આણંદ શહેરના કેટલાક સ્થળો તા.૨૩ ડિસેમ્બર સુધી NO પાર્કિંગ ઝોન જાહેર કરાયા
આણંદ શહેરના કેટલાક સ્થળો તા.૨૩ ડિસેમ્બર સુધી NO પાર્કિંગ ઝોન જાહેર કરાયા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.
આણંદ ટુડે | આણંદ
આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદના કેટલાક સ્થળોને તા. ૨૩/૧૨/૨૦૨૪ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે.
આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને દરવાજાની બહાર, તથા નગરપાલિકા સરકારી દવાખાનાના દરવાજાની બહારના ૫૦ મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમુલ ડેરી ખાતે આવેલ પાર્લરની આગળ અને શાક માર્કેટના દરવાજાની બહારનાં રોડ ઉપર ૫૦ મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ સ્થળોના બદલે ગુરૂદ્વારા સર્કલથી ડી-માર્ટ, તુલસી ગરનાળા સુધી ફોર વ્હીલ વાહનો, મોટી શાક માર્કેટ તરફના રોડ ઉપર નિયત સંખ્યામાં ટુ-વ્હિલર, રેલ્વે સ્ટેશનનાં એકઝીટ ગેટ પાસે નિયત સંખ્યામાં રીક્ષાઓ, નવા બસ સ્ટેશનનાં ખુલ્લા ગેટની સામેના રોડ ઉપર નિયત સંખ્યામાં વાહનો, બેઠક મંદિર વાળા રોડના કોર્નરમાં તેમજ નવા બસ સ્ટેન્ડના ગેટની સામેના ભાગે આવેલ સરદારબાગની દિવાલને અડીને નિયત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરી શકાશે. આ ઉપરાંત રેલ્વે ગોદીથી ગામડી વડ સુધીના રોડ તથા શાસ્ત્રી મેદાનથી એન. એસ. પટેલ સર્કલ સુધી એકી-બેકી પાર્કીંગ કરી શકાશે.
આ ઉપરાંત મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક, એન. એસ. સર્કલથી લક્ષ્મી ચોકડી, રઘુવીર સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ, દીપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર, અમુલ ડેરી સર્કલથી રેલવે સ્ટેશન વગેરે સ્થળોથી શહેરમાં પ્રવેશતા ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધ સ૨કારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.
-૦-૦-૦-