IMG_20230912_105148

ભાજપે પટેલ અને ક્ષત્રિય ઉમેદવારોને પ્રમુખ- ઉપપ્રમુખનો તાજ પહેરાવીને બેલેન્સ જાળવ્યું

આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતો પૈકી તાલુકા પંચાયતમાં

ભાજપે પટેલ અને ક્ષત્રિય ઉમેદવારોને પ્રમુખ- ઉપપ્રમુખનો તાજ પહેરાવીને બેલેન્સ જાળવ્યું.

આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયત પૈકી છ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
વિજેતા જાહેર 

ભાજપે મહિલા ઉમેદવારોને આપ્યું વિશેષ પ્રાધાન્ય,તારાપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ નો તાજ મહિલાના શિરે

આણંદ, બોરસદ, સોજિત્રા, પેટલાદ, તારાપુર, અને ખંભાત તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરિફ

આણંદ જિલ્લાનાની 4 તાલુકા પંચાયતમાં પટેલ અને 2 તાલુકા પંચાયતમાં ક્ષત્રિય સભ્યોને પ્રમુખનો તાજ 

જ્યારે પાંચ તાલુકા પંચાયતમાં ક્ષત્રિય અને એક તાલુકા પંચાયતમાં પટેલ ઉમેદવારને ઉપપ્રમુખ બનાવાયા

આંકલાવ અને ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાશે

આણંદ ટુડે I આણંદ,
આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયત પૈકી છ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેમાં આણંદ, બોરસદ, સોજિત્રા, પેટલાદ, તારાપુર, અને ખંભાત તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
બાકી રહેલ આંકલાવ અને ઉમરેઠ તાલુકા પંચાયતમાં બંને પક્ષે ફોર્મ ભરાયેલ હોઈ મંગળવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થતી હોવાથી બાકી રહેલ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપ દ્વારા આ અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 
સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા સંગઠન સાથે ચર્ચા વિચારણા કરી અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. ગત શનિવારના રોજ યોજાયેલ બેઠકમાં જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખના અંતિમ નામો ઉપર મહોર વાગી ગઈ હતી. 
ભાજપ દ્વારા સોમવારના રોજ તાલુકા પંચાયત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદ તાલુકા પંચાયત માટે સર્કીટ હાઉસ ખાતે તાલુકા પંચાયતના સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કક્ષાએથી આવેલ મેન્ડેટ મુજબ પ્રમુખ પદ માટે પારુલબેન વિજયભાી પરમાર અને ઉપપ્રમુખ માટે કલ્પેશભાઈ કાન્તિભાઈ પટેલના નામની જાહેરાત થઈ હતી. જ્યારે બોરસદ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે મિહીરભાઈ પ્રફલભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે લક્ષ્મીબેન કમલેશકુમાર પરમાર, ખંભાત તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે શિવાનીબેન કેતનભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે વિરેન્દ્રસિંહ રામસિંહ પરમાર, પેટલાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સોનલબેન કલ્પેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે કિરણભાઈ અંબાલાલ પરમાર, સોજિત્રા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે મેહુલભાઈ શનાભાઈ ગોહેલ અને ઉપપ્રમુખ પદે કોકીલાબેન રમેશભાઈ સોલંકી તેમજ તારાપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે શિલ્પાબેન દિલીપભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે પ્રેમીલાબેન ગણપતભાઈ રાઠોડના નામની જાહેરાત કરાઈ હતી. ભાજપ પક્ષના આ તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.સામા પક્ષે કોઈ ફોર્મ ન ભરાતા .તેઓને  બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે.