લાંભવેલ ગામ ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાયો
લાંભવેલ ગામ ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાયો
૬૭ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ મેળવ્યું
આણંદ,
નાગરીકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત રૂ. ૫ લાખ સુધીની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન યોજનાની જાગૃતતા અને તેનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે તે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડની ઝૂંબેશ ચલાવી વધુમાં વધુ લોકો સુધી સરકારની આ યોજનાનો લાભ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રજનીકાંત કાપડીયાની દેખરેખ હેઠળ આયુષ્માન કાર્ડનો લાભ જિલ્લાના દરેક નાગરીક્ને પહોંચાડવાની આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ઝૂંબેશના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરીઆવી દ્વારા લાંભવેલ ગામ ખાતે આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૬૭ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પ દરમિયાન મેડીકલ ઓફિસરશ્રી ડૉ. જીગીશાબેન વૈધ, પીએમજેએવાય-મા યોજના ડીપીસી ધ્વનિ વાઘેલા તથા ઓપરેટર શીતલ ગોહેલ દ્વારા લાભાર્થીઓને સહાય લાભ મળી રહે તે માટેની સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડ થકી સરકારી અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો ખાતે કેન્સર અને હૃદય જેવી બીમારીઓમાં રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. આણંદ જિલ્લાના ગામો ખાતે આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ઘેર બેઠા આયુષ્માન કાર્ડ મળે તે માટે આયુષ્માન વાન દ્વારા ઘેર બેઠા કેમ્પ કરીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે તેનો લાભ લેવા જણાવાયું છે.
********