voter_ID_elections_electoral_roll_Bihar_123-1

લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગીદાર બનવા આણંદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ

લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગીદાર બનવા આણંદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ

તા. ૦૧/૦૧/૨૦૨૪ સુધીમાં ૧૮ વર્ષની ઉંમર પૂરી થનાર તમામ યુવાઓ મતદાર યાદીમાં નામ નોંધાવે- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી

તા. ૦૯ મી ડીસેમ્બર શનિવારના રોજ આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. સવારના ૧૦:૦૦ કલાકથી ૫:૦૦ કલાક સુધી ફોર્મ સ્વીકારશે


આણંદ,
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૯/૧૨/૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને બૂથ લેવલ અધિકારી (BLO) દ્વારા મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા-વધારા તથા કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવનાર છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ મતદારોને ખાસ ઝુંબેશના દિવસે મતદાર યાદીમાં નામ નોંધવા, સુધારા, વધારા તથા કમી કરવા માટે મતદાન મથકની મુલાકાત લેવા તથા ખાસ ઝુંબેશના દિવસે યોજવામાં આવતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લઈ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચૌધરીએ તા. ૦૧/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લાના જે યુવાનોની ૧૮ વર્ષની ઉંમર પૂરી થનાર છે તેવા તમામ યુવાઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરી છે. 

આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસ દરમિયાન તમામ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. (બુથ લેવલ ઓફિસર) દ્વારા સવારના ૧૦:૦૦ કલાકથી ૫:૦૦ કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. મતદારો ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે Voter Helpline App અથવા www.voterportal.eci.gov.in, અથવા www.nvsp.in અથવા www.voters.eci.in માધ્યમોનો ઉપયોગ કરી શકે છે તથા વધુ માહિતી માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકાશે.      
***