IMG-20231001-WA0018

આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે વાસદ ખાતે શ્રમદાન કર્યું

આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે વાસદ ખાતે શ્રમદાન કર્યું

સાંસદશ્રી મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં" એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે વાસદ ખાતે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સાંસદની સાથે જન પ્રતિનિધિઓ અને નાગરિકો પણ શ્રમદાનમાં સહભાગી બન્યાં

આણંદ, રવિવાર 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન સંદર્ભે દેશભરમાં આગામી તા. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાના અયોજન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશના ભાગરૂપે આજે આણંદ જિલ્લાના વાસદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલની આગેવાની હેઠળ "એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે નગરજનોને જોડીને મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રંસગે સાંસદશ્રી મિતેષભાઇ એ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ જોયેલા સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સફાઇ અભિયાન બનાવીને સાકાર કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિના એક દિવસ અગાઉ એટેલેકે આજે તા. ૧લી ઓક્ટોબરના રોજ “એક તારીખ, એક કલાક” સૂત્રને સાર્થક કરવા આયોજિત આ કાર્યક્રમમાં સૌએ એકસાથે જોડાઇને મહા શ્રમદાનમાં યોગદાન આપવું જોઈએ. 

સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર આસપાસના વિસ્તાર માટે જ નહીં પરંતુ આપણા સૌના આરોગ્ય માટે પણ અતિ જરૂરી છે. જો વ્યક્તિ અને તમામ લોકો પોતાના ઘર, ફળીયાં અને ગામથી લઈને દેશના તમામ જાહેર સ્થળો તેમજ અન્ય વિસ્તારોમાં સ્વચ્છતાના માપદંડોને જાળવે તો સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્ર નિરોગી અને સ્વસ્થ બને છે. 

"સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અભિયાન અંતર્ગત યોજાયેલ સફાઈ મહા શ્રમદાન કાર્યક્રમમાં સાંસદશ્રીએ બસ ડેપોની આસપાસના રોડ,રસ્તાઓનું પણ સ્વચ્છતાના માપદંડોને ધ્યાને લઈને નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમના અંતે સાંસદશ્રીએ ઉપસ્થિત સૌની સાથે સ્વચ્છતા શપથ લીધા હતાં. 

સાંસદશ્રી સાથે આ કાર્યક્રમમાં જનપ્રતિનિધીઓ, જી.એસ.આર.ટી.સી. સહિત અન્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, વાસદના તલાટી કમ-મંત્રી, વહીવટદાર, આંગણવાડીની બહેનો, વાસદ ગામના યુવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઇને વાસદ બસ ડેપોની અંદર અને બહારના રસ્તા તેમજ આસપાસનાં વિસ્તારની સફાઈ કરીને મહા શ્રમદાનમાં સહભાગી બન્યાં હતાં.

*********