IMG-20230531-WA0028

રાજ્યના લાખો લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના આપી રહી છે નવું જીવન

રાજ્યના લાખો લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના આપી રહી છે નવું જીવન

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- આયુષ્માન ભારતને લીધે મારી પત્નીના જીવનની સાથે મારા સંપૂર્ણ પરિવારની સુખાકારીનું પણ આયુષ્ય વધી ગયું.–દિલીપભાઈ ગઢવી

આલેખન :: પ્રાંજુલ મિશ્રા

આણંદ, 

 દેશ અને રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં સર્વગ્રાહી અભિગમ અપનાવી છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સાથે સુખાકારી આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- આયુષ્માન ભારતનું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૂચારૂં ઢબે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. 

રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને તમામ આરોગ્ય વિષયક સેવાઓ અદ્યતન સારવાર સાથે તદ્દન વિનામુલ્યે મળી રહે તેની સતત દરકાર લેવામાં આવી છે અને રાજ્યના તમામ જરૂરતમંદોને આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય, કીડની, મગજ, ડાયાલીસીસ, કેન્સર વગેરે જેવી અનેક ગંભીર બિમારીની રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપીને નાગરિકોના આયુષ્યમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના લાખો નાગરિકો અને તેમના પરિવારજનો સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જેમાંથી એક છે આણંદ જિલ્લાના ગીતાબેન ગઢવી અને તેમનો પરિવાર. 

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ખાતે રહેતાં ગીતાબેનના પતિ દિલીપભાઇ ગઢવી મુખ્યમંત્રીશ્રી અને રાજ્યસરકારની આયુષ્માન યોજના હેઠળ મળેલા લાભ માટે આભાર વ્યક્ત કરતા જણાવે છે કે મારી પત્નીને પીત્તાશયમાં અચાનક દુખાવો થતાં અમે અમારા ગામના ડૉકટરને બતાવ્યું. ત્યારે ડૉકટરના સૂચને મારી પત્નીની સોનોગ્રાફી રીપોર્ટ કઢાવીને તેમાં જાણવા મળ્યુ કે મારી પત્નીને પિત્તાશયમા ૧૬ એમ.એમ અને ૧૩ એમ.એમની બે પથરી છે. ડૉકટરે આ પથરીને ઓપરેશન સિવાય કાઢી શકાશે નહિ તેમ જણાવી મને મોટી હોસ્પિટલમાં જઇ ઓપરેશન કરાવવાની સલાહ આપી. 

સારી હોસ્પિટલમાં જઇને ઓપરેશન કરાવવાને લગતા ખર્ચની મૂંઝવણ અને ચિંતાની વાત કરતાં દિલીપભાઇ કહે છે કે, મને બે-ત્રણ જગ્યાએ વાત કરતાં જાણવા મળ્યુ કે પથરીના ઓપરેશનમાં લગભગ ૭૦ હજારથી ૮૦ હજારનો ખર્ચ આવશે. ખર્ચની મૂંઝવણ વચ્ચે પણ હું મારી પત્નીને ચાંગા સ્થિત ચારૂસેટ હોસ્પિટલમાં લઈને ગયો. ચારૂસેટ હોસ્પિટલમાં ડૉકટરને સોનોગ્રાફીના રીપોર્ટ બતાવતાં તેમણે મારી પત્નીની તબીયતનું નિદાન કરવા ફરીથી કેટલાક રીપોર્ટ કઢાવવા કહ્યુ અને મેં રૂ. ૩૬૦૦ ભરીને તમામ જરૂરી રીપોર્ટ કઢાવ્યા. 

ઓપરેશનની વાત કરતા દિલીપભાઇએ જણાવ્યુ કે નવા રીપોર્ટ તપાસ્યા બાદ ડૉકટરે ૪ થી ૫ દિવસમાં મારી પત્નીનું ઓપરેશન કરવામાં આવશે તેમ જણાવ્યુ અને મેં ડૉકટરને મારી પત્નીના પથરીના ઓપરેશન માટે થનારા ખર્ચ વિશે પૂછ્યુ ત્યારે તેમણે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- આયુષ્માન ભારત વિશે જણાવત કહ્યુ કે આ યોજના હેઠળ અમને સરકાર દ્વારા મારી પત્નીના પથરીના ઓપરેશનની સાથે થનાર રીપોર્ટના ખર્ચ પણ ચૂકવવામાં આવશે એટલે ખર્ચ બાબતે મારે ચીંતા કરવાની જરૂર નથી. આ વાત સાભંળીને મને અને મારા પરિવારને ખૂબ રાહત થઈ હતી. 

દિલીપભાઇએ વધુમાં કહે છે કે ભગવાનના આશિર્વાદથી અને સરકારની સહાયથી મારી પત્નીને પિત્તાશયમાં રહેલી બે પથરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ. ઓપરેશન બાદ થોડાક દિવસો સુધી મારી પત્નીને હોસ્પિટલમાં જ દાખલ રાખવામાં આવી અને ત્યાં ડૉકટર અને મેડીકલ સ્ટાફ દ્વારા મારી પત્નીની ખૂબજ સરસ રીતે સંભાળ રાખવામાં આવી હતી. ખરેખર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- આયુષ્માન ભારતને લીધે મારી પત્નીના જીવનની સાથે મારા સંપૂર્ણ પરિવારની સુખાકારીનું પણ આયુષ્ય વધી ગયું. જેના માટે હું અને મારો પરિવાર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો અંત:કરણથી આભાર માનીએ છીએ.