આણંદ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની સફાઈનું જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિરીક્ષણ કર્યું
આણંદ જીલ્લામાં "સ્વચ્છતા હી સેવા' અભિયાન અન્વયે સ્વચ્છતા ઝુંબેશ વધુ વ્યાપક બનાવાઈ
આણંદ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની સફાઈનું જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિરીક્ષણ કર્યું
સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, યાત્રાધામો તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાશે
આણંદ ટુડે I આણંદ,
"સ્વચ્છતા હી સેવા" અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને વધુ ૨ માસ સુધી લંબાવવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લાના શહેરો, નગરો, ગામો, શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસમથકો, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં દર અઠવાડિયે રવિવારના રોજ થીમ આધારિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આજે આણંદ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો એવા ચિખોદરા ચોકડી અને સામળખા ચોકડી ખાતે ચાલતા સફાઈ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે સબંધિત અધિકારીઓને શહેરમાં સ્વચ્છતા જળવાય તે અંગે જરૂરી સૂચનો આપી જિલ્લામાં સ્વચ્છતાના કાર્યને સઘન બનાવી સફાઈ ઝુંબેશ ચલાવવા જણાવ્યું હતું.
આ તકે કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રત્યેક શહેર અને ગામના મુખ્ય માર્ગો, સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, યાત્રાધામો તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાશે તેમ જણાવી આ અભિયાનમાં જન ભાગીદારી ખૂબ મહત્વની હોય જિલ્લાવાસીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ સ્વચ્છતા નિરીક્ષણ સમયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી મહાવીરસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
*****