આણંદ જિલ્લાના વ્યવસાયે સિવિલ ઈજનેર યુવાને પ્રાકૃતિક ખેતી અપનાવી કરી રૂ.૭.૫૦ લાખની માતબર કમાણી
આણંદ જિલ્લાના વ્યવસાયે સિવિલ ઈજનેર યુવાને પ્રાકૃતિક ખેતી અપનાવી કરી રૂ.૭.૫૦ લાખની માતબર કમાણી
મ્યુચલ ફંડ આધારીત લોંગ ટર્મ, મીડ ટર્મ અને શોર્ટ ટર્મના લક્ષ્યને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કર્યુ વિવિધ પાકનું વાવેતર
લોંગ ટર્મ માટે એગ્રો ફોરેસ્ટ્રીમાં સફેદ ચંદન,મીડ ટર્મ માટે બાગાયતી પાક કમલમ (ડ્રેગન ફ્રુટ) અને શોર્ટ ટર્મ માટે શાકભાજીનું કર્યુ વાવેતર
સોજીત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલ અન્ય યુવાનો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું અને ક્ષારનું પ્રમાણ ઘટયું
આણંદ ટુડે | આણંદ,
ગુજરાતમાં દિનપ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં આર્થિક ખુશાલી લાવી રહી છે.રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા સાથે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે.દેશના ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે.
આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે,ત્યારે આજે વાત કરવી છે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલની. જીતેન્દ્રભાઈ પટેલ વ્યવસાયે સિવિલ ઈજનેર છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
નાગરિકો રાસાયણિક ખેતીવાળા ધાન્ય તથા શાકભાજી ખાઈને કેન્સર જેવી અસાધ્ય બિમારીના સંકજામાં ફસાઈ રહ્યા છે.બસ આજ વાતની જાણકારીથી તેમને પોતાની વડીલોપાર્જિત ૧૫ વીધા જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી લોકોને સાત્વિક આહાર મળી રહે તે માટે ઝુંબેશ ઉપાડી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.જીતેન્દ્રભાઈ મ્યુચલ ફંડમાં લાંબા,ટૂંકાગાળાના રોકાણની જેમ પ્રાકૃતિક ખેતી કરવાની આગવી પદ્ધતિ અપનાવી છે.
તેમણે બાગાયતી પાક કમલમના ૧૦૦૦ પોલ ઉભા કર્યા છે એક પોલ પર પાંચ (૫) કિ.ગ્રા.જેટલા કમલમનું ઉત્પાદન મેળવે છે. જીતેન્દ્ર ભાઈએ આ સિઝનમાં એકંદરે પાંચ ટન જેટલા કમલમના ઉત્પાદન મેળવીને રૂ.૭.૫૦ લાખની માતબર કમાણી કરી છે.આગામી ત્રણ વર્ષમાં એક પોલ પર ૨૫ થી ૩૦ કિ.ગ્રા જેટલા કમલમનું ઉત્પાદન થશે અને ભવિષ્યમાં સારી એવી કમાણી થશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
તેઓ કહે છે કે, જેમ મ્યુચલ ફંડમાં શોર્ટ ટર્મ, મીડ ટર્મ અને લોન્ગ ટર્મ એમ ત્રણ પ્રકારના રોકાણનો કોન્સેપ્ટ છે તેમ પ્રાકૃતિક ખેતીમાં પણ તેમને શોર્ટ ટર્મ માટે શાકભાજી, મીડ ટર્મ માટે બાગાયતી પાકમાં કમલમ ( ડ્રેગન ફ્રૂટ), લોન્ગ ટર્મમાં એગ્રો ફોરેસ્ટ્રીમાં સફેદ ચંદનનું વાવેતર કર્યું છે.
પ્રાકૃતિક ખેતી પધ્ધતિના ફાયદા જણાવતા તેઓ કહે છે કે, જમીનની ચકાસણી કરાવતા તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણમાં વધારો થવા સાથે જમીનમાં ક્ષારનું પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નજીવા ખેતી ખર્ચ સાથે પાકનું વધુ ઉત્પાદન પણ મળ્યું છે.
સફળતાનો સમગ્ર યશ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને આપ્યો
પોતાની આ સફળતાનો સમગ્ર યશ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને આપતા જીતેન્દ્રભાઈએ જણાવે છે કે રાજ્યપાલશ્રી લિખિત પુસ્તકમાં જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેટી પધ્ધતિને અનુસરીને તથા આત્મા, આણંદ દ્વારા મળેલ તાલીમ અન્વયે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ કરવાની શરૂઆત કરી છે.
ખેતરમાં ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવી
જીતેન્દ્રભાઈએ પોતાના ખેતરમાં ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા ૬૦ થી ૭૦ ટકા સબસીડી પેટે સહાય મળી છે. કમલમની બાગાયતી ખેતી માટે બાગાયત ખાતામાંથી યોજનાકીય સહાય મળી છે.
સ્વસ્થ સમાજ અને જમીનની ફળદ્રુપતા માટે ઝેરમુકત ખાધાન્ન, ફળ અને શાકભાજી માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે.
**********