IMG_20240226_074823

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વિધાર્થીએ અહિંસક રીતે મધ કાઢવાની પધ્ધતિ વિકસાવી

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વિધાર્થીએ અહિંસક રીતે મધ કાઢવાની પધ્ધતિ વિકસાવી

અનુસ્નાતક પ્રાણીશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતાં નિખીલ પ્રજાપતિએ મધમાખીને અડ્યા વિના એટલે કે અહિંસક રીતે  મધ એકઠુ કરવા ખાસ પ્રકારના બોક્સ વિકસાવ્યા

આણંદ ટુડે | વલ્લભ વિદ્યાનગર
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સલગ્ન કોલેજ વી. પી. અને આર. પી. ટી. પી. . સાયન્સ કૉલેજ અને હાલ અનુસ્નાતક પ્રાણીશાસ્ત્રમાં અભ્યાસ કરતાં નિખીલ પ્રજાપતિને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગ્લીમરિંગ ૨૦૨૩માં ડો. નિકુંજ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૮૫,૦૦૦ની ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટ દ્વારા તેઓએ H For Honey bee ના નામથી એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને આજે તેનું અંતિમ તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે. 
આપણે જાણીએ છીએ કે પાકના ઉત્પાદન માટે કિટકોનું મોટો ફાળો હોય છે, જેમાં મધમાખીનું પણ ખૂબ મોટું યોગદાન રહેલું છે. મધમાખીઓ ફૂલો પર રહીને મધ એકત્ર કરે છે અને એક ફૂલથી બીજા ફૂલમાં અવરજવરને કારણે પાકમાં પરાગનયનની પ્રક્રિયા ઝડપી બને છે, જેના કારણે ખેડૂતને પાક વધુ મળે છે. આ ઉપરાંત વિશ્વભરમાં મધની માંગ પણ હંમેશ માટે રહે છે. આ માંગને પૂર્ણ કરવા માટે જુદા જુદા પ્રકારે મધમાખીઓનો ઊછેર કરવામાં આવતો હોય છે. પરંતુ નિખીલ પ્રજાપતિએ એક એવી પધ્ધતિ વિકસાવી છે કે જેના દ્વારા મધમાખીને અડ્યા વિના એટલે કે અહિંસક રીતે આપણે મધ પ્રાપ્ત કરી શકીશું. તેઓએ એક ખાસ પ્રકારના બોક્સ વિકસાવ્યા છે. જે બોક્સને આપણે આપણી આજુ બાજુ અથવા તો આપણા ઘર પર જ રાખી શકીશું. આ બોક્સમાં જે મધમાખી ઊછેર કરી તેમાં મધ એકઠું થશે અને ત્યાર બાદ મધ કાઢવાની પધ્ધતિ સૌથી સરળ હશે, બોક્સમાં એકઠું થયેલું મધ સીધું એક વાસણમાં લઈ શકશે અને એ પણ મધમાખીના ડર રાખ્યા વિના. હાલ આ બોક્સનું અંતિમ તબ્બકાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ પરીક્ષણની સફળતા બાદ આ બોક્સને સાર્વજનિક વેચાણ માટે મૂકવામાં આવશે. 
આ અંગે નિખીલ પ્રજાપતિ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે મારા માટે યુનિવર્સિટીના સહયોગ વગર આ કાર્ય શક્ય ન હતું. મારા પ્રોજેક્ટનું નામ છે H For Honey bee. આ બ્રાન્ડ એવી કાર્યપધ્ધતિ પર કાર્ય કરી રહી છે કે જે માત્ર મધનું વેચાણ જ નહીં પરંતુ અમારો પ્રાથમિક ધ્યેય ગ્રાહકને વ્યક્તિગત બોક્સ આપી મધમાખી ઉછેર કરી પોતેજ પોતાનું મધ પોતાના જ ઘર ની અગાસી માંથી મેળવી લે તેનો છે. હાલ પ્રોજેક્ટનું અંતિમ તબ્બકાનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ IPR માટે રજીસ્ટર કરીશું અને ત્યાર બાદ વેચાણ માટે મૂકીશું. હાલમાં આ પ્રકારના મધમાખી ઉછેર માટેના બોક્સ ભારતમાં ઉપલબ્ધ નથી અને વિદેશમાં જે છે એ ખૂબ જ મોંઘા છે. અમારો પ્રયાસ દરેક લોકોને પરવળે એ રહેશે. આ કાર્યમાં શરૂઆતથી જ મારી મદદ કરનાર સુનિલ ચાકી સર, ડૉ. નિકુંજ ભટ્ટ સરનો હું આભારી છું.

૨૮ વિદ્યાર્થીઓને ૨૪ લાખ રૂપિયા સુધીની સહાય

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના નવીનતમ વિચારોને સાથ આપી તેને સાર્થક કરવા માટે SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી)ની શરૂઆત કરવમાં આવી છે.  SSIP દ્વારા કૉલેજે અને વિભાગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ઉદ્યોગસાહસિક વિચારો સાંભળી યોગ્ય વિદ્યાર્થીઓને ૨.૫ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૮ વિદ્યાર્થીઓને ૨૪ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે.