ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો બીજો પદવીદાન સમારંભ યોજાયો
ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો બીજો પદવીદાન સમારંભ યોજાયો
ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ૧૩૧ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત
આણંદ ટુડે | કરમસદ
ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો બીજો પદવીદાન સમારંભ શનિવાર ૩૦, નવેમ્બર ૨૦૨૪ના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આર. રવિ કન્નન, ડાયરેક્ટર, કચર કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર, સિલચર, આસામના હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી અતુલ પટેલ, સેક્રેટરી શ્રી અમિત પટેલ, પ્રોવોસ્ટ ડો. અભય ધર્મસી, રજીસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી, પ્રમુખસ્વામી મેડિકલ કૉલેજના ડીન ડૉ. હિમાંશુ પડયા, કે. એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ ફીઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. આર હરિતરા પ્રકાશ, કેમ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઍલાઈડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલૉજી તથા એલ.પી. પટેલ ઈન્સ્ટિટયુટ ઑફ મૅડિકલ લેબોરેટરી ટેકનોલોજીના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સોનલ ચિત્રોડા, ઈન્સ્ટિટટ્યુટ ઑફ નર્સિંગ સાયન્સીસના ઈનચાર્જ પ્રિન્સિપાલ પ્રો. શૈલેષ પંચાલ, ભાઈકાકા યુનિવર્સિટીની ફૅકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા .
ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અભય ધરમસીએ દિક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ખાતે મેડિસિન, ફીઝિયોથેરાપી, નર્સિંગ, મૅડિકલ લેબ ટેકનોલોજી અને એલાઈડ હેલ્થ સાયન્સના સ્નાતક, અનુસ્નાતક અને પી. એચ.ડી. અભ્યાસક્રમો તથા અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ અંતર્ગત માસ્ટર ઑફ પબ્લિક હેલ્થ અને અન્ય શોર્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ, ફેલોશિપ અને યોગા વધારે અભ્યાસક્રમો મળી હાલમાં યુનિવર્સિટી ખાતે ૮૪ અભ્યાસક્રમોમાં ૧૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સંશોધન યુનિવર્સિટીની સ્ટ્રેન્થ છે અને યુનિવર્સિટી દ્વારા ૬૫ જેટલા રિસર્ચ પબ્લિકેશન્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે, ૩૨ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. અને ૨૮૮ રિસર્ચ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.
ડો. રવિ કન્નાને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, જીવન એક પ્રવાસ છે અને આપણે બધા પ્રવાસીઓ છીએ. આપણને મળેલ વારસાને કારણે આપણે આપણી ભૂમિકાઓ ભજવીએ છીએ. આપણી પૂર્વ પેઢીને સ્વતંત્રતા સમયેના પ્રશ્નોને હલ કરવા પડ્યા હતા જ્યારે આવનારી પેઢીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પ્રશ્નો હલ કરવા પડશે. હેલ્થ કેરના પ્રોફેશનમાં દર્દી પ્રત્યે કરૂણા હોવી ખૂબ જ જરૂરી છે તથા સમાજ માટે કંઈક કરવાની ઇચ્છા રાખવી પણ જરૂરી છે. દરેક સમુદાયમાં અલગ અલગ પ્રશ્નો હોય છે જેને સમજવા ખૂબ જ જરૂરી છે.
ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી અતુલ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું કે, સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડો. એચ.એમ. પટેલે લોક્સમુદાયને વ્યાજબી દરે ગુણવતાવાળી સારવાર મળી રહે તથા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દર્દીઓ પ્રત્યે કરુણા દાખવીને સારવાર કરે તેવું સ્વપ્ન સેવ્યું હતું. આ વારસાને વળગીને સંસ્થા તેમણે સેવેલા મૂલ્યોનું પાલન કરે છે. તેઓએ સંસ્થાને આરોગ્ય સેવામાં અદ્યતન સુવિધાઓનો વધારો કરવા માટે તથા સંસ્થા દ્વારા ચલાવાતી એજયુકેશન સંસ્થાઓમાં પણ અદ્યતન સુવિધા ઊભી કરવા માટે દાતાશ્રીઓએ સતત સહાય કરી તેના માટે કૃતજ્ઞતા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ ડૉ. આર. રવિ કન્નન કિલપોક મેડિકલ કોલેજ, ચેન્નાઈમાંથી એમ.બી.બી.એસ. પૂર્ણ કરી મૌલાન આઝાદ મેડિકલ કોલેજ નવી દિલ્હીથી સર્જરીમાં માસ્ટરની ડીગ્રી હાંસલ કરી છે. ત્યારબાદ તેઓ માસ્ટર ઓફ ચિરોલોજી, કેન્સર ઈન્સ્ટિટયુટ ચેન્નાઈથી પદવી હાંસિલ કરી છે. તેઓને ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં દવાના ક્ષેત્રમાં અસાધારણ વિશિષ્ટ સેવાઓ આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કૉમ્યુનિટી સર્વિસિસ માટે તેમને સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન, ડો. રંગરાજન મેમોરિયલ હોસ્પિટલ, ચેન્નાઈ દ્વારા વર્ષ ૨૦૧૯માં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને વર્ષ ૨૦૨૩માં રેમોન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧૩૧ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત
ભાઈકાકા યુનિવર્સિટીના દ્વિતિય પદવીદાન સમારંભમાં ૧૩૧ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં પી.એચ ડી. 33.. એમ.ડી./એમ.એસ., એમ.પી.એચ., માસ્ટર ઈન ફિઝિયોથેરાપી, બેચલર ઈન ફિઝિયોથેરાપી, એમ.એસ.સી. નર્સિંગ, બી.એસ.સી. મૅડિકલ લેબ ટેકનોલોજી, એમ.એસ.સી. મેડિકલ લેબ ટેકનોલોજી, ડિપ્લોમા મેડિકલ લેબ ટેકનોલૉજી, પી.જી.ડી.સી.ડી. ડિપ્લોમાના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મૅડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કેમ ઈન્સ્ટિટટ્યુટ ઓફ એલાઈડ હેલ્થ સાયન્સીસ ઍન્ડ ટેકનોલૉજીના બી.એસ.સી. મેડિકલ ટેકનોલૉજીમાં અભ્યાસ કરેલ કુ. બિન્દ્રા મિતેશકુમાર રામી, કે. એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ ફીઝિયોથેરાપીમાં માસ્ટર ઓફ ફીઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ ડો. શકીના આરીફ ચાલાવાલા તથા કે. એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ ફીઝિયોથેરાપીમાં બેચલર ઓફ ફીઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ કુ. હેત્વી વિક્રમભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.