સ્વાતંત્ર્યની લડતોમાં મોખરે રહેલો આણંદ જિલ્લો નવરચના બાદ સર્વાંગી વિકાસ થકી સમૃધ્ધિની દિશામાં અગ્રેસર બન્યો છે - કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવી
સ્વાતંત્ર્યની લડતોમાં મોખરે રહેલો આણંદ જિલ્લો નવરચના બાદ સર્વાંગી વિકાસ થકી સમૃધ્ધિની દિશામાં અગ્રેસર બન્યો છે - કલેક્ટરશ્રી ડી.એસ. ગઢવી
આણંદ જિલ્લાના બોરસદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપુર્વક ઉજવણી
જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી
આણંદ,
આણંદ જિલ્લાના બોરસદ ખાતે ૭૪ માં પ્રજાસતાક પર્વની આન-બાન-શાનથી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રી ડી. એસ. ગઢવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા્ કલેકટર શ્રી ડી. એસ. ગઢવી સાથે જિલ્લાર પોલીસ વડા શ્રી પ્રવીણ કુમારે ખુલ્લીસ જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપનાર અનેક નામી અનામી શહિદોને ભાવપુર્ણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
તેમણે દેશના એકીકરણનું ભગીરથ કાર્ય કરનાર સરદાર વલ્લનભભાઇ પટેલને યાદ કરીને તેમના આદર્શો પર ચાલીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે સંકલ્પબધ્ધ બનવા નાગરીકોને આહવાન કર્યું હતું.
કલેકટરશ્રીએ આઝાદી માટે લડાયેલા બોરસદ, રાસ, અડાસ વગેરે સત્યાગ્રહોનો ઉલ્લેખ કરી દેશના સ્વાતંત્ર સંગ્રામમાં આણંદ જિલ્લાના બહુમુલ્ય યોગદાનને બિરદાવતા ઉમેર્યું હતુ કે, સમૃધ્ધ સાંસ્કૃતિક - ઐતિહાસિક વારસો ધરાવતો અને સ્વાતંત્ર્યની લડતોમાં મોખરે રહેલો આણંદ જિલ્લો નવરચના બાદ સર્વાંગી વિકાસ થકી સમૃધ્ધિની દિશામાં અગ્રેસર બન્યો છે.
આણંદ જિલ્લાની સમૃધ્ધિ માટે હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં શ્રી ગઢવીએ જણાવ્યું હતુ કે, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, માર્ગ - મકાન, પાણી, બાગાયત, રમત ગમત, રોજગાર વગેરે ક્ષેત્રે આણંદ જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી થઈ છે. જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ૬ લાખ કરતાં વધુ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. જેમાં જિલ્લામાં વિવિધ ઓવર બ્રીજ અને ચાર માર્ગીય અને છ માર્ગીય રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
કલેકટરશ્રીએ આણંદ જિલ્લામાં પીવાના પાણી માટે હાથ ધરાયેલી પાણી પુરવઠા યોજનાઓના કારણે જિલ્લો પાણીદાર જિલ્લો પણ બન્યો છે, તેમ જણાવી ઉમેર્યું હતુ કે, જલ જીવન મિશન હેઠળ જિલ્લામાં કુલ ૩૫૭ ગામોના ૪,૦૧,૪૦૯ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ કનેકશન આપવામાં આવ્યા છે. તથા જલ જીવન મિશન અંતર્ગત જિલ્લાના બધા ગ્રામીણ પરિવારોને ઘરેલું નળ કનેકશન ઉપલબ્ધ બનાવી ગ્રામસભાઓના માધ્યમથી બધા ગામોને હર ઘર જલ પ્રમાણિત જિલ્લો જાહેર કરવામાં આવતાં ભારત સરકારના જલ રાશિ મંત્રાલય દ્વારા જિલ્લાને જલ જીવન પુરસ્કાર-૨૦૨૨ પ્રાપ્ત થયો છે.
તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જિલ્લામાં કુલ ૩ લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલ છે. જેઓને અત્યાર સુધીમાં કુલ રૂા. ૫૯૯.૨૭ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એન.એફ.એસ.એ. યોજના હેઠળના કુલ ર.૬૬ લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે ઘઉં-ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યા છે, એટલું જ નહી પરંતુ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ૩૫,૬૮૮ ગેસ કનેકશન પણ આપવામાં આવ્યા છે.
શ્રી ગઢવીએ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર હાથ ધરાયેલ કાર્યોનો ઉલ્લેખ કરતા કહયું હતુ કે, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લામાં ચાલુ વર્ષે રૂા. ૭.૭૩ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના કુલ-૯૧ ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. સ્કુલ ઓફ એકસેલન્સ અંતર્ગત ૩૨ શાળાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન માટે રૂપિયા ૧૨.૫૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આર.ટી.ઈ. અંતર્ગત જિલ્લામાં ચાલુ વર્ષે ૧૪૭૫ બાળકોને ધોરણ ૧ માં પ્રવેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રના આ તમામ કાર્યોની સાથે શાળામાં પ્રવેશ મેળવતું એકપણ બાળક શાળા છોડીને ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહયું છે, જેના પરિણામે આણંદ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૧.૨૫ હતો તે ઘટીને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં ૦.૯૧ થવા પામ્યો છે.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ દ્વારા અશ્વ-શો તથા શ્વાન-શો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ કમગીરી કરનાર વિવિધ વિભાગોના અધિકારી – કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, બોરસદ પ્રાંતઅધિકારીશ્રી, મામલતદારશ્રી, અધિકારી – પદાધિકારીશ્રીઓ, આમંત્રિતશ્રીઓ, શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયાં હતા.
*****