આણંદના નાગરિકોને લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા માટે છેક વાસદ જવુ નહી પડે..!
આણંદના નાગરિકોને લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા માટે છેક વાસદ જવુ નહી પડે..!
લર્નિંગ લાઇસન્સ માટે આણંદમાં જ વ્યવસ્થા કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને આણંદ કલેકટરનું સૂચન
આણંદ જિલ્લાના વિકાસકાર્યોને વેગ મળે અને નાગરિકોની સુવિધાઓમાં વધારો થાય તે અંગે અધિકારીઓને સૂચન કરતાં જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવી
જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ,
જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ, આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઇ પટેલ, વિપુલભાઇ પટેલ અને કમલેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ મુખ્યમંત્રી અપ્રેન્ટીસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને અન્ય નીતિવિષયક જોગવાઇઓ હેઠળના વિકાસલક્ષી કામોની યાદી બનાવી બાકી રહેલ કામોને સમયસર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી..
કલેકટરશ્રીએ આણંદના નાગરિકોને લર્નિંગ લાઇસન્સ માટેની પ્રક્રિયા માટે છેક વાસદ જવુ પડે છે તેને ધ્યાને લઈને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને લર્નિંગ લાઇસન્સ માટે આણંદમાં જ વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ. વધુમાં જિલ્લાની દરેક કચેરીમાં નિભાવવામાં આવતુ ઇનવર્ડ અને આઉટ્વર્ડ રજીસ્ટર દરેક કચેરીના અધિકારીઓએ દર અઠવાડીએ ચેક કરવું તેમજ સરકારના આદેશાનુસાર ઇ-સરકાર પોર્ટલ પર કચેરીમા આવતી ટપાલ, ઇનવર્ડ અને આઉટવર્ડ એન્ટ્રી જેવી વિગતોને ફરજીયાત અપલોડ કરવાની રહેશે તેમ જિલ્લા સંકલનના તમામ અધિકારીઓને સૂચવ્યું હતુ.
કલેકટરશ્રીએ બેઠક દરમિયાન લોકપ્રશ્નો, પેન્શન કેસો, નિવૃત્ત થયા હોય તેવા અધિકારી/કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય-પ્રાથમિક તપાસના કેસોની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સૂચનાત્મક માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ કરવામાં આવે તેમ અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા સ્વચ્છતા, આરોગ્ય,પાણી-પુરવઠા,એમ.જી.વી.સી.એલ., જેટકો, માર્ગ અને મકાન, કાંસ વિભાગના કામો, જૂના માર્ગોના નવીનીકરણ તેમજ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સહિતના પ્રજાને લગતાં વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેના સંબંધિત અધિકારીઓ દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવિણ કુમાર, અધિક કલેક્ટરશ્રી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી. વી. દેસાઇ, પ્રાંત અધિકારી સર્વશ્રી વિમલ બારોટ, પ્રજ્ઞેશ જાની અને નિરૂપા ગઢવી, જિલ્લા આયોજન અધિકારીશ્રી રાવલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***********