IMG-20230415-WA0062(1)

પશુપાલકો - મત્સ્યપાલકો અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી આર્થિક ફાયદો થશે - કેન્દ્રિય પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા

પશુપાલકો - મત્સ્યપાલકો અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી આર્થિક ફાયદો થશે - કેન્દ્રિય પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા 

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૫ લાખ કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી

પશુપાલન અને ફીસરીઝ માટે રૂ. ૧.૩૧ લાખ કરોડની બજેટમાં ફાળવણી

સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે “ભારતમાં ડેરી અને મત્સ્યોદ્યોગ વિકાસમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા : સ્થિતિ, પડકારો અને ભવિષ્ય” વિષયક બે દિવસીય કોંન્કલેવનો શુભારંભ


આણંદ, 
 સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા “ભારતમાં ડેરી અને મત્સ્યોદ્યોગ વિકાસમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા : સ્થિતિ, પડકારો અને ભવિષ્ય વિષયક યોજાયેલ બે દિવસીય કોંન્કલેવનો શુભારંભ કાર્યક્રમ કેન્દ્રિય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ હવે નવા નવા પ્રયોગો દ્વારા પશુપાલન અને ફીશરીઝ ક્ષેત્રમાં નવા વિચારો સાથે આગળ વધવું પડશે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલકો, મત્સ્યપાલકો અને ખેડૂતોને આગળ વધવામાં મદદ થઈ રહી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતનો જે મંત્ર છે તેના મૂળમાં ગ્રામીણ અર્થતંત્ર છે, ગ્રામીણ વિકાસ થકી જ સાચા અર્થમાં દેશ આત્મનિર્ભર બની શકશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પશુપાલકો માટે ભારત સરકારે ખાસ અભિયાન શરૂ કર્યું છે, તે અંતર્ગત પશુઓના વેક્સિનેશન માટે રૂ. ૧૩,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ એક નવો આયામ બનશે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨.૫ લાખ કરોડ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. પશુપાલન અને ફીસરીઝનું બજેટ રૂ. ૧.૩૧ લાખ કરોડનું ફાળવીને દેશના ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોની ચિંતા કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતો અને પશુપાલકોએ ચૂકવવા પાત્ર થતું ૭ ટકા વ્યાજ પૈકી ૩ ટકા ભારત સરકાર અને ૪ ટકા ગુજરાત સરકાર ચૂકવે છે, જેથી ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોને વ્યાજમુક્ત ધિરાણ મળી રહ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ માટે રૂપિયા ૨૦ લાખ કરોડની જોગવાઈ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે પશુપાલન, ખેતી અને ફીસરીઝનો વ્યવસાય કરતા તમામને આ બજેટ લાભદાયી બનવાનું છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પશુઓ માટે એમ્બ્યુલન્સની શરૂઆત પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. દેશના સંવેદનશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પશુપાલકોના પશુઓની ચિંતા કરીને અને તેમના પશુઓ બીમાર થાય તો ઘર આંગણે જ ૧૦૮ જેવી જ સેવા ૧૯૬૨ ઉપર ફોન કરવાથી પશુઓની એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચીને અને પશુને યોગ્ય સારવાર આપી રહી છે. આ માટે ભારત સરકાર દ્વારા તેની માવજતના ખર્ચ પેટે પણ ૬૦ ટકા ખર્ચ આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ તકે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ભારત દરેક ક્ષેત્રમાં આગળ આવી વિશ્વમાં ભારતને સન્માન મળ્યું છે. સરકારે પશુપાલકો અને મત્સ્યપાલકોની ચિંતા કરીને ખેડૂતોની સાથે તેમને પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં સમાવી લીધા છે. તેમણે દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોનો ફાળો ખૂબ મહત્વનો છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે એન.સી.સી.એસ.ડી. ના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી ડો. કિરીટ સેલતે પશુપાલન અને મત્સ્યોદ્યોગનું મહત્વ અને તેમા રહેલી તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. અને અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલે અમૂલની વિકાસ ગાથા વર્ણવી હતી. 

કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. એસ. એસ. કમલકરે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

આ તકે મહાનુભાવોના હસ્તે “ગુજરાતની ખેતી વિષયક સહાયલક્ષી યોજનાઓ” પુસ્તક અને “દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી” પેમ્ફ્લેટનું વિમોચન કરવામાં આવ્યું હતું.  

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, નાબાર્ડના અધિકારીઓ, યુનિવર્સિટીના પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો-મત્સ્યપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
*****