આણંદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ આણંદ કાર્યક્રમમાં ૧૦૬૨.૧૨ કરોડના M.O.U સાઈન કરાયા
વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ આણંદ
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં
આણંદ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ આણંદ" કાર્યક્રમમાં ૧૦૬૨.૧૨ કરોડના M.O.U સાઈન કરાયા
વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ આણંદ કાર્યક્રમ થકી આણંદ જિલ્લાના વિકાસને વધુ વેગ મળવાની સાથે નવી રોજગારીનું સર્જન થશે-ઉદ્યોગ રાજ્યમંત્રી
આણંદ જિલ્લા માટે ૭૮ એકમોએ રૂ. ૧,૪૯૫ કરોડના ઔદ્યોગિક રોકાણની એમ.ઓ.યુ. દ્વારા તત્પરતા દર્શાવી
ઉદ્યોગ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્ટેજ ઉપરથી ૭ એકમો સાથે રૂપિયા ૧૦૬૨.૧૨ કરોડના એમ.ઓ.યુ સાઈન કરાયા
આણંદ ટુડે I આણંદ,
આણંદ ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા ''વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ આણંદ" કાર્યક્રમમાં જિલ્લાના ૭૮ એકમો સાથે રૂપિયા ૧૪૯૫ કરોડનાં એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત સર્વેને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ ના વર્ષમાં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” ના રોપેલા બીજ આજે ૨૦ વર્ષ બાદ વટવૃક્ષ બની દેશની સાથે વિશ્વભરના રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે.
વાઈબ્રન્ટ ગુજરાતના લીધે આજે ગુજરાત રોકાણકારો માટે બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનવાની સાથે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરીણામે દેશના જી.ડી.પી. માં ગુજરાતનો હિસ્સો ૮.૪ ટકા થયો છે, આ ઉપરાંત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને દેશની કુલ નિકાસમાં ૩૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે.
મંત્રીશ્રીએ કહયું હતુ કે, બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ મહોત્સવના પ્રારંભે વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાનશ્રીએ મૂકેલો એ વિશ્વાસ આજે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ થયો છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આવનારા વર્ષોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબીલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે, તેમ જણાવી મંત્રીશ્રી વિશ્વકર્માએ ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ગેટ વે ટુ ધી ફ્યુચર બનવા સજ્જ હોવાનો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આણંદના ઔદ્યોગિક વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ દેશને શ્વેતક્રાંતિની ભેટ આપનાર અમુલ દેશની સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની બની છે, જેણે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, મિલ્કસિટી તરીકે ઓળખાતા આણંદ જિલ્લાએ એન્જીનિયરીંગ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ડેરી ઉદ્યોગ, ખેત ઉત્પાદન સહિતના ક્ષેત્રે પણ ઉડીને આંખે વળગે તેવો વિકાસ કર્યો છે.
મંત્રીશ્રીએ ''વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ આણંદ કાર્યક્રમમાં થયેલા એમ.ઓ.યુ. થકી આણંદ જિલ્લાના વિકાસને વધુ વેગ મળવાની સાથે જિલ્લામાં નવી રોજગારીનું સર્જન થશે તેવી આશા પણ આ તકે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બે દાયકા પૂર્વે શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાતની સફર બહુ જ નાના પાયે અમદાવાદ ખાતેથી શરૂ થઈને આજે વિશ્વના મુખ્ય ફલક પર પહોંચી છે તે આપણા સૌના માટે ગર્વની બાબત છે. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ આણંદનો આ કાર્યક્રમ આપણને એ જ સફરને આગળ ધપાવવા માટે પ્રેરે છે.
તેમણે વધુમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતમાં હોવાનું ગર્વની વાત છે, આજે વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપે છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, ઇફ્કો પછી સમગ્ર ભારતમાં નેનો યુરીયાનું લાઇસન્સ મેળવનારી કંપની આણંદમાં બની છે જે આપણા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે.
આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસીએશનના પ્રમુખશ્રી હેમલભાઈ પટેલે જિલ્લાની ઔદ્યોગિક રૂપરેખા આપી હતી. જ્યારે ઉદ્યોગપતિ સર્વશ્રી સંજય રાવલ અને કાર્તિક દોશીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ માટે સરકાર દ્વારા મળેલ સહયોગને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લામાં ઉદ્યોગ સ્થાપવા માટે ૭૮ એકમો દ્વારા રૂપિયા ૧૪૯૫ કરોડના ઔદ્યોગિક રોકાણની એમ.ઓ.યુ. દ્વારા તત્પરતા દર્શાવવામાં આવી હતી. જેના પ્રતિક રૂપે ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્ટેજ ઉપરથી ૭ એકમો સાથે રૂપિયા ૧૦૬૨.૧૨ કરોડના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમ બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ સ્ટોલધારકો પાસેથી વિવિધ ઉત્પાદનો અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ આ તકે સ્ટોલધારકોની મહેનતને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર.એસ.પટેલ, અમુલ ડેરીના વાઇસ ચેરમેનશ્રી કાંતિ સોઢા પરમાર, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લાલસિંહ વડોદિયા, જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ, ઉદ્યોગકારો - રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
*****