યુનાઈટેડ નેશન્સ દ્વારા સ્ટ્રીટ ચિલ્ડ્રન દિવસે આણંદના “સિંચન દયાશકુન ફાઉન્ડેશન" ના બાળકોનું ગીત લોન્ચ કરાયું
આણંદ જિલ્લાનું ગૌરવ
યુનાઈટેડ નેશન્સ દ્વારા સ્ટ્રીટ ચિલ્ડ્રન દિવસે
આણંદના “સિંચન દયાશકુન ફાઉન્ડેશન" ના બાળકોનું ગીત લોન્ચ કરાયું
આણંદ
યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે તા. ૧૨ એપ્રિલના દિવસને સ્ટ્રીટ ચિલ્ડ્રન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુનાઈટેડ નેશન્સના સ્ટ્રીટ ચિલ્ડ્રન વિભાગ સમગ્ર વિશ્વમાં ફૂટપાથ પર રહેતા બાળકો માટે કામ કરતી સંસ્થાઓ/એન.જી.ઓને માર્ગદર્શન અને સહાય કરે છે.
યુનાઈટેડ નેશન્સના સ્ટ્રીટ ચિલ્ડ્રનના એમ્બેસેડર વર્તન મેલકોનિયન એ આણંદના સરદાર પટેલ રાજ માર્ગ પર સંકેત ફૂટપાથ પર ડૉ. ઉમા શર્મા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતી "સિંચન દયાશકુંન ફાઉન્ડેશન" ફૂટપાથ શાળાની મુલાકાત લઈ સંસ્થાના કાર્યોને બિરદાવ્યા હતા. તેઓ સતત બે વર્ષથી આ સંસ્થાની મુલાકાત લઈને સંસ્થા દ્વારા ફૂટપાથ પર રહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે થતા કાર્યોને યુનાઈટેડ નેશન્સની કારોબારીમાં નોંધ કરાવે છે. ગત વર્ષે ડિસેમ્બર ૨૦૨૨માં તેઓ યુનાઈટેડ નેશન્સ તરફથી સ્ટ્રીટ ચિલ્ડ્રન ગીત પ્રોજેક્ટ માટે ભારત આવી અનુપમ મિશનના મહેમાન બન્યા હતા.
વર્તન મેલકોનિયન એ ચિલ્ડ્રન ગીત પ્રોજેક્ટ માટે આણંદના “સિંચન દયાશકુન ફાઉન્ડેશન" ના બાળકોની પસંદગી કરી હતી. સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડૉ. ઉમા શર્મા એ બાળકોને તે ગીત તૈયાર કરવામાં મદદ કરી હતી, આ ગીતનું શૂટિંગ આણંદમાં અનુપમ મિશન અને ફૂટપાથ શાળા પર થયું હતું. આ ગીત માટે વર્તન મેલકોનિયન એ વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કરી ત્યાંના બાળકો સાથે કામ કર્યું છે. તા. ૧૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ યુનાઈટેડ નેશન્સની ચેનલ પરથી સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના બાળકોએ આ ગીતના માધ્યમથી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
"સિંચન દયાશકુંન ફાઉન્ડેશન" આણંદના ફૂટપાથ પર રહેતા ૬૫ થી વધુ બાળકોના શિક્ષણ, સ્વચ્છતા, સંસ્કાર, ખોરાક, સ્વાસ્થ્ય તેમજ તેમના સર્વગી વિકાસ માટે ૨૦૧૮થી સતત કાર્ય કરી રહી છે.
*****