IMG-20231212-WA0024

આણંદ- ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને મળ્યો માલિકી હકક

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આણંદ- ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને મળ્યો માલિકી હકક

સ્વામિત્વ યોજના હેઠળ  ગામ દીઠ પાંચ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

આણંદ જિલ્લામાં ૨૫૨ ગામો સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવાયા:જિલ્લામાં ૧૦૦ ટકા ડ્રોન માપણીની કામગીરી પૂર્ણ

૭ ગામોના સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ રેકોર્ડનું પ્રમોલગેશન કરવામાં આવ્યું:૧૮,૮૪૪ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા

આણંદ ટુડે I આણંદ, 
વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લામાં ગામે ગામ પરિભ્રમણ કરી રહી છે.આ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો ગામડાંઓમાં પાત્રતા ધરાવતા  લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. 

ગ્રામીણ વિકાસની સંકલ્પનાની મહત્વની પાયારૂપ યોજના પૈકીની ગ્રામીણ લોકોના મિલકતોના મિલકત કાર્ડ આપવાની યોજના એટલે સ્વામિત્વ યોજના. 

ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાના ઉમદા હેતુથી આ યોજના બનાવવામાં આવી છે. 
આણંદ જિલ્લામાં ૨૫૨ ગામો સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને જિલ્લામાં ૧૦૦ ટકા ડ્રોન માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પૈકી જિલ્લામાં કુલ ૧૦૭ ગામો ખાતે ગ્રાઉન્ડ ટ્રુથીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, તે પૈકી ૬૭ ગામોના સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ રેકોર્ડનું પ્રમોલગેશન કરવામાં આવ્યું છે જેના ૧૮૮૪૪ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને બાકી રહેલ ગામોમાં પણ હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. પ્રમોલગેશન થયેલ ગામોમાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દરેક ગામ દીઠ પાંચ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. 
        જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારીશ્રી એકતા પટેલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. જે માલિકી હક્ક દર્શાવતો પુરાવો બન્યો છે. સ્વામિત્વ યોજનાથી મળેલ પ્રોપર્ટી કાર્ડથી લાભાર્થીને લોન મેળવવામાં સરળતા રહેશે. આ યોજનાથી વર્ષોના પારિવારીક પ્રશ્નોનું નિવારણ તથા હદ બાબતના પારિવારિક ઝઘડાઓનું નિરાકરણ થશે અને ગામમાં વિકાસના કામો કરવામાં સરળતા રહેશે. આણંદ જિલ્લાના જે ગામો સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેવા તમામ ગામો ખાતે બાકી રહેલ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે અને જે ગામોમાં સિટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાથી આ પ્રોપર્ટી કાર્ડ માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ બનવાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 
***