1001022190

CVM યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો

સુવિખ્યાત શિક્ષણ ધામ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત

CVM યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો

તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત

વિદ્યાનગર
આણંદ શહેર પાસેના સુવિખ્યાત શિક્ષણ ધામ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારંભ ઍલિકોન ઇન્ડસ્ટ્રીના સીએમડી પ્રયાસ્વિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો.
સમારંભના પ્રમુખ પ્રયાશ્વિનભાઈ પટેલે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને આગામી કારકિર્દી દરમિયાન કેવા પ્રકારના ગુણો વિકસાવવા જોઈએ અને કેવા પ્રકારે મહેનત કરવી જોઈએ તેમની વાત કરી હતી. 
આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીંખુભાઈ પટેલે પોતાનું અધ્યક્ષીય વકતવ્ય આપતા કહયું કે સીવીએમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ કરવુ પડે તે માટે હંમેશા તત્પર છે અમે હંમેશા નવા નવા અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુરૂપ શિક્ષણ માટે કટિબધ્ધ છીએ, જયારે આજે વિશ્વ ફલક પર સીવીએમના વિદ્યાર્થી પોતાનો કદમ મૂકે ત્યારે તે સર્વગુણ સંપન્ન હોવા જોઈએ એવી અમારી નેમ છે. પદવી ધારકો, ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચડી ધારકોને આજના આ દ્વિતીય પદવીદાન સમારંભ નિમિત્તે તેમણે અભિનંદન આપ્યા અને આશિર્વચન પાઠવ્યા. 
દ્વિતીય પદવીદાન સમારંભમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને 2549 પદવીઓ એનાયત કરવામાં આવી હતી. અને 45 ગોલ્ડ મેડલ એનાયત થયા, જેમાં 15 ગોલ્ડ મેડલ જુદા જુદા દાતાઓ તરફથી દાનમાં આવેલી રકમ દ્વારા તેમના નામજોગ પ્રસ્તુત કરવામાં આવ્યા અને 30 ગોલ્ડ મેડલ ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા એનાયત થયા તથા 9 વિદ્યાર્થીઓને પીએચડીની ઉપાધી એનાયત કરવામાં આવી હતી. 
પદવીદાન સમારંભમાં સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ તથા અન્ય  પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, આચાર્ય, અધ્યાપકો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા .
કાર્યક્રમને અંતે ડૉ સંદીપ વાલિયાએ આભાર દર્શન કર્યુ અને રાષ્ટ્રગાન સાથે આ દિવ્ય અને ભવ્ય પદવીદાન સમારંભ સંપન્ન થયો હતો.


Loading...