IMG_20221221_200812

ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનાર મૂળ અલીન્દ્રાના વતની અને હાલમાં ચેન્નઈ સ્થિત વિખ્યાત દાતા જયંતિભાઇ રામભાઇ પટેલને દાનભાસ્કર એવોર્ડ પ્રદાન

ચારૂસેટ ખાતે 31મો ‘દાનભાસ્કરએવોર્ડ સમારંભ યોજાયો 

ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનાર મૂળ અલીન્દ્રાના વતની અને હાલમાં ચેન્નઈ સ્થિત વિખ્યાત દાતા જયંતિભાઇ રામભાઇ પટેલને દાનભાસ્કર એવોર્ડ પ્રદાન 

નદી-નાળા અને પાણીના પ્રવાહ નીચે ખોદકામ કર્યા સિવાય ગેસ અને ઓઇલ પાઇપલાઇન પસાર કરવામાં ક્ષમતા ધરાવતા દાતા જે. આર. પટેલનો મહીસાગર નદી નીચે 2100 મીટર લાંબી પાઇપલાઇન નાખવાનો વિક્રમ  

ચારૂસેટને અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું


ચાંગા
ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનાર મૂળ અલીન્દ્રાના વતની અને હાલમાં ચેન્નઈ સ્થિત વિખ્યાત દાતા જયંતિભાઇ રામભાઇ પટેલ (N.R.P. Projects Pvt. Ltd.)ને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 20મી ડિસેમ્બરે, મંગળવારે ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળના–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ, શ્રી અશોકભાઈ પટેલ,  કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળના સહમંત્રી શ્રી ગિરીશભાઈ બી. પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. આર. વી. પટેલ, CHRFના સહમંત્રી પ્રિ. ધીરૂભાઈ પટેલ,  એડવાઈઝર ડો. બી. જી. પટેલ,  ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, વી. એમ. પટેલ,  સી. એસ. પટેલ,  માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ,  હોદેદારો,  ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા જયંતિભાઇ પટેલના પુત્ર હિતેશભાઇ પટેલ, પુત્રી અમિતાબેન, પુત્રવધૂ નીતાબેન હિતેશભાઇ પટેલ, દાતા નગીનભાઇ પટેલના મોટા પુત્ર શૈલેશભાઈ તેમજ પરિવારજનો  હાજર રહ્યા હતા.  
શરૂઆતમાં ચારુસેટના વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન કરતાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે આમંત્રિતો મહેમાનો, સૌ ઉપસ્થિતોને આવકાર્યા હતા. 
પ્રિ. આર. વી. પટેલે આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો અને જયંતિભાઇ પટેલનો શરુઆતથી જ જુદા જુદા કેળવણી અને આરોગ્ય વિષયક પ્રવૃતિઓમાં ટહેલ નાખતા આર્થીક યોગદાન આપ્યું તું તે પ્રસંગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે  વ્યવસાયિક ડિગ્રી લીધા સિવાય તેઓએ પોતાની આગવી સૂઝબુઝથી વતનથી દૂર નામના-ચાહના-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની કંપની અગ્રણી ISO સર્ટીફાઇડ એન્જીનિયરીંગ કન્સ્ટ્રક્શન કંપની છે. નદી-નાળા અને પાણીના પ્રવાહ નીચે ખોદકામ કર્યા સિવાય ગેસ અને ઓઇલ પાઇપ લાઇન પસાર કરવામાં તેમની ક્ષમતા છે. 2008માં ગાજણા પાસે મહીસાગર નદી નીચે 2100 મીટર લાંબી પાઇપલાઇન નાખવાનો તેમનો વિક્રમ નોંધપાત્ર છે. તેઓ વ્યવસાય માટે અવારનવાર શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા,  યુરોપ અને અમેરિકા તેમજ દેશમાં જુદા જુદા રાજ્યોમાં કાર્યરત છે જે આપણા વિદ્યાર્થીઓ માટે અનુકરણીય છે.       જયંતિભાઈ ચેન્નઈ અને નગીનભાઇ બેંગલોરમાં વ્યવસાય સંભાળતા તેમજ સંયુક્ત પરિવારની ભાવના જાળવતા. 
સમાજના ઉદગમથી સમાજે શરૂ કરેલી સહિયારી સમાજયાત્રા, શિક્ષણયાત્રા, સ્વાસ્થ્ય યાત્રામાં જોડાઈને દાન આપે છે, અપાવે છે. સમાજના અગ્રણીઓ તેમને મળવા ચેન્નઈ કે બેંગલોર જાય ત્યારે પણ તેમની આગતા સ્વાગતા કરવા ઉપરાંત તેમને સહયોગ આપે છે.  ચેન્નઈમાં પાટીદાર સમાજના ભવનના નિર્માણમાં અને સમાજ થકી ચાલતી પ્રવૃતિઓમાં તેઓએ મોખરે રહી દાનનો પ્રવાહ વહેવડાવ્યો છે. તેમણે ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલને રૂ. 1 કરોડનું માતબર દાન આપ્યું છે.  
 ત્યાર બાદ દાતા જયંતિભાઇ પટેલનું અશોક પટેલ દ્વારા તેમજ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 
ડો. આર. વી. ઉપાધ્યાયે ચારુસેટ યુનિવર્સિટી વિષે વિગતવાર માહિતી આપી હતી. 
દાનભાસ્કર એવોર્ડ અને ચારુસેટ સંસ્થા વિષે ‘શ્રી ધીરૂભાઈ પટેલે માહિતી આપી હતી અને જણાવ્યુ કે દાતાઓના દાન થકી આપણે ઉજળા છીએ.  
દાનભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ કર્યું હતું.  
ડો. એમ.સી. પટેલના હસ્તે  દાતા જયંતિભાઇ પટેલને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું અને  શ્રી નગીનભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.
ઉલ્લેખનીય છે કે  મૂળ અલીન્દ્રાના વતની રામભાઇ ધર્મદાસ પટેલ અને મણિબેનના 4 સંતાનોમાં બે પુત્રો નગીનભાઈ અને જયંતીભાઇ અને બે પુત્રીઓ કમલાબેન અને જયાબેન. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસો હાઇસ્કૂલમાં લીધું હતું. જયંતિભાઈ 1956માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અમદાવાદમાં એક વર્ષ હોસ્ટેલમાં રહીને કોમર્સમાં ડિગ્રી લેવા તત્પર હતા ત્યારે તેમના બનેવી કાંતિભાઈ પટેલે 1958માં બેંગલોરમાં ઓઇલ કંપનીના કોન્ટ્રાકટર સાથે ધંધામાં જોડી દીધા. 1964 સુધી જયંતિભાઈ અને નગીનભાઈ વ્યવસાયની સૂઝ અને વગ અને કળ પ્રાપ્ત કરતાં રહ્યા  1964માં મોટાભાઇ નગીનભાઈના નામે એન. આર. પટેલ એન્ડ કંપની શરૂ કરી. મીલીટરી એન્જીનિયરીંગ સર્વિસમાં તેમણે રૂ. 40 હજારથી લઈને આજે રૂ. 98 કરોડ સુધીના કોન્ટ્રાક્ટના કામો કરેલા છે. 
દાતા જયંતિભાઇ પટેલ પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા નીતાબેન હિતેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે આ એવોર્ડ  આપ સૌ સમક્ષ સ્વીકારતા અમારા પરિવારજનો આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ.સમાજના ઉત્થાન માટે સદા તત્પર જયંતિભાઈએ ગુજરાતથી ચેન્નઈ આવતા લોકોને હમેશા આર્થિક-નૈતિક સહયોગ આપ્યો છે. પોતે જે કમાયા તેમાંથી સમાજને પરત આપતા રહ્યા છે. જયંતિભાઈના પુત્રી અમિતાબેને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  
શ્રી વી. એમ. પટેલ, ઉપપ્રમુખ શ્રી અશોક પટેલ, CEHT-UK ના ડીરેક્ટર ડો. અમરિશ પટેલ, ચારુસેટ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમાબેન પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.   
ડો. એમ. સી. પટેલે જે. આર. પટેલને હરતીફરતી યુનિવર્સિટી ગણાવતાં ભવિષ્યમાં ચારુસેટમાં પી. એચ. ડી. ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આમંત્રણ આપ્યું હતું. 
અધ્યક્ષસ્થાનેથી  શ્રી નગીનભાઈ પટેલે કહ્યું કે  સમાજનો વિકાસ થાય તે માટે દેશવિદેશના દાતાઓનો આર્થિક સહયોગ હમેશા મળતો રહ્યો છે. અ સમાજે ઘણો વિકાસ કરેલો છે ત્યારે ભવિષ્યમાં પણ દાતાઓ તરફથી  સહયોગ પ્રાપ્ત થશે તેવી આશા છે. 
શ્રી ગિરીશભાઈ બી. પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલન I2IMના આસિસ્ટન્ટ પ્રોફેસર લિપિ આચાર્ય અને આસિસ્ટન્ટ પ્રોફેસર વિજય મકવાણાએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા, કેળવણીમંડળ અને CHRFની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં રૂ. 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 47 વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. જેઓને કેળવણી મંડળની પરંપરા મુજબ ‘દાનભાસ્કર’ એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે  છે. આ 31મો   ‘દાનભાસ્કર’ એવોર્ડ સમારંભ છે.