આણંદની દિકરી અંજલીના ઉચ્ચ શિક્ષણના સપનાં થયા સાકાર
આણંદની દિકરી અંજલીના ઉચ્ચ શિક્ષણના સપનાં થયા સાકાર
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના કારણે મારી દિકરીના ઉચ્ચ અભ્યાસ માટેની આર્થિક મુશ્કેલીઓનું નિરાકરણ થયુ- રોહિતભાઈ પટેલ
આણંદ,
ગુજરાતમાં છેલ્લા ૨ દાયકામાં મેડિકલ, ટેકનીકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમોના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહયો છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, સાધન-પુસ્તકોની ખરીદી ઉપરાંત અન્ય ખર્ચ પણ થતો હોય છે. જેથી મધ્યમ – ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં પણ તેમના વાલીની મર્યાદિત આવકને કારણે ફી ચૂકવવા તેમજ અભ્યાસ માટેના નિભાવ ખર્ચમાં આર્થિક સહાય વગર ઉચ્ચ અભ્યાસ આગળ ધપાવી નથી શકતા અથવા તો આ માટે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
રાજ્યના આવા પરિવારોના દિકરા - દિકરીઓ ભણે અને ઉચ્ચ અભ્યાસ દ્વારા તેમની કારકિર્દીનું ઘડતર થાય તે માટે સરકારે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા આવા તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી બનાવી છે. ગુજરાતના તમામ વર્ગોના યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી અમલમાં મૂકવામાં આવેલ આ યોજનાના પરિણામે આજે ગુજરાતના અનેક યુવાઓનું ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવાનું, આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન સાકાર થઈ રહયું છે. આ વિદ્યાર્થીઓ પૈકીના એક વિદ્યાર્થીની એટલે શિક્ષણની નગરી એવા આણંદને અડીને આવેલી સરદારની કર્મભૂમી એવા કરમસદના રહેવાસી અંજલીબેન પટેલ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના મળેલ લાભ બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં અંજલીબેનનાં પિતા રોહિતભાઈ કહે છે કે, મારી દિકરી અંજલીએ વર્ષ-૨૦૨૦માં ૧૨મા ધોરણના વિજ્ઞાન પ્રવાહમાં ૯૦ કરતાં પણ વધુ પર્સેન્ટાઇલ સ્કોર મેળવ્યો અને અમે સૌ આનંદ વિભોર થઈ ઉઠયા. હું વ્યવસાયે શિક્ષક છું, જેથી દિકરીના શિક્ષણ માટે વધુ સજાગ રહું છું, અને એટલે જ મારી દિકરીની બેચલર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવાની ઈચ્છાને ધ્યાને લઈ અમે તેનું એડમીશન આણંદ ફાર્મસી કોલેજમાં કરાવ્યું અને ત્યાં તેનો બી.ફાર્મનો અભ્યાસ શરૂ થયો.
બી. ફાર્મ. ની ફી ની સાથે જ આ અભ્યાસને લગતા અન્ય ખર્ચા પણ શરૂ થયા, તેમ જણાવતાં રોહિતભાઈ ઉમેરે છે કે, દિકરીના ઉચ્ચ અભ્યાસના પ્રારંભની સાથે જ ફી તેમજ અભ્યાસને આનુષાંગિક અન્ય ખર્ચા રૂપી મુશ્કેલી અમારી સામે આવીને ઉભી રહી, તેવા સમયે જ અમને રાજય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની જાણકારી મળી અને અમારી આર્થિક મુશ્કેલીઓનું નિરાકરણ થઈ ગયુ.
શિક્ષક પિતાની વાતમાં સૂર પૂરાવતાં અંજલી કહે છે કે, આ યોજનાની જાણકારી મળતા જ અમે સબંધિત વિભાગમાં જઈને તેના ફોર્મ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી. અને બહું જ ટુકા સમયમાં અમારી અરજી મંજુર કરી સબંધિત વિભાગે તેની અમને જાણ કરી ત્યારે અમે ખૂબ આનંદિત બની ગયા.
રાજ્ય સરકારે આ યોજના થકી અમારી માટે મદદનો જે હાથ લંબાવ્યો હતો એ અમારા માટે ખરેખર ખૂબ ઉપયોગી સાબિત થયો છે. તેમ જણાવી સરકારની આ સહાય દ્વારા તેમને મળેલી આર્થિક મદદની વાતને આગળ વધારતા અંજલી કહે છે કે, આ યોજનાના લાભરૂપે મને બી.ફાર્મ. ના પ્રથમ વર્ષે રૂપિયા ૪૦,૫૦૦ અને બીજા વર્ષે પણ રૂપિયા ૪૦,૫૦૦ મળી અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૮૧,૦૦૦ શિષ્યવૃત્તિ પેટે પ્રાપ્ત થયા છે. સમગ્ર ચાર વર્ષનાં સમયગાળામાં અમને રાજ્ય સરકારની આ યોજના થકી કુલ રૂપિયા ૧,૬૦,૦૦૦ જેટલી રકમ સહાયરૂપે મળશે.
સરકારની આ યોજના થકી દિકરીના ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર થતુ જોઈને ગદ્દગદિત સ્વરે રોહિતભાઈ જણાવે છે કે, આ તમામ બાબતોમાં સૌથી મહત્વની વાત તો એ છે કે, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સહાય મેળવવાની પ્રક્રીયામાં અમને કોઇ પણ પ્રકારની તકલીફનો અનુભવ નથી થયો. આજે મારી દિકરી બી.ફાર્મ. ના તૃતીય વર્ષમાં અભ્યાસ કરે છે અને તેનો અભ્યાસ ખુબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. સરકારે અમારા જેવા પરિવારોના દિકરા- દિકરીઓના ઉચ્ચ શિક્ષણ માટેની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે તે બદલ અમે સરકારના ખૂબ આભારી છીએ.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બાદ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે હેતુથી મર્યાદિત આવક ધરાવતા પરિવારના દિકરા-દિકરીઓનો અભ્યાસક્રમ પુરો થાય ત્યાં સુધી તેમને યોજનામાં દર્શાવેલ રકમ સહાય રૂપે આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજનાકીય સહાય આર્થીક રીતે નબળા એવા તમામ વર્ગના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે એક વરદાન સાબિત થઈ રહી છે.
******