વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કો પહોંચ્યા,એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
આજની 10 મહત્વની ખબર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કો પહોંચ્યા,એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જુલાઈ સોમવારે રશિયાના મોસ્કો પહોંચ્યા છે. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા રશિયન નેતાઓ અને સૈન્ય અધિકારીઓ ત્યાં હાજર હતા. પીએમ મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ મોસ્કોમાં પ્રમુખ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.આ સમિટ ત્રણ વર્ષ બાદ યોજાઈ રહી છે. કોરોના મહામારીને કારણે તેને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.
ત્રિપુરામાં HIV થી 47 વિદ્યાર્થીઓના મોત, 828 સંક્રમિત
ત્રિપુરાથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં 47 વિદ્યાર્થીઓ એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે અને અત્યાર સુધીમાં અહીં 828 એચઆઈવી પોઝીટીવ વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. આ માહિતી ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. તેમણે કહ્યું કે 828 એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 572 હજુ પણ જીવિત છે. TSACSના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ઇન્જેક્શનથી ડ્રગ્સ લે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ત્રિપુરાની બહાર ગયા છે
પંજાબમાં અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત
પંજાબમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ગોળીબાર થયો જેમા બંને પક્ષોએ એકબીજા પર લગભગ 60 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યા 2 ની હાલત અત્યંત નાજુક જ્યારે અન્ય ખતરાની બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઝાંરખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં બહુ મત મેળવ્યો
ઝાંરખંડમાં કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં ચૂંટણી પહેલા મળેલા જામીનને કારણે JMM નેતા હેમંત સોરેને ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઝારખંડના મુખ્યમંત્રીએ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ફ્લોર ટેસ્ટમાં બહુમત પણ મેળવી લીધો છે. સરકારના પક્ષમાં 45 મત પડ્યા હતા. ખાસ વાત આ છે કે સોરેન સરકારનો કેબિનેટ વિસ્તાર પણ થશે.
આસામના પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં વિનાશકારી પુરના કારણે 129 જંગલી જાનવરોના મોત
આસામના પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં વિનાશકારી પુરના કારણે અત્યાર સુધીમાં 129 જંગલી જાનવરોના મોત થઈ ચુક્યા છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે મૃત જાનવરોમાં છ ગેંડા, 100 હરણ, બે સાબર અને એક જળબિલાડીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ જાનવરોના મોત મુખ્યત્વે પાણીમાં ડૂબવાના કારણે થયું છે.જ્યારે બે જાનવર વાહનોની ચપેટમાં આવી ગયા હતા.
કચ્છની ધરા ધ્રુજી , લોકો ભયભીત થયા
કચ્છમાં આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. વહેલી સવારે અંદાજે 4 કલાક 45 મિનિટે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. ધરા ધ્રુજતા લોકો ઘરની, દુકાનની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર નોંધાયું છે.
ભરૂચમાં પોલીસકર્મીનો આપઘાત,આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ
ભરૂચમાં અશોકભાઈ કાનાભાઈ આહિર નામના જમાદારે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.આત્મહત્યા કરનાર અશોકભાઈ આહિર ભરૂચના દાંડિયાબજાર ચોકીમાં જમાદાર તરીકે ફરજ બજાવતા હતા અને પોલીસ ક્વાર્ટસમાં જ ગળે ફાંસો ખાઈને જમાદારે આત્મહત્યા કરી લીધી છે, જો કે હજુ સુધી અશોકભાઈ આહિરે આત્મહત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે.
મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
મુંબઇમાં અનરાધાર વરસાદથી જળ બંબાકારની હાલત વચ્ચે સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ઉપરાંત ગોવા-કોંકણમાં પણ મેઘતાંડવની સ્થિતિ રહી છે.રાયગઢ જીલ્લાના માથેરાનમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રત્નાગીરીમાં 6, પનવેલમાં 5, કરજણમાં 5, થાણેમાં સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો.મધ્ય મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર બન્યું હતું. લોનાવાલામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. મુશળધાર વરસાદ વચ્ચે તોફાની પવન પણ ફુંકાયો હતો. રાયગઢમાં 65 કી.મી. તથા સતારામાં 57 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.
સુરતમાં સ્કૂલવાન પલટી 6 બાળકોને ઇજા
સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ સ્કૂલવાનમાં 6 બાળકો સવાર હતા, ત્યારે સુરતના કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર સ્કૂલવાન પલટી મારી ગઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 12ના મોત
બિહારમાં છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લામાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. બિહાર સીએમ નીતિશ કુમારે કહ્યું કે આ દુઃખની ઘડીમાં અમે પરિવારની સાથે છે. જમુઈ અને કૈમુરમાં 3-3, રોહતાસમાં 2-2 ઉપરાંત સારણ, સહરસા, ભોજપુર અને ગોપાલગંજમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.CM નીતિશે આજે જ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયા આપવાનો નિર્દેશ આપ્યો છે.
હાથરસ કેસમાં મુખ્ય આરોપી સહિત 11 લોકોની ધરપકડ
હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગના મામલામાં પોલીસે બાબાના વધુ બે સેવકોની ધરપકડ કરી છે,પોલીસે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી.આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 11 લોકોની ધરપકડ કરી છે.