IMG-20230223-WA0007

આણંદના રાજમાર્ગો પર અભૂતપૂર્વ શ્રી અક્ષરપુરુષોતમ દર્શન શોભાયાત્રા યોજાઇ

આણંદ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા અક્ષરફાર્મમાં યોજાયેલ શ્રીમદ્ ભગવતગીતા પારાયણ  ઉપક્રમે 

આણંદના મુખ્ય માર્ગો પર ગજરાજ પર દર્શન આપતા પ્રમુખસ્વામી મહારાજ, શુભ પ્રેરણા આપતા કલાત્મક ફ્લોટ્સ સહિતની ભવ્ય શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની

મયુરાકાર ફલોટમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગજરાજ પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિએ  દર્શન આપ્યા.

સનાતન ધર્મના શાસ્ત્રના ટેબ્લોની અદભુત પ્રસ્તુતિએ સૌનું ધ્યાન દોર્યું.

બે કિ.મી. લંબાઈની શોભાયાત્રાના ૬ કિ.મી. રૂટમાં અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત થયું.

આણંદ
આણંદ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા અક્ષરફાર્મ ખાતે "વૈશ્વિક સમસ્યાઓ નું સમાધાન : ભગવતગીતા" પારાયણનું ભવ્ય આયોજન થયુ છે. જેમાં  જેમાં બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી (પી.એચ.ડી., ડિલીટ) કથામૃતનો લાભ આપશે.તા.૨૪-૨૫, ફેબ્રઆરી: રાત્રે ૮ થી ૧૦ અને તા.૨૬, ફેબ્રઆરી : સાંજે ૫ થી ૮ કથા લાભ મળશે.
દેશ અને પરદેશમાં અનેક યુનિવર્સિટીઓ અને માન્ય સંસ્થાઓ દ્વારા સન્માનીત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા     આણંદની જનતાને અમુલ્ય સત્સંગ લાભ અને જીવનનું ઉચ્ચતમ માર્ગદર્શન આ સત્રમાં મળનાર છે ત્યારે એ પૂર્વે તા.૨૩/૦૨/૨૦૨૩, ગુરુવારે બપોરે ૨.૦૦ થી સાંજે ૭.૦૦ દરમિયાન એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સનાતન ધર્મના મહાન ગ્રંથો અને તેમાં ઉલ્લેખ થયેલ દિવ્ય સંદેશ સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગજરાજ પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિએ જાહેર માર્ગો પર સૌને દર્શનદાન આપ્યા હતા અને સૌને શુભ પ્રેરણાઓ પ્રાપ્ત થઈ હતી. 
    આ શોભાયાત્રા ૨૩/૦૨/૨૦૨૩, ગુરુવારે બપોરે ૨.૦૦ વાગ્યે આણંદ - વ્યાયામશાળા થી શરૂ થઈને, ઉત્સવ પાર્ટી પ્લોટ – અમૂલડેરી રોડ - સ્ટેશન રોડ – ગામડી વડ – બેઠક મંદિર - નવા બસસ્ટેન્ડ થી ગ્રીડ તરફનો માર્ગ-ટાઉન હૉલ - આણંદ વિદ્યાનગર રોડ પરથી પસાર થઈને સાંજે ૭.૦૦ કલાકે અક્ષરફાર્મ પર વિરમી હતી. વ્યાયામ શાળા મેદાનથી સાંસદ શ્રી મિતેશભાઈ,પૂર્વ સાંસદો શ્રી દિલીપભાઈ, દીપકભાઇ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ અને મહાનુભાવોએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. બે કિ.મી. લંબાઈની શોભાયાત્રાના ૬ કિ.મી. રૂટમાં અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત થયું હતું. જેમાં અમૂલ ડેરી રોડ પર અમૂલના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ શોઢાપરમારે અને અન્ય અધિકારીઓ, નગરપાલિકા પાસે પ્રમુખ શ્રીમતી રૂપલબેન વનીશભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રીમતી છાયાબા ઝાલા અને સર્વ કાઉન્સિલરોએ પણ સ્વાગતનો લાભ લીધો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટીના શ્રી કેતનભાઈ અને તેમના સ્ટાફે પણ સ્વાગત કર્યું હતું.પી એમ પટેલ એજ્યું. સોસાયટી, રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા પણ શોભાયાત્રાના વધામણા થયા હતા.
    ન ભૂતો, ન ભવિષ્યતિ એવી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યાત્રાનો નજારો સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરીને અંતરમાં અહોભાવ ઉપજાવતો હતો. સૌથી આગળ પ્રવકતા ટેબ્લો સૌનું અભિવાદન કરી શોભાયાત્રાનો પરિચય આપતો હતો, મેસ્કોટ ફ્લોટ બાદ ગજરાજ પર બિરાજીત સૌના પ્રાણ સમા પ્રમુખસ્વામી મહારાજની મુર્તિ સૌ પર કરુણા દ્રષ્ટિ રેલાવતી હતી. એની પાછળ સાફાધારી ઘોડેસવારો અને આદિવાસી વેશમાં બોડેલી સત્સંગ મંડળ ભજનની રમઝટ બોલાવતું હતું. મયુરરથમાં શ્રી અક્ષરપુરુષોતમ મહારાજ દાન આપતા હતા. નૃત્યમાં ગુલતાન બાળકો-યુવકોની પાછળ બુલેટ બાઇકો પર સ્વામીશ્રીના સિંહ સંતાનો સમા સાફાધારી યુવાનો પંચમુર્તિ અને ભાષ્ય ગ્રંથની પાલખીને દોરતા હતા. જેની પાછળ ભગવી આભમાં પ્રખર વિદ્વાન મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશસ્વામી અને પૂજ્ય ભગવતચરણ સ્વામી બગીમાં બિરાજમાન હતા. બદલપુર સત્સંગ મંડળના હરિભક્તો ભૂંગળો અને વાદ્યો સાથે ભજનના તાલે ઝૂમતા હતા. વેદના મંત્રોનું ગાન કરતાં બાળકો,સફેદ વસ્ત્ર પરિધાનમા માળાજાપ કરતાં પદયાત્રીઓ અને અંતે કળશ, પોથી, ધજાઓ સાથે સ્લોકો, ભજનોના સૂર બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓના વિવિધ વૃંદ આ શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા. આમ આણંદ શહેરમાં સનાતન ધર્મની દાર્ષનિક પરંપરાના સપ્તમ આચાર્ય  મહામહોપાધ્યાય  પૂજ્ય ભદ્રેશસ્વામી અને શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના હર્ષભેર વધામણા કરતી શોભાયાત્રા સાંજે ૭.૩૦  કલાકે અક્ષરફાર્મમાં વિરમી હતી