IMG_20231004_094923

ઓપરેશન કર્યા બાદ ચાર માસ સુધી આંતરડુ બહાર રાખવામાં આવ્યું, પરંતુ...

ઓપરેશન કર્યા બાદ ચાર માસ સુધી આંતરડુ બહાર રાખવામાં આવ્યું, પરંતુ...

“મારા એકના એક દીકરાને સરકારની આરોગ્ય સેવાના માધ્યમથી નવજીવન મળ્યું”- રણજીતભાઈ સોલંકી

સરકાર અમારી વહારે આવી, અમારા ખરાબ સમયે અમારો સાથ આપ્યો. 

આર.બી.એસ.કે. ના માર્ગદર્શન હેઠળ બાળકને વડોદરા એસએસજી હોસ્પિટલમાં મળી વિનામૂલ્યે સારવાર

આણંદ ટુડે I આણંદ,

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને આરોગ્ય વિષયક સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ગામે ગામ આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઇસ્કુલના બાળકોના આરોગ્યની ચકાસણી નિયમિત કરવામાં આવે છે અને આ દરમિયાન કોઈપણ બાળકને તકલીફ જણાય તો સંદર્ભ કાર્ડ ભરીને આવા બાળકોને અમદાવાદ અથવા વડોદરા ખાતેની સરકારી હોસ્પિટલો ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

આણંદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર. બી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આરબીએસકેની ટીમ દ્વારા ગરીબમાં ગરીબ લોકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નામણ ગામે રહેતા ૩૪ વર્ષીય રણજીતભાઈ સોલંકી  વિદ્યાનગર જીઆઇડીસી ખાતે વેલ્ડર તરીકે નોકરી કરે છે. તેમના દીકરાને સરકારની આરોગ્ય સેવાના માધ્યમથી નવું જીવન મળ્યું છે.  તેમણે જણાવ્યું કે વડોદરા સર સયાજી હોસ્પિટલ ખાતે મારા એકના એક દીકરો સુજલ કે જેની ઉંમર માત્ર છ વર્ષ છે તેને નવજીવન મળ્યું છે અને મેં સરકારી સેવાનો પ્રથમ વાર અનુભવ કર્યો છે. વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપવા માટેની સરકારની આરોગ્ય સેવાથી હું ખૂબ પ્રભાવિત થયો છું, કહી ગદગદિત સ્વરે રણજીતભાઈ સોલંકીએ સરકાર પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. 

બોરસદ તાલુકાના નામણ ગામે રહેતા રણજીતભાઈ સોલંકીના છ વર્ષના દીકરાને પેટમાં દુખાવો અને ઉલટીઓ થતાં દવાથી પણ કંઈ જ ફરક પડતો ન હતો તેથી તેમણે ખાનગી હોસ્પિટલ ખાતે બતાવતા સોનોગ્રાફી કરાવી, પરંતુ કંઈ જ ખબર ન પડી તેથી સીટી સ્કેન કરાવ્યું ત્યારે ખબર પડી કે પેટમાં આંતરડામાં કાણા છે અને ખાનગી હોસ્પિટલમાં જો ઓપરેશન કરાવશો તો રૂપિયા ત્રણથી ચાર લાખનો ખર્ચ થશે તેમ ખાનગી હોસ્પિટલ,બોરસદ ખાતેના ડોકટરે જણાવ્યું હતું.

માસિક માત્ર રૂપિયા ૧૦ હજારમાં નોકરી કરતા રણજીતભાઈ સોલંકીને માથે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી તેમણે તેમના સાઢુભાઈ કે જેઓ આરબીએસકે ટીમની ગાડી ચલાવે છે તેમનો સંપર્ક કર્યો અને આરબીએસકેની ટીમના ડોક્ટર ક્રિષ્નાબેન ઠક્કરે તરત જ આ બાળકને ચેક કરીને સંદર્ભ કાર્ડ ભરીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે મોકલી આપ્યા હતા.

  વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે જતા જ ડોક્ટરની ટીમે તપાસતા તે જ દિવસે તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ ચાર માસ સુધી આંતરડુ બહાર રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી હાલમાં જ  ૩૧ મી ઓગસ્ટના રોજ એસએસજી હોસ્પિટલ ખાતે ફરીવાર બીજું ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યારે બાળક સુજલ એકદમ સ્વસ્થ છે, તેમ સુજલના પિતાએ હર્ષના આંસુ સાથે જણાવ્યું.  રણજીતભાઈ સોલંકીએ જણાવ્યું કે મારા ધર્મપત્ની અને મારા મમ્મી ઘર કામ કરે છે મારા પપ્પા ખેતી કરે છે પરંતુ અમારી પાસે માત્ર અડધો વિઘો જમીન છે,  એથી જો અમે ખાનગી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવું પડ્યું હોત તો એટલી જમીન પણ ન હતી કે અમે જમીન ગીરે મૂકીને ઓપરેશન કરાવી શકીએ, પણ જ્યારે કોઇ ન હતું ત્યારે સરકાર અમારી વહારે આવી, અમારા ખરાબ સમયે અમારો સાથ આપ્યો. 

રણજીતભાઈ સોલંકીએ વધુમાં ઉમેર્યુ કે હજી મારી ઉંમર ૩૪ વર્ષની છે અને મારી આવક એટલી સારી નથી કે હું ખાનગી હોસ્પિટલ નો દવાનો ખર્ચ ઉપાડી શકું. પરંતુ પહેલીવાર જીવનમાં સરકારી આરોગ્ય સેવા કેટલી સરસ હોય છે તેનો અનુભવ મળ્યો. ખાસ કરીને આરબીએસકેની ટીમના ડોક્ટર ક્રિષ્ના ઠક્કર અમારા ઘરની વારંવાર મુલાકાત લઈને અમને સમજ આપતા, સાંત્વના આપતા, અમારા છોકરાના ખબર અંતર પૂછે, નિયમિત રીતે મારા બાળકના સ્વાસ્થ્યની તપાસ કરીને અમને જણાવતાં કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને હવે બધુ સરસ થઇ ગયું છે. તેથી અમે માનસિક રીતે પણ સ્વસ્થ બન્યા છીએ.

એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતેની ડોક્ટરોની ટીમ અને નર્સનો પણ આભાર માનું છું કે મારા છોકરાના બંને વાર જે ઓપરેશન કર્યા તે સરસ રીતે થયા અને અમારી નજર સામે જ છોકરો આંગણવાડીમાં જાય છે, અત્યારે મારો છોકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે, રમે છે, સરસ ખોરાક લે છે, અને હું, મારી પત્ની, મારા મમ્મી, પપ્પા બધા જ સરકારની આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મળવાથી ખૂબ જ ખુશ છીએ, તેમ જણાવતા રણજીતભાઈ સોલંકીની આંખમાંથી લાગણી સાથે આભારભાવ પ્રગટ કરતાં આંસુ સરી પડ્યા હતાં.

ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળની ડોકટરની ટીમ જો મોટી બિમારી જણાય તો સંદર્ભ કાર્ડ ભરીને અમદાવાદ કે વડોદરા ખાતેની સિવિલ હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપે છે અને આવા દરદીઓને સારામાં સારી આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

******