મહિલાઓ માટે સંકટ સહેલી બનતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન
મહિલાઓ માટે સંકટ સહેલી બનતી ૧૮૧ અભયમ હેલ્પલાઇન
શારીરિક-માનસિક કે અન્ય કોઇપણ કારણોસર પીડિત મહિલાઓ માટે ૨૪x૭ કાર્યરત
૮ વર્ષમાં આણંદ જિલ્લાની ૩૪ હજારથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો
આણંદ,
રાજયની મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષાનું અભય વચન પૂરૂં પાડતી સેવા એટલે ૧૮૧ અભયમ હેલ્પલાઇન. આ હેલ્પલાઇન આજે મહિલાઓ માટે સાચા અર્થમાં સંકટ સમયની સહેલી બની છે. રાજયની મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષા કવચ બનીને સતત ૨૪ કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સથવારો પૂરો પાડી રહી છે.
આજની આધુનિક ભારતીય નારીઓએ સમાજની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ દરેક ક્ષેત્રોમાં અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરીને સફળતાના સોપાનો સર કર્યા છે. મહિલાઓ તેમનામાં રહેલી પ્રતિભાઓને ઉજાગર કરીને પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના સપનાંઓને સાકાર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢિચુસ્ત સમાજમાં પરંપરાગત માન્યતાઓ અને જૂનવાણી વિચારસરણી મહિલાઓ માટે મુસીબત નોતરતી હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓ માટે ઘણીવાર વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેને ધ્યાને લઇ મહિલાઓના આ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને જીવીકે-ઇએમઆરઇ મહિલાઓની વ્હારે આવીને એક સંકલિત રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઇન કાર્યરત કરી છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓ કોઇપણ રીતે પીડિત થતી હોય તો તે ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સહાય મેળવી શકે છે.
આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ કોઇપણ મહિલાની શારીરિક, જાતિય, માનસિક કે આર્થિક સતામણી, હિંસા કે અન્યાય, સ્ત્રી ભ્રૂણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન, કોઇપણ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી, સંબંધોમાં તકરાર-ઝઘડો થયો હોય કે બીજી કોઇપણ મુસીબતો આવી હોય તો તેમાંથી બચાવીને મહિલાઓને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાનું કાઉન્સેલીંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. ૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવાનો લાભ રાજયની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા કે પછી કોઇ મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો હોય તેવો પુરૂષ આ સેવાનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત રાજયમાં હિંસાનો ભોગ બની હોય તેવી અન્ય રાજયની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.
નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં ૫,૨૩૭ મહિલાઓ મળી છેલ્લા ૮ વર્ષમાં કુલ ૩૪,૫૧૮ મહિલાઓએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સેવાનો લાભ લીધો છે.
*****