IMG-20221226-WA0006

આણંદમાં પ્રજાના લાખો રૂપિયાનો ખુલ્લેઆમ વેડફાટ

આણંદમાં પ્રજાના લાખો રૂપિયાનો ખુલ્લેઆમ વેડફાટ

 જુના પેવર બ્લોક ઉખાડી નવા પેવર બ્લોક  નંખાતા પાલિકા તંત્રની કામગીરીથી લોકોમાં ચકચાર, ઉઠ્યા અનેક એક સવાલ

કથિત કમિશનખોરીની ટેવના કારણે શાસકો ગુણવત્તા બાબતે ધ્યાન ન આપી એકનું એક કામ વારંવાર કરાવી રહ્યા છે. છતાં પાલિકાનો વિરોધપક્ષ પાણીમાં બેસી ગયો

નગરપાલિકાના શાસકો અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી ચાલતો ભ્રષ્ટાચારનો નગ્ન ખેલ પ્રજાનો આક્ષેપ

નગરપાલિકાના શાસકો અને અધિકારીઓની વિવિધ કોન્ટ્રાકટરોની સાથે મિલીભગતને કારણે વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી નથી.

નગરપાલિકા હસ્તક થયેલા અનેક વિકાસ કામોમા બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ

આણંદ
ભાજપ શાસિત આણંદ નગરપાલિકા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોના રાજમાર્ગ પર થોડા સમય અગાઉ નાખવામાં આવેલ પેપર બ્લોક મજબૂત અને સારી કન્ડિશનમાં હોવા છતાં રસ્તાઓ પરથી સારા પેપર બ્લોક ઉખાડી નાખીને તેની જગ્યાએ નવા પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ છે . જુના પેપર બ્લોક કાઢીને તેની જગ્યાએ નવા પેવર બ્લોક નાખીને તેની પાછળ નાણાંનો વેડફાટ કરવામાં આવતા ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે.
આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા થોડા સમય અગાઉ શહેરના જાહેર રસ્તાઓ અને  ફુટપાથ ઉપર ઠેર ઠેર નવા પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક જગ્યાએ મજબૂત પેવર બ્લોકના હોવા છતાં  કોર્પોરેશન નવા પેવર બ્લોક ખરીદી નાણાંનો વેડફાટ કરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. તેના પુરાવા રૂપે આણંદ શહેરની  ગ્રીડ ચોકડી સ્થિત આણંદ આર્ટસ કોલેજની સામે ના રસ્તા પર થોડા સમય અગાઉ નાખવામાં આવેલા પેવર બ્લોકને પાલિકાતંત્ર એ કાઢી નાખ્યા છે. મજબૂત અને સારી સ્થિતિમાં હોવા છતાં તંત્ર એ જુના પેપર બ્લોક કાઢી નાખીને તેની જગ્યાએ નવા પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરી છે. જેને લઇ શહેરીજનોમાં  પાલિકાતંત્રની આ કામગીરી પ્રત્યે અર્થાત  નવા પેવર બ્લોક  ખરીદી નાણાંનો વેડફાટ કરી સરેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો સુર  ઊઠવા પામ્યો છે.

આણંદના અલગ અલગ વિસ્તારમાં નાખવામાં આવેલ પેવર બ્લોકની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પેવર બ્લોક નાખ્યાને ગણતરીના દિવસો વીત્યા છે ત્યાં જ ઠેક-ઠેકાણે પેવર બ્લોક તુટવાની તથા ઉખડી જવાની તો કેટલાક સ્થળોએ કામ પણ અધુરૂ છોડી દેવામાં આવ્યું હોવાની ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારમાં થોડા સમય અગાઉ લગાડવામાં આવેલ પેવર બ્લોક પાછા ઉખાડીને તેના સ્થાને નવા પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ છે તો કેટલીક જગ્યાએ આ કામગીરી પૂર્ણ પણ કરી દેવાઇ છે. જો આ મામલે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો નાણાંકીય ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે. શું તંત્ર આ મામલે ન્યાયિક તપાસ કરી ભ્રષ્ટાચારનો નગ્ન ખેલ ખેલતા પાલિકાના શાસકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરના પગલાં ભરાશે કે પછી ચલતા હૈ... હોતા હૈ ... ની નીતિ અપનાવવામાં આવશે તેવી ચર્ચા નાગરિકોમાં  ટોક ઓફ ધ ટાઉન બની છે