1000696725

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા પુનાથી નીકળેલી અમૂલ ક્લિન ફ્યુલ બાઈક રેલીનું આણંદમાં ભવ્ય સ્વાગત

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા પુનાથી નીકળેલી અમૂલ ક્લિન ફ્યુલ બાઈક રેલીનું આણંદમાં ભવ્ય સ્વાગત

આ રેલીમાં ભાગ લેનારા સહભાગીઓએ આણંદની પ્રણેતા ડેરી સંસ્થાઓની મુલાકાત લીધી
 
આણંદ 
 ભારત શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનના જન્મ જયંતિના ભાગરૂપે 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરિત દૂધની સહકારી મંડળીઓ માટેની ચળવળના કારણે 1946માં અમૂલની સ્થાપના થઈ. જે સમગ્ર દેશમાં ઉભરી આવી. અને વિશ્વમાં ભારતને ટોચના દૂધ ઉત્પાદક તરીકે ખ્યાતિ અપાવવામાં સિંહફાળો આપ્યો.
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે અમૂલે 5 નવેમ્બરે પુણેથી બજાજ ઓટો દ્વારા સંચાલિત અમૂલ ક્લિન ફ્યુલ બાઈક રેલીનો શુભારંભ કર્યો છે. જે 18 નવેમ્બરે શ્વેત ક્રાંતિના પડઘમની શરૂઆત જ્યાંથી થઈ તે સ્થળ આણંદ પહોંચી હતી.
ડો. વર્ગીસ કુરિયને ભારતભરમાં શ્વેત ક્રાંતિની શરૂઆતનો પાયો આણંદથી નાખ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ 1970માં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સહકારી દૂધ મંડળીની ચળવળ અને ઓપરેશન ફ્લ્ડનુ પ્રતિક અમૂલ બન્યુ હતું. ડો. કુરિયનનું સહકારી મંડળીનું મોડલ ભારતના લાખો ખેડૂતો માટે સહાયરૂપ સાબિત થયું અને તેમના માટે આત્મનિર્ભર ડેરી ઈકોસિસ્ટમ સ્થાપિત કરી જીવનશૈલીમાં સુધારો કર્યો હતો. પરિણામે ભારત વિશ્વભરમાં ટોચનો દૂધ ઉત્પાદક બન્યો.
ડો. કુરિયનના આ વિશાળ યોગદાન અને વારસાને બિરદાવતાં 19 નવેમ્બરે આ રેલીમાં ભાગ લેનારા સહભાગીઓ ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (આઈઆરએમએ), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી), અમૂલ ડેરી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકોનુ યુનિયન (ખેડા યુનિયન), આણંદાલય વિદ્યા ડેરી, ઈન્ડિયન ડેરી મશીનરી કો. લિ. (આઈડીએમસી), અને નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીડીએફઆઈ) સહિત સંસ્થાઓની મુલાકાત લેશે. આ મુલાકાત આણંદને ભારતની ડેરી ક્રાંતિના ઉદગમ સ્થળ બનાવવામાં આ સંસ્થાઓની મુખ્ય ભૂમિકાને પ્રકાશિત કરશે.
રેલીમાં ભાગ લેનારા લોકોનું પ્રત્યેક સ્થળે ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સહકારી દૂધ મંડળીની ચળવળમાં નોંધનીય યોગદાન અને દેશના લાખો પરિવારોને સશક્ત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડો. કુરિયને યાદ કરાયા હતા.
આ ઉજવણી અંગે જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “ડો. વર્ગીસ કુરિયનની દેશના લાખો ખેડૂત અને પશુપાલક પરિવારોને સહકારી દૂધ મંડળીઓ મારફત સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાએ ભારતના ડેરી સેક્ટરમાં અકલ્પનીય સમૃદ્ધિ હાંસલ કરાવી છે. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે અમે કુરિયનના આ વારસા અને તેમની સહકાર, ઈનોવેશન અને ટકાઉ ગ્રોથના સિદ્ધાંતોને આગળ ધપાવવાની ખાતરી આપીએ છીએ. અમૂલ ખાતે અમે તેમના નોંધનીય વિઝનને અનુસરીએ છીએ, અને સુનિશ્ચિત કરીએ છીએ કે, આણંદમાં તેમનું યોગદાન ડેરી ઉદ્યોગ અને ખેડૂતો માટે માર્ગદર્શક બની રહે. આજે આપણે સૌ ક્લિન ફ્યુલના મહત્ત્વ વિશે જાગૃત્તિ ફેલાવવા ઉપરાંત ખેડૂતોની જીવનશૈલીમાં સુધારો કરવા અને ભાવિ પેઢી માટે પર્યાવરણને સુરક્ષિત રાખવા એકજૂટ છીએ.”
આ રેલી દિલ્હી તરફ આગળ વધી છે, જેમાં સ્થાનિક સમુદાયો, ખેડૂતો અને સહકારી ડેરી મંડળીઓ જોડાઈ રહ્યા છે. અમૂલ આ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી સાથે ખેડૂતોની જીવનશૈલીમાં ક્લિન ફ્યુલના લાભો અને મહત્ત્વ સમજાવતાં અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે.