દિવ્યાંગજનોએ ક્રિકેટ મેચનુ આયોજન કરી આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
આણંદ જિલ્લાના દિવ્યાંગજનોની જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવાની અપીલ
દિવ્યાંગજનોએ ક્રિકેટ મેચનુ આયોજન કરી આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અન્વયે આણંદ જિલ્લામા પણ ૫ મી ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચ દ્વારા સ્વીપ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામા પણ મતદાનની જાગરૂકતા વધે અને દરેક મતદાર પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ સઘન કામગીરી કરવામા આવી રહી છે.
તાજેતરમાં સ્વીપ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ ખાતે દિવ્યાંગજનોના એક સમૂહે મતદાન જાગૃતિનુ પ્રશંસનીય કાર્ય કર્યુ હતું. દિવ્યાંગજનોએ જિલ્લાના તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ અચૂકપણે મતદાન કરે અને લોક્શાહીના આ પાવન પર્વમા ગર્વભેર સહભાગી બને.
દિવ્યાંગજનો દ્વારા મતદાન જાગૃતી અર્થે ક્રિકેટ મેચનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ મેચમા દિવ્યાંગજનોએ એક્સાથે ક્રિકેટ રમવાની સાથે મતદારોને અચૂક મતદાન કરવાનો સંદેશ પણ પાઠવ્યો હતો. દરેક દિવ્યાંગજનોએ સંદેશ આપ્યો હતો કે મતદાન એ દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર આપે છે. દરેક વ્યક્તિએ સમજવુ ખુબ જરૂરી છે કે મતદાન એ આપણી ફરજ અને જવાબદારી છે. તેથી દરેકે મતદાન અવશ્ય કરવુ જોઇએ.
અત્રે નોંધનીય છે કે આણંદ જિલ્લામા સાતેય વિધાનસભા મતવિસ્તારની બેઠકો માટે ૧૦૮૦૭ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાથી ૬૭ દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરવાનો વિકલ્પ ચયન કરેલ છે.
લોક્શાહીના આ પાવન અવસર પર ચૂંટણી પંચે તમામ દિવ્યાંગજનો સરળતાથી મતદાન કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. દિવ્યાંગ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા, દિવ્યંગજનો માટે મતદાન મથક સુધી લઈ જવા માટે મોબાઇલ વાન, મતદાન મથકે વ્હીલચેર, મતદાન કરવા માટે પ્રાથમિકતા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
*****