આણંદ તાલુકાની રાજપુરા ગામની વ્યાજબી ભાવની દુકાનો પરવાનો 30 દિવસ માટે મોકૂફ અને રૂ. ૨.૮૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
આણંદ તાલુકાની રાજપુરા ગામની વ્યાજબી ભાવની દુકાનો પરવાનો 30 દિવસ માટે મોકૂફ અને રૂ. ૨.૮૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
પુરવઠા વિભાગની આકસ્મિક તપાસમાં ગેરરીતિ માલુમ પડી
અનાજના જથ્થામાં અસામાન્ય વધ-ઘટ જણાઈ આવી
આણંદ ટુડે | આણંદ,
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવે છે. તે અનાજ સબંધિત વિસ્તારની વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી વિતરણ કરવામાં આવે છે. આ વ્યાજબી ભાવની દુકાનો ખાતે લોકો અનાજનો જથ્થો લેવા માટે આવે ત્યારે તેને અનાજના ભાવની જાણ થાય તે માટે ભાવનું અદ્યતન બોર્ડ લગાવવું જરૂરી હોય છે.
ગરીબ પરિવારને આપવામાં આવતું મફત અનાજ અને રાહત દરે વિતરણ કરવામાં આવતું અનાજ બાબતે આણંદ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ આણંદ તાલુકાના રાજપુરા ગામે આવેલ યોગી ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ નામની વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરતા પરવાનેદારે ભાવનું બોર્ડમાં અદ્યતન વિગતો લખી ન હતી, સ્ટોક પત્રક રજૂ કર્યું ન હતું, વેચાણ રજીસ્ટર નિભાવ્યું ન હતું, તોલમાપ પ્રમાણપત્ર અસલ રજુ ના કર્યું, આ ઉપરાંત જથ્થાની ખાતરી કરતા ભૌતિક જથ્થો અને ઓનલાઈન ફિઝિકલ જથ્થામાં અસામાન્ય વધ-ઘટ જણાઈ આવી,
દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફૂડ કુપન પણ આપવામાં આવતી નથી અને ધંધાના સ્થળે સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હોઈ, આ ક્ષતિઓ બાબતે લેખિત ખુલાસો કરવા અને રૂબરૂ સુનાવણી માટે કલેકટર કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે જણાવ્યું હતું.જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરાયેલ આકસ્મિક મુલાકાતમાં ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને તુવેર દાળના જથ્થામાં અસામાન્ય વધ-ઘટ જણાઈ હતી. જેથી આ વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખશ્રી યોગેશકુમાર રમેશભાઈ પટેલને તારીખ ૦૧ ફેબ્રુઆરીના રોજ કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા જણાવતા તેમણે લેખિત જવાબ રજૂ કરી મૌખિક દલીલો કરી હતી,
પરંતુ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારે રજૂ કરેલ પુરાવા ગ્રાહ્ય રાખવા પાત્ર ના હોય તથા પરવાનેદાર દ્વારા આચરવામાં આવેલ ક્ષતિઓ ગંભીર પ્રકારની જણાતી હોય કલેક્ટરશ્રીએ પરવાનેદાર દ્વારા આચરવામાં આવેલ ક્ષતિઓ અને ગેરરીતિઓ સબબ તેમનો પરવાનો ૩૦ દિવસ માટે મોકૂફ રાખવા ઉપરાંત રૂપિયા ૨,૮૨,૮૮૬/- પુરા દંડ તરીકે વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહે જણાવ્યું છે.
***