1000811346

ટૂંક સમયમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.-પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુ

ટૂંક સમયમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.-પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુ

ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ ઈરમાના 45મા સ્થાપના દિવસે 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું

શ્રી સુરેશ પ્રભુએ ભારતની વિકાસયાત્રા માટે પ્રેરણાદાયી રહેલા ડૉ. વર્ગીસ કુરિયનના અદભૂત વારસા પર પ્રકાશ પાડ્યો હતો

આણંદ ટુકા આણંદ,
ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (આઇઆરએમએ)એ શનિવાર, 14 ડિસેમ્બર, 2024ના રોજ તેના 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આણંદમાં આવેલા ઈરમાના ઑડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સુરેશ પ્રભુ દ્વારા 12મું વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે આઇઆરએમએ (ઈરમા) અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ના ચેરમેન ડૉ. મીનેશ શાહની સાથે આઇઆરએમએના ડિરેક્ટર ડૉ. ઉમાકાંત દાસ, આઇઆરએમએ સોસાયટી અને બૉર્ડના સભ્યો, ફેકલ્ટીના સભ્યો, આઇઆરએમએના એકેડેમિક પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આઇઆરએમએના ડિરેક્ટર ડૉ. ઉમાકાંત દાસએ 45મા સ્થાપના દિવસની ઉજવણીમાં અને 12મા ડૉ. વર્ગીસ કુરિયન સ્મારક વ્યાખ્યાનમાં મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ડૉ. દાસએ એ બાબત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ‘આજે ડૉ. કુરીયન આપણી સાથે નથી પરંતુ તેમનો ભવ્ય વારસો આઇઆરએમએ જેવી તેમણે બનાવેલી આ સંસ્થાઓ તથા લાખો પશુપાલકોથી માંડીને તેમના સમર્પિત વિદ્યાર્થીઓ સુધી તેમના સંપર્કમાં આવેલા લોકો મારફતે આપણી સાથે છે. અમે ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં તફાવત સર્જવા માટે પ્રયત્નશીલ છીએ ત્યારે તેમનું વિઝન અમને સતત પ્રેરિત કરતું રહે છે.’ત્યારબાદ, આઇઆરએમએના ચેરમેન ડૉ. મીનેશ શાહએ આ સમારંભને સંબોધિત કરતી વખતે ગામડાંમાં પરિવર્તન લાવવા પર ડૉ. કુરિયનના ઊંડા પ્રભાવ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ડૉ. કુરિયનએ આપણને સશક્તિકરણ અને પરિવર્તનનો વારસો આપ્યો છે. તેમને હંમેશા પશુપાલકોના ઉત્થાન અને તેમની પ્રગતિને આગળ વધારવાની તેમની અડગ કટિબદ્ધતા માટે યાદ કરવામાં આવશે. તેમણે સ્થાપેલી આ સંસ્થાઓ તેમના વિઝનનો જીવતો જાગતો પુરાવો છે, જે દૂધ ઉત્પાદનકર્તાઓનું સશક્તિકરણ કરી રહી છે અને ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન લાવી રહી છે. વર્ષ 1979માં આઇઆરએમએની સ્થાપના એ સાચા અર્થમાં ડૉ. કુરિયનનું સપનું સાકાર થવા સમાન હતું, જેથી કરીને ગ્રામ્ય વ્યવસ્થાપન પ્રત્યે સમર્પિત હોય તેવા પ્રોફેશનલો તૈયાર કરી શકાય અને ગામડાંમાં સ્થાયી વિકાસના ઉમદા હેતુને સિદ્ધ કરી શકાય.’શ્રી સુરેશ પ્રભુએ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ રુરલ પ્રોસ્પેરિટીઃ ધી ફાઉન્ડેશન ઑફ વિકસિત ભારત’ વિષય પર વાત કરી હતી.
વિકસિત ભારત 2047 માટેના વિઝન અંગે વાત કરતાં શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, ‘આજે ભારત આપણા જીડીપીના સંદર્ભમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં જ તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. પરંતુ સાચું પરિવર્તન આંતરમાળખાંથી નહીં પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાથી આવે છે. વિકાસ લોકો-કેન્દ્રી હોવો જોઇએ. આપણે એક એવું વિકાસલક્ષી મોડેલ તૈયાર કરવાની જરૂર છે, જેમાં લોકોને ખરેખર શું જોઇએ છે તેને સામેલ કરવામાં આવે.’
શ્રી સુરેશ પ્રભુએ આગળ ભારતની વિકાસયાત્રા માટે પ્રેરણાદાયી રહેલા ડૉ. વર્ગીસ કુરિયનના અદભૂત વારસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘ડૉ. કુરિયનનું જીવન અને સહકારી વિકાસનું તેમનું સફળ મોડલ આપણને લોકો-કેન્દ્રી વિકાસ કરવામાં માર્ગદર્શન આપી શકે છે. તેમના કામે એ દર્શાવ્યું છે કે, કેવી રીતે વિવિધ સમુદાયોનું સશક્તિકરણ કરવાથી લાંબા સમય સુધી ટકી રહેનારી સમૃદ્ધિ લાવી શકાય છે. ડૉ. કુરિયનએ કંઈ અબજોની મિલકત બનાવીને નહીં પરંતુ અબજો લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવીને આ દુનિયામાંથી રુખસદ લીધી હતી.’
ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીએ આપણા વિકાસના મોડેલ માટે જીડીપીની વૃદ્ધિને વધી રહેલી માથાદીઠ આવકની સાથે જોડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, કારણ કે જો માથાદીઠ આવક પહેલા વધે તો જીડીપી આપમેળે વધવાનો જ છે. સહકારી મંડળીઓ વિકસિત દેશ બનાવવાના આપણા હેતુને હાંસલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યાં વિકાસનો સૌથી પહેલો ફાયદો લોકોને મળે છે.
ક્લાઇમેટ ચેન્જના વિષય પર વાત કરતાં શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, ‘આપણે મીથેનું ઉત્સર્જન ઘટાડવાની જરૂર છે. તે એક ગ્રીનહાઉસ ગેસ છે અને ક્લાઇમેટ ચેન્જ પાછળનું પ્રમુખ કારણ પણ. ક્લાઇમેટ ચેન્જ એ આજીવિકા પર રહેલું સૌથી મોટું જોખમ છે, ખાસ કરીને નબળા સમુદાયો માટે. આ ઉપરાંત, તે જૈવવૈવિધ્યતા માટે પણ જોખમી છે. આથી જ આપણી કૃષિ આબોહવાથી સુરક્ષિત રહેવી જોઇએ અને આપણે જેમાં જીવીએ છીએ તેમાં નવો દાખલો બેસાડવો જોઇએ. આપણું ફૉકસ વર્ષ 2047 સુધીમાં એવા વિકસિત ભારતનું સર્જન કરવા પર હોવું જોઇએ, જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાને ઉકેલે અને આપણા નબળા વર્ગોનું સંરક્ષણ કરવાની સાથે એનર્જી મિક્સમાં પણ પરિવર્તન લાવે.’

ઉલ્લેખનીય છે કે, આઇઆરએમએના સ્થાપક ચેરમેન અને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે જાણીતા ડૉ. વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં ડૉ. વર્ગીસ કુરિયન સ્મૃતિ વ્યાખ્યાનની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ડૉ. એમ. એસ. સ્વામીનાથન, ડૉ. રઘુરામ રાજન, ડૉ. રમેશ ચંદ, ડૉ. ક્રૃષ્ણમૂર્તિ વી. સુબ્રમણ્યમ, શ્રી અરૂણ મારિયા અને ડૉ. શ્રીકાંત સાંબરાની જેવા દિગ્ગજો આ પ્રસંગે ઊંડી જાણકારી પૂરી પાડનારા વ્યાખ્યાનો આપી ચૂક્યાં છે.