IMG-20231225-WA0042

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા- જીટોડીયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા- જીટોડીયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી 

પ્રભુ ઈસુના જન્મદિવસે સૌ જગતવાસીઓ પ્રેમ, શાંતિ અને ભાઈચારા થી રહે તે જ આજના દિવસનો સંદેશ- ફાધર જગદીશ મેકવાન

સમગ્ર વિશ્વમાં શાંતિનું રાજ્ય સ્થપાય તે જરૂરી

આણંદ ટુડે I આણંદ,
 નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા- જીટોડીયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આણંદ અને તેની આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર વિજય અને ફાધર પ્રદીપ પરેરા એ જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈસુ ની જેમ એકબીજાને માફી આપીશું, આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છીએ ત્યારે આજથી ૨૦૦૦ વર્ષ પહેલા પ્રભુ ઈસુનો જન્મ થયો હતો પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ, શાંતિ, ભાઈચારો અને એકબીજાને માન આપીને સંપથી રહેવા એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો.
આજના દિવસે સૌ ખ્રિસ્તજનો એકબીજાને હેપ્પી ક્રિસ્મસ મેરી ક્રિસ્મસ ની શુભકામના પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ ઈસુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાં પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌની સાથે મળી સંપીને રહીએ અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તજનો એ પણ ખાસ પ્રાર્થના કરી હતી. આજે પ્રાયશ્ચિત પણ કરવામાં આવ્યું હતું ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈ-ચારાથી રહેવાની અપીલ પણ કરી હતી.
ફાધર  જગદીશ મેકવાનએ જણાવ્યું હતું કે પ્રભુ ઈસુના જન્મના દિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે. નાતાલ પર્વના અઠવાડિયા દરમિયાન યુવા દિન, રમતગમત દિન, સિનિયર સિટીઝન દિવસ, ટેલેન્ટ ઈવનિંગ, બાળ દિન ,મહિલા દિન, પેરિસ કાઉન્સિલ ડે ઉપરાંત તારીખ 31 ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે 2023 ના વર્ષની વિદાય એટલે કે બોન ફાયર અને પછી પરમ પ્રસાદની આરાધના અને આભારની પ્રાર્થના બાદ છેલ્લા દિવસે રાત્રી નો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે તેમ ફાધર જગદીશ મેકવાનએ ઉમેર્યું હતું. નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2024 ના દિવસનો ખ્રિસ્તયજ્ઞ સવારે 8:30 કલાકે ફાધર પ્રમોદ ડાભી દ્વારા અર્પણ કરવામાં આવશે.
સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ચાવડાપુરાના પ્રિન્સિપાલ ફાધર દોમેનિક અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની  શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા.
***