1001637759

પેટલાદના ધારાસભ્યશ્રીએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ

પેટલાદના ધારાસભ્યશ્રીએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ

રાજયના પેન્શનરોને ઘરે બેઠા જ હયાતી પ્રમાણપત્ર મળી રહે તેવા  રાજ્ય સરકારના નિર્ણયને  આવકારતા ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ

આણંદ ટુડે | આણંદ,
રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે Digital Life Certificate - DLC સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઓનલાઇન ડિજિટલ સર્ટીફીકેટ ઉપલબ્ધ થાય છે, જેની જિલ્લા તિજોરી અધિકારીને પણ જાણકારી મળી જાય છે.
પેટલાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલએ જણાવ્યું કે હું નિવૃત આચાર્ય છું અને રાજ્ય સરકારનો પેન્શનર છું. 
ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત ની સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના પેન્શનરોને ઘેર બેઠા હયાતી પ્રમાણપત્ર વિનામૂલ્યે મળી રહે તેવી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આના કારણે ગામે ગામ રહેતા પેન્શનરોને અને ખાસ કરીને બીમાર અસકત અને વયો વૃદ્ધ લોકોને બેંકમાં અથવા તિજોરી કચેરીએ જવા માટે ખર્ચ અને સમયની બચત રહેશે, અને સરળતા રહેશે, વિના વિલંબે સ્થળ ઉપર જ હયાતી પ્રમાણપત્ર ઉપલબ્ધ બનશે, જે પેન્શનરો માટે ખૂબ જ રાહત રૂપ રહેશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આજે ધારાસભ્યશ્રીએ પેટલાદ ખાતે ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા હયાતી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવ્યું હતું, જે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે કોઈપણ જાતના ખર્ચ વગર કોઈપણ જાતના સમય બગાડ્યા વગર થોડીક જ વારમાં ઓનલાઇન હયાતી પ્રમાણપત્ર મળી જાય છે, જે ખૂબ જ આવકારવા દાયક છે.
આ ઉપરાંત જે પેન્શનર ફેમિલી પેન્શન મેળવે છે, તેમને પણ હયાતીના સમયે જ પુનઃ લગ્ન કર્યા નથી તે બાબતનો પણ આ પ્રમાણપત્રમાં સમાવેશ થઈ જાય છે, જેથી ફેમિલી પેન્શન મેળવતા પેન્શનરો પણ આ સેવાનો લાભ મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સેવાનો લાભ લેવા માટે પેન્શનધારકો  કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન તથા બ્રાંચ પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરીને વિનામૂલ્યે આ સેવાનો લાભ તા.૩૧ જુલાઈ સુધી મેળવી શકે છે, જે લાભ મેળવવા માટે ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે આણંદ જિલ્લાના પેન્શનરોને અનુરોધ કર્યો છે. 
***