમા ઉલ્લેખાયેલ મૂળભુત ફરજો એ આપણને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓ નિભાવવા માટેનું  માર્ગદર્શક પૂરું પાડે છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
આ વેળાએ જિલ્લાની વિવિધ શાળા તથા કોલેજોના  વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂ કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું હતું.તથા જિલ્લા પોલીસ વિભાગ તરફ઼થી ડોગ શો તથા હોર્સ શોની  પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વમાં જિલ્લા કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિકાસ  કાર્યમાં પ્રદાન કરનાર અધિકારી તથા કર્મચારીઓ,રમત ગમત તથા કલાક્ષેત્રમાં જિલ્લાનું નામ રોશન કરનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરનાર શાળા તથા કોલેજૉના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાના સયુંકત ઉપક્રમે ૩૦૦૦ જેટલી પેપર બેગોનું વિતરણ કરાયું હતુ.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી,ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.વી. દેસાઈ,નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, બોરસદના પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ, નાયબ કલેકટર એચ. ઝેડ. ભાલિયા  સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-૦-