વાવાઝોડા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા સાવચેતીના પગલાં ભરવા આવશ્યક
વાવાઝોડા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા સાવચેતીના પગલાં ભરવા આવશ્યક
પાણી ઉકાળીને પીવું, શક્ય હોય તો ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવો
આણંદ,
રાજ્યભરમાં બિપરજોય વાવાઝોડાને પગલે વરસાદ અને પવનની અસર વર્તાય રહી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેમજ મુશ્કેલીને નિવારી શકાય તે માટે અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
વાવાઝોડા પહેલાં અને દરમ્યાનની જેમ જ વાવાઝોડા બાદ પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા સાવચેતીના પગલાં ભરવા આવશ્યક છે.
આપત્તિના સમયમાં સાવધાન રહીએ, સુરક્ષિત રહીએ. અસરગ્રસ્ત વિસ્તારમાં સૂચના મળ્યા બાદ જ ઘરની બહાર નીકળવું, ભરાયેલા વરસાદી પાણી, ઉંચા વૃક્ષો, વીજળીનાં તાર અને થાંભલાથી દૂર રહેવું. તમારી આસપાસ વધુ પ્રમાણમાં વૃક્ષો, વીજ થાંભલાને નુકસાન થયું હોય તો ફાયરબ્રિગેડ, પોલીસ કંટ્રોલ રૂમ અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરવો. અસરગ્રસ્તોની મદદ કરવી તેમજ જરૂર જણાયે તેઓને દવાખાને અથવા સલામત સ્થળે લઇ જવા. જર્જરિત મકાન ખાલી કરી દેવા તેમજ તેની આસપાસ રહેવું ટાળવું.
પાણી ઉકાળીને પીવું, શક્ય હોય તો ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવો. ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સ્થાનિક હવામાનની અધિકૃત જાણકારી રાખવી તેમજ અફવાઓથી દૂર રહેવું. વિકટ પરિસ્થિતિમાં એકબીજાને મદદરૂપ થઇ નુકસાની ઘટાડી શકાય છે. સ્થાનિક વહીવટીતંત્રને પૂરતો સહયોગ આપો જેથી સાથે મળી આ વિપરિત પરિસ્થિતિમાં ઝડપી નિવારણ લાવી શકાય.
*****