1001152819

પોલીસની સરાહનીય કામગીરી

પોલીસની સરાહનીય કામગીરી

બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હીરાભાઈ ની ઉમદા કામગીરી

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને રિક્વિઝીટ વાનમાં બેસાડી સમયસર પરીક્ષા સ્થળે પહોચાડીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

આણંદ, ગુરૂવાર
 આણંદ જિલ્લામાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં  કેટલીક ઘટનાઓ એવી બની છે, જે આપણને માનવતા અને સેવાભાવનો અહેસાસ કરાવે છે. આવી જ એક ઘટના બોરસદ રૂરલ પોલીસની ઉમદા કામગીરીને ઉજાગર કરે છે, જ્યાં એક ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને પરીક્ષાના સ્થળે સમયસર પહોંચાડી પોલીસે પોતાની ફરજથી આગળ વધીને માનવતાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વાત એવી બની કે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા ગોરેલ ગામના હરેશ ઠાકોરભાઈ તળપદા નામના વિદ્યાર્થીને એ.પી. વિદ્યાલય, બોચાસણ ગામે પરીક્ષા કેન્દ્ર પર તેઓના વાલી ઉતારીને જતા રહ્યા હતા. વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્રમાં જઈને જોયું તો તેનું નામ ત્યાં હતું નહીં અને તેનો નંબર બીજી સ્કૂલમાં છે તેવી જાણ થઈ અને તે સ્કૂલ પાંચ કિલોમીટર દૂર છે તેમ જાણતા છોકરો ગભરાઈ ગયો હતો.
તે દરમ્યાન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હીરાભાઈને ધ્યાનમાં આવ્યું કે તે વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર વિનય મંદિર વિદ્યાલય બોચાસણ રુદેલ રોડ પર છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે ચિંતા કરીશ નહીં, હું તને તારી સ્કૂલમાં સમયસર પહોંચાડી દઈશ, અને તેમની પાસે ની પોલીસ રિકવિઝીટ વાહનમાં તેને બેસાડીને વિનયમંદિર વિદ્યાલય બોચાસણ રુદેલ રોડ ઉપર સમયસર પહોંચાડી ને તેને પરીક્ષા કેન્દ્રમાં જતી વખતે ફૂલ આપીને પેન આપીને ખુશ કર્યો હતો અને કોઈપણ જાતની ચિંતા વગર પરીક્ષા આપજે તેમ જણાવી તેને ટેન્શન મુક્ત બનાવ્યો હતો અને પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી.
આ નિર્ણય માત્ર ઝડપી જ નહીં, પણ સંવેદનશીલ અને માનવીય પણ હતો. પોલીસની આ સમયસરની કામગીરીએ વિદ્યાર્થીને મોડું થવાના ડરથી બચાવ્યો અને તે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકયો હતો.
પોલીસનું કામ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું મર્યાદિત નથી, આ ઘટનામાં પોલીસે એક બોર્ડની પરીક્ષા આપતા યુવા વિદ્યાર્થીના શિક્ષણ અને ભવિષ્યને પ્રાથમિકતા આપી, જે ખરેખર પ્રશંસનીય છે.

***