IMG-20231001-WA0032

આણંદ ખાતે એક તારીખ એક કલાક ના સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવામાં સહભાગી બનવા જાહેર જનતાને અપીલ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

"સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત આણંદ ખાતે "એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

આણંદ ટુડે I આણંદ, 
 મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત પરના સપનાને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ "સ્વચ્છતા હી સેવા" પખવાડિયાની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાસ ઝુંબેશના ભાગરૂપે તા. ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સમગ્ર દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની સાથે આણંદ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે લોક ભાગીદારીને જોડીને મહા શ્રમદાન કાર્યક્રમો યોજાયા હતા.

આણંદ શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલા ગણપતિ મંદિર ખાતે યોજાયેલ સફાઈ મહા શ્રમદાન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક્ષ શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, અધિક નિવાસી કલેકટર શ્રી આર.એસ. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, નાયબ કલેક્ટર શ્રી શોભના વર્મા, ચીફ ઓફિસર શ્રી આર.એસ. ગરવાલ, આણંદ ગ્રામ્ય મામલતદારશ્રી સી.વી. ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મીઓ, સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો, ધાર્મિક સંતો, સફાઈ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સ્વચ્છતાના આ મહાપર્વમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં “એક તારીખ એક કલાક”ના સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, ત્યારે આપણે સૌએ પણ સ્વચ્છતાને આપણી ફરજ સમજી જાહેર સ્થળો, રસ્તા, રહેણાંક વગેરેને સ્વચ્છ રાખવા, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઇએ તેવો અનુરોધ કરી આણંદ જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ કરી હતી.

આ મહાશ્રમદાન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આણંદના ૮૦ ફૂટ રોડની સમુહ સફાઈ કરીને “સ્વચ્છતા શપથ” લીધા હતા.
*****