SAVE_20240528_201414

1જૂનના રોજ લોકસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબકકા માટે મતદાન

આજની 10 મહત્વની ખબર

1જૂનના રોજ લોકસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબકકા માટે મતદાન

દેશમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા તબકકા માટે આવતીકાલ તા.1ના રોજ આઠ રાજયોની 57 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબકકામાં કુલ 904 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ત્રીજી વખત પણ વડાપ્રધાન બનવાની તૈયારી કરતા નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે તે કારણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ સૌથી વધુ ગરમ છે.મતદાન બાદ તા.4ને મંગળવારે મતગણતરી થશે અને આગામી પાંચ વર્ષ દેશમાં કોણ શાસન કરશે તેનો લોક ચુકાદો જાહેર થશે.છેલ્લા તબકકાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુદ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય કંગના રનૌત, અનુરાગ ઠાકુર, રવિ કિશન, રવિશંકર પ્રસાદ, અખીલેશ પ્રતાપસિંહ, અજય રાય, અભિષેક બેનર્જી સહિતના ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ચૂંટણીના આ છેલ્લા તબકકામાં રાજકારણ સાથે ગ્લેમર પણ છવાયેલું રહ્યું છે. રવિ કિશન અને કાજલ નીશાદ વચ્ચે ટકકર છે. ઘણા પ્રધાનો ચૂંટણી જંગમાં ઉતરેલા છે.

રાજકોટમાં લૂંટારૂ ગેંગે પોઢને માર મારી લૂંટી લીધો

રાજકોટ ઘંટેશ્વર પાસે વહેલી સવારે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી. સ્ક્રોપીયો કારમાં ધસી આવેલ ચારથી વધુ શખ્સોએ બાઇકમાં જઇ રહેલ પ્રોઢને આંતરી ઢોર માર મારી રૂા.20,000ની લૂંટ ચલાવી નાસી છૂટતા યુનિ. પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનામાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પ પર મોં બંધ રાખવા માટે આપવામાં આવેલા પૈસા છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ તૈયાર કરવાનો આરોપ હતો. આ મામલો 2016નો છે, તે પહેલા તેઓ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

અમદાવાદમાં સ્ક્રેપના સાત વેપારીને ત્યા CGST ના દરોડા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ અને નરોડામાં સ્ક્રેપના વેપારીઓ અને સ્ટીલના મોટા વેપારીઓને ત્યા સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે. અંદાજે સાતથી દસ જેટલા વેપારીઓના ઓફિસ અને ગોડાઉનોમાં દરોડા પાડીને મોટાપાયે દસ્તાવેજો જપ્ત કરાયા છે.સવારથી મોડી સાંજ સુધી દરોડાની કામગીરી ચાલુ રહેતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ચાર અધિકારીની ધરપકડ

રાજકોટ TRP ગેમઝોનમાં લાગેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોતનો મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મનપાના અધિકારીઓ જવાબદારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે.

ચારધામ યાત્રા શ્રદ્ધાળુઓનો ઘસારો યથાવત ,10 મી જૂન સુધી VIP દર્શન બંધ

હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ ભાવિકોની અભૂતપૂર્વ ભીડ જામી રહી હોવાથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા જ છે. વીઆઈપી દર્શન બંધ કરવાની જાહેરાત થઈ હતી.હવે આ નિર્ણય 10 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. ભાવિકોને દર્શનમાં વિક્ષેપ ન પડે તે માટે વીઆઈપી દર્શન બંધ કરાયા છે. ઉતરાખંડના મુખ્ય સચિવ દ્વારા આ મામલે તમામ રાજયોને પત્ર પાઠવ્યો છે.

સોનાની દાણ ચોરી કરતા એર હોસ્ટેસ ઝડપાઇ

કેરળના કન્નુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની એર હોસ્ટેસ (કેબિન ક્રૂ) સોનાની દાણ ચોરી કરતા પકડાઈ છે એર હોસ્ટેસની ઓળખ કોલકાતાની રહેવાસી સુરભી ખાતૂન તરીકે થઈ છે, જેની પાસેથી લગભગ 960 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.એર હોસ્ટેસ કથિત રીતે આ સોનું તેના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં છુપાવીને મસ્કતથી લાવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ પહેલા પણ ઘણી વખત આ રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે.આરોપી ખાતૂનને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 45 કલાકનું ધ્યાન શરૂ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાક લાંબા ધ્યાનની શરૂઆત કરી. નજીકના તિરુવનંતપુરમથી હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચ્યા પછી, મોદીએ ભગવતી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી અને હોડી સેવા દ્વારા રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન શરૂ કર્યું. વડાપ્રધાનની ધ્યાન પ્રેક્ટિસ 1 જૂન સુધી ચાલુ રહેશે.

કસ્ટોડિયલ ડેથ મામલે PSI સહિત 6 પોલીસકર્મી સામે મોટી કાર્યવાહી

ગીર સોમનાથના  સુત્રાપાડામાં યુવાનની કસ્ટોડિયલ ડેથ  મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, સુત્રાપાડા પોલીસ મથકે તાલાલા CPI, PSI સહિત 6 પોલીસકર્મી સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે ઉના DySP ચૌધરીને તપાસ સોંપાઈ છે.

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી સ્વામી વિજય પ્રકાશ દાસ સ્વામીને માર મારવાની ઘટના

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી સ્વામી વિજય પ્રકાશ દાસ સ્વામીને માર મારવાની ઘટના સામે આવી છે.. હુમલાખોરો તેમના પર વ્યભિચારનો આરોપ મુકી તેમને માર માર્યો હતો. 
જો કે આ આ હુમલો જમીન કૌભાંડ મામલે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે..સ્વામીએ કહ્યુ તેમને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, અને તેઓ આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવશે.