આણંદ જિલ્લાના ૨૪૬ વેપારીઓ સામે તોલમાપ વિભાગની લાલ આંખ
આણંદ જિલ્લાના ૨૪૬ વેપારીઓ સામે તોલમાપ વિભાગની લાલ આંખ
તમામ વેપારીઓ સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી,રૂ.૫.૭૦ લાખનો દંડ વસૂલાયો
વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન માહે નવેમ્બર-૨૦૨૪ના અંતિત રૂ.૨૪,૫૮,૬૧૫ જેટલી રકમ વજન-માપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરાઈ
આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લામાં તોલમાપ કચેરી દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન માહે નવેમ્બર-૨૦૨૪ના અંતિત રૂ.૨૪,૫૮,૬૧૫ વજન-માપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરવામાં આવી છે. તથા આ સમયગાળા દરમિયાન આણંદ જિલ્લાના વેપારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ ૨૪૬ જેટલા વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૫,૭૦,૧૦૦/- દંડ પેટે વસૂલાત કરવામાં આવી છે.
આ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વજનમાં ઓછુ આપવું, વજનમાપ સાધનો ચકાસણી-મુદ્રાંકન નહી કરાવવા, પેકીંગ ઉપર નિર્દેશનો નહી દર્શાવવા, પેકીંગ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા, પેકીંગ ઉપર છાપેલ કિંમતમાં ચેક-ચાક કરવી તથા પેકીંગ આઈટમો માટે જરૂરી નોંધણી નહી કરાવવી, પેકીંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન-કાંટો નહી રાખવો તથા ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટીંગ માટે જરૂરી ટેસ્ટીંગ વજન નહી રાખવા સબબના ગૂન્હા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના ગ્રાહકોને વિનંતી કે આપને ઉક્ત પ્રકારની ગેરરિતી માલુમ પડે તો આ કચેરીના ઈ-મઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in ઉપર અથવા આ કચેરીના સરનામે- રૂમ નં-૧૫, જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી, આણંદ ખાતે સંપર્ક કરી શકો છો. તેમ મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
-૦-૦-૦-