IMG-20240410-WA0027

મતદાન અવશ્ય કરજો ના સંદેશા સાથે સોજીત્રામાં મહિલા મતદારોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ

"મતદાન અવશ્ય કરજો " ના સંદેશા સાથે સોજીત્રામાં મહિલા મતદારોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ

૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું

મતદાનની અગત્યતા સમજાવતા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન ભાલીયા


આણંદ, 
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને જિલ્લાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહિના આ પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં મતદાર જાગૃતિનો યજ્ઞ આરંભાયો છે. 

આણંદ જિલ્લામાં આરંભાયેલા આ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન ભાલીયા દ્વારા સોજીત્રા વિધાનસભા ક્ષેત્રમાં આગામી ચૂંટણીના દિવસે મહત્તમ મતદાન થાય  તે માટે અનેકવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લાના ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૨,૨૦,૭૫૦ મતદારો પૈકી ૧,૦૭,૧૨૩ જેટલા મહિલા મતદારો છે. આ મહિલા મતદારો લોકશાહીના આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમનામાં જાગૃતિ આવે તેવા આશયથી સોજીત્રા શહેરમાં મહિલા મતદારોની મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી સોજીત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને મતદારોને મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા જાગૃત કર્યા હતા. આ મહિલા મતદાર રેલીમાં ઉપસ્થિત મહિલાઓએ "ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ" ના સૂત્રો પોકારી, સોજીત્રાના મતદારોને મતદાન જરૂરથી કરજો તેવો સંદેશો આપ્યો હતો. 

મદદની ચૂંટણી અધિકારી શ્રી ભાલિયાના જણાવ્યા અનુસાર ૧૧૪- સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં તારાપુર તાલુકાના ગામો, સોજીત્રા તાલુકાના ગામો, પેટલાદ તાલુકાના ૧૨ ગામો ઉપરાંત ખેડા જિલ્લાના વસો તાલુકાના પાંચ જેટલા ગામોનો પણ સમાવેશ થાય છે, આ તમામ ગામો ખાતે પણ મતદાનના આગલા દિવસ સુધી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. 

ઉલ્લેખનિય છે કે, મતદાર જાગૃતિ કાર્યક્રમના માધ્યમથી ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારો પાસેથી પ્રતિજ્ઞાપત્ર પણ ભરાવવામાં આવી રહ્યા છે. અમે અવશ્ય મતદાન કરીશું તેવા સંકલ્પ પત્રો ભરવામાં આવી રહ્યા છે, મતદારોને મતદાનની અગત્યતા વિશે સમજ આપવામાં આવી રહી છે એટલું જ નહી પરંતુ "આણંદ કરશે મતદાનને ચરિતાર્થ" ના વિષય પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
**