આણંદવાસીઓ આનંદો..
આણંદ મહાનગરપાલિકાનું રૂ.૧૦૫૫.૩૨ કરોડનું પ્રથમ બજેટ રજૂ કરાયું
આણંદ મહાનગરપાલિકાનું રૂ.૧૦૫૫.૩૨ કરોડનું પ્રથમ બજેટ રજૂ કરાયું
આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરાયું
મહાનગરપાલિકા વિસ્તારમાં કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, હાલના દર યથાવત રહેશે- મિલિંદ બાપના
આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક/સર્કલમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલનું નિર્માણ કરાશે
ટાઉનહોલ ચોકડીથી ભાઈ કાકા ચોકડી સુધીના આણંદ વિદ્યાનગર રોડ ૨.૫ કિલોમીટર લંબાઇના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરાશે
ગોયા તળાવને અમદાવાદ કાંકરીયાની થીમ બેઝ પર ડેવલોપ કરવામાં આવશે
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ ખાતે સરદાર સાહેબનું નવું મ્યુઝિયમ તથા અટલપથ- સરદાર પથ બનાવવાનું આયોજન
એપીસી સર્કલ તેમજ અટલ ચોક ખાતે બે નવા ફ્લાય ઓવર બનાવવાનું આયોજન
મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું આયોજન
આ બજેટમાં લોકોની પ્રાથમિક તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે - મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
આ બજેટથી આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થશે - ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ
આણંદ ટુડે | આણંદ,
આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના એ આજે મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રથમ અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આજે અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવું છું.
શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ ૨૦૨૫-૨૬ નું અંદાજિત રૂપિયા ૧૦૫૫.૩૨ કરોડનું બજેટ આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
શ્રી મિલિંદ બાપના એ મિલકતવેરા સંબંધે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકાનું આ પ્રથમ વર્ષ હોય કોઈ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, હાલના દર યથાવત રહેશે.
તેમણે આણંદ મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓ અંગે જણાવ્યું કે ટાઉનહોલ ચોકડીથી ભાઈ કાકા ચોકડી સુધીના આણંદ વિદ્યાનગર રોડ ૨.૫ કિલોમીટર લંબાઇના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના રોડને ડામર રોડ બનાવી તેમાં વિવિધ પ્રકારનું બ્યુટીફિકેશનની કામગીરી કરાવી આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. એલીકોન ગાર્ડન થી બાકરોલ ગેટ સુધીના ૭૦૦ મીટર લંબાઈના રોડને તમામ સુવિધાઓથી સજજ આરસીસી રોડ બનાવવામાં આવશે, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ૧૪ જેટલા રોડને આરસીસી રોડ બનાવવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં તળાવ તેમજ બગીચા ને લગતા કામ અંગે તેમણે જણાવ્યું કે જળસંગ્રહ શક્તિ વધારવા માટે ચાર તળાવો ઊંડા કરવા તળાવના ફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. નગરજનોની આરોગ્ય લક્ષી સુખાકારીમાં વધારો કરવા બે નવીન ઓક્સિજન પાર્ક, બે નવીન પાર્ટી પ્લોટ તથા જાપાનની મિયાવાકી પદ્ધતિથી એક નવીન ગાર્ડન બનાવવાનું આયોજન તથા ગોયા તળાવ ને અમદાવાદ કાંકરીયા ની થીમ બેઝ પર ડેવલોપ કરવામાં આવશે.
આણંદ શહેરના આગવી ઓળખના કામો તરીકે સાંસ્કૃતિક વારસાને જાળવતું એક નવીન કલ્ચર સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેનું આયોજન, મહાનગરપાલિકાના દરેક ઝોન માટે ત્રણ કિલ્લોલ કુંજ એટલે કે ઘોડિયાઘર નિર્માણ કરવામાં આવશે, ફૂડ સેફ્ટી અંતર્ગત શહેરમાં અત્યાધુનિક બે વેજીટેબલ માર્કેટ તથા એક ફ્રુટ માર્કેટ નું નિર્માણ કરવામાં આવશે.
યુવા રમતગમત શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ને લગતા કામો અંતર્ગત આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાર નવા યોગા સેન્ટર, બે ઓપન જીમ, ઉપરાંત એક નવા સ્વિમિંગ પૂલ અને રિક્રેએસન સેન્ટર તથા બે નવી લાઇબ્રેરી અને સ્ટડી સેન્ટર બનાવી નોલેજ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલા બાળ વિકાસ, આરોગ્ય અને શિક્ષણને લગતા કામ માટે એક નવા ફિઝિયોથેરાપી સેન્ટર ઉપરાંત મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, મહાનગરપાલિકાના દરેક ઝોન ખાતે એક આયુષ સેન્ટર અને ડિજિટલ એજ્યુકેશનની પહેલ માટે મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું આયોજન છે.
અગ્નિશામક વિભાગ ને લગતા કામો જેવા કે, ફાયર સંબંધિત સુરક્ષા માટે એક નવા વોચ ટાવર બનાવવાનું તથા ફાયર સેફટી માટે નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓ માટે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેગ લગાવવાની જોગવાઈ છે, ઉપરાંત ૫૦૦ ઢોર ની ક્ષમતા વાળું ઢોર ડબ્બા અપડેટ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યાવરણ સેનિટેશન અને રિસાયકલિગ માટે નવા છ પંપીંગ સ્ટેશન તથા બે નવા એસટીપી બનાવવાનું આયોજન અને એક બાયો મિથેન પ્લાન્ટ બનાવવાનું આયોજન છે.
સફાઈ માટે મિકેનાઈઝ્ડ ક્લીનિંગ ટ્રક, મીની સ્વીપિંગ, સુપર સકર જેવા નવીન સાધનોની ખરીદી કરવાનું તથા કચરાના નિકાલ માટે છ નવા ગારબેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા નું પણ આયોજન છે.
સ્ટ્રીટ લાઈટ અને વીજળીને લગતા કામો તેમજ સર્વેલન્સના કામ માટે આણંદ શહેર વિસ્તાર તથા ગામોના મુખ્ય ચોક સહિત શાળાઓ, સરકારી ઓફિસ, ગાર્ડન વગેરે સ્થળોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક/ સર્કલમાં આત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ નું નિર્માણ કરવામાં આવશે. આંતરમાળખાકીય સુવિધાઓના સુવિચારો સંચાલન માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર સાહેબનું નવું મ્યુઝિયમ તથા અટલપથ- સરદાર પથ બનાવવાનું આયોજન છે. એપીસી સર્કલ તેમજ અટલ ચોક ખાતે બે નવા ફ્લાય ઓવર બનાવવાનું આયોજન છે. અવકુલ હોટલ પાસે અંડર બ્રિજ અંગેની દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત એક નવું એનઆરજી ડેસ્ક અને એન આર જી સેન્ટર બનાવવાનું, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪ નવી વોર્ડ ઓફિસ બનાવવાનું તથા એ આઈ બેઝડ સિટિઝન ગ્રીવાંશ સિસ્ટમ રીડ્રેસલ સિસ્ટમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ચાર ગામોમાં નવી ડ્રેનેજ લાઈન પંપિંગ સ્ટેશન, નવી પાણીની લાઈન, હયાત આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતર કરવામાં આવશે, એક કોમ્યુનિટી હોલ/ લગ્ન વાડીનું નિર્માણ કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં એક સ્માર્ટ લાઈબ્રેરી નું પણ નિર્માણ કરવાનું આયોજન છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જે માર્ચ ૨૦૨૫ સુધી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓ સહિત તમામ વિસ્તારોમાંથી પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ૧૦૦ ટકા કરવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકાની ડમ્પીંગ સાઈડ ખાતે હાલ ૨૦૦ ટી પી ડી ક્ષમતા સાથેનો પ્રયાસ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે, જે સૂકા અને ભીના કચરા માટે કામ કરે છે.
આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ તમામ લોકોની લાગણી - માંગણીઓ સંતોષનારૂ આ બજેટ કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું છે, તેમ જણાવી આણંદ મહાનગરપાલિકાના આ પ્રથમ અંદાજપત્રનું સંપૂર્ણ અમલીકરણ થાય તે રીતે કામ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ બજેટ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં નળ, ગટર, રસ્તાનું કામ તથા લોકોની અપેક્ષાઓ હોય છે તે તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, જે બાબતે કમિશનરશ્રીને વહીવટદારશ્રીએ અભિનંદન અને શુભેચ્છા પણ પાઠવી હતી.
વધુમાં તેમણે મહાનગરપાલિકાનો સમાવેશી વિકાસ થાય તેવું બજેટ રજૂ કર્યું છે, જેમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ફોરેસ્ટ, આઇકોનિક રોડ, લાઈટ, પંપિંગ સ્ટેશન, રોડ, સફાઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સીએનજી વેસ્ટનો પણ પ્લાન્ટ બનાવવામાં આવશે. તમામ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે. શિક્ષણ, આઈસીડીએસ સહિત તમામ ક્ષેત્રે બજેટ ખૂબ જ અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે, જે આવકારવા દાયક છે, તેમ વહીવટદાર શ્રી એ જણાવ્યું હતું.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આણંદ મહાનગરપાલિકાના આ બજેટમાં આણંદના જન પ્રતિનિધિઓની માંગણી સંતોષવામાં આવી છે, જે આવકારવા દાયક બાબત છે, ઉપરાંત આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૦૪ ગ્રામ્ય વિસ્તારો માટેના વિકાસની તમામ બાબતો આવરી લીધેલ હોય જેના કારણે રાજ્યના મોટા મહાનગરોના વિકાસની જેમ આણંદ મહાનગરપાલિકાનો પણ ઝડપી વિકાસ થશે તેવું બજેટ રજૂ કર્યું છે, તેમ જણાવી આ બજેટ આવકારવા દાયક બજેટ છે અને નગરજનોને ખૂબ સુવિધા ઉપલબ્ધ બનશે, તેમ જણાવી આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના અને આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આ બજેટ માટે અભિનંદન પણ આપું છું, તેમ તેમણે જણાવ્યું હતું.
આ સમયે આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સર્વ શ્રી નીલાક્ષ મકવાણા અને શ્રી એસ.કે ગરવાલ સહિત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***