શિક્ષક દિન વિશેષ
ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક : સાયકલના સહારે ૩૨૫ ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું ધ્રુવતપ
શિક્ષણના ભેખધારી ,ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક,નીતિનકુમાર પ્રજાપતિ
સાયકલના સહારે ૩૨૫ ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું ધ્રુવતપ
નીતિનકુમાર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી બાળકોને અલગ-અલગ ભાષાનું પણ શિક્ષણ અપાય છે
આણંદ
ચાણક્યના સૂત્ર "'શિક્ષક કભી સાધારણ નહીં હોતા''ને સાર્થક કરતા આણંદ તાલુકાના ચિખોદરા ગામના શિક્ષક નીતિનકુમાર પ્રજાપતિએ ગરીબ-ઝુંપડપટ્ટીના બાળકોને અક્ષરજ્ઞાન પીરસવાની સાથે દિવ્યાંગ બાળકોને પણ શિક્ષિત કરવા સાથે દેવોની લીપી ગણાતી સંસ્કૃત ભાષા અંગે બાળકોને ભાથુ પીરસવાનું બીડું ઝડપ્યું છે.
છેલ્લા ૨૦ વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના કોઈ દાન કે ભેટ સ્વીકાર કરતા નથી. જો કોઈ દાતા મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ સીધી બાળકોના હાથમાં અપાવી દે છે. શિક્ષણના પવિત્ર વ્યવસાયને છાજે એ રીતે ગરીબ બાળકોને શિક્ષિત કરતા આ શિક્ષણ યોગી નીતિનકુમારને શિક્ષક દિને યાદ કરવા ખપે.
મૂળ ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. અંગ્રેજી વિષય સાથે બી.એ. થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો કોર્ષ કર્યો છે અને હાલ આણંદ ખાતે ગ્લોબલ લેંગ્વેજ સેન્ટર અંગ્રેજી ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. જો કે છેલ્લા ૨૦ વર્ષથી તેઓ પોતાની અનુકુળતા મુજબ ગરીબ તથા ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને અંગ્રેજી વિષયનું નિઃશુલ્ક જ્ઞાન પીરસી રહ્યા છે.
પિતા આત્મારામ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક હતા અને નિવૃત્તિના સમયે પિતાએ આપેલ શીખ મુજબ નીતિનકુમારે ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઉપાડયું છે. શિક્ષણના ભેખધારી નીતિનકુમારે સમાજમાં છેવાડાના અને પછાત વિસ્તારોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણની સેવા આપી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવાડવાના પોતાના વ્યવસાયિક કાર્યોની સાથે સાથે તેઓ માનવ અને સમાજ સેવાને પણ વરેલા છે.
પછાત ગ્રામ્ય વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આવા બાળકો માટે તેઓ વિવિધ વિસ્તારોમાં આધુનિક શાળાઓની ભૌતિક સુવિધાઓ વિના પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે.તેમજ નાની-મોટી સંસ્થાઓમાં તેમની અનુકૂળતા મુજબ સેવા આપતા રહ્યા છે અને આર્યુવેદિક કેમ્પનું પણ આયોજન કરે છે. તેમની ઉચ્ચ સેવાની કદર કરી ઘણી બધી સંસ્થાઓએ પ્રમાણપત્ર આપી નવાજ્યા છે.
મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડે છે. શિક્ષકે પ્રજ્ઞાચક્ષુ છાત્રો માટે ફ્લેશ કાર્ડ પણ બનાવ્યા છે.
શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન ની અનોખી સર્જનાત્મકતા ધરાવતા નીતિનકુમારે શિક્ષણ પધ્ધતિમાં નવતર પ્રયોગો હાથ ધર્યા છે. બાળકો સહજ રીતે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાનું અક્ષરજ્ઞાાન મેળવી શકે તે માટે ૩૫૧ પેજમાં હાથથી ૧૦૦૮ આકૃતિઓ તૈયાર કરી છે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો વિવિધ ભાષાઓ શીખી શકે તે માટે બ્રેઈલ લીપીની મદદથી ફલેશ કાર્ડસ અને ડ્રોઈંગ બનાવ્યા છે અને તેના માધ્યમથી મંદબુધ્ધિના બાળકોને સરળતાથી અક્ષરજ્ઞાન મળી રહે છે. આવનાર સમયમાં અલગ-અલગ ભાષાઓ શીખી શકાય તેની ઉપર કામ કરશે તેમ નીતિનભાઈ પ્રજાપતિએ માહિતી ખાતાની ટીમને એક મુલાકાતમાં જણાવ્યું હતું.
નીતિનભાઈ પ્રજાપતિ સવારના બે કલાક પાતોડપુરા અને ચિખોદરા ખાતે, બપોર બાદ ગણેશ બ્રીજ પાસે અને ગામડી ખાતે સાંજના સમય દરમિયાન બાળકોને ભણાવી રહ્યા છે.
એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે હાલ ચોમાસા દરમિયાન તેઓ દર શનિવારે ભણાવે છે, જ્યારે ઉનાળા દરમિયાન શનિ અને રવિવારે બે દિવસ ભણાવે છે. હાલમાં તેમની પાસે ધોરણ ૧ થી ૭ સુધીના ૩૨૫ જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે. આ ભૂલકાઓ ખેત મજૂર અને છૂટક મજૂરી કરતા લોકોના બાળકો ભણવા માટે આવે છે.
તે તેમની સાથે બ્લેકબોર્ડ, અલ્પાહાર બધું જ પોતાની સાયકલ પર લઈને જાય છે. તેમણે જે સાયકલ બનાવી છે જે પેન્ડલથી પણ ચાલે છે અને બેટરીથી પણ ચાલે છે. આ સાયકલને એક વખત ચાર્જ કર્યા પછી ૨૫ કિલોમીટર સુધી ચાલે છે. ચાર્જિંગનો ખર્ચ માત્ર રૂપિયા ચાર થી પાંચ જ આવે છે તે પણ તેમણે જાતે બનાવી છે. શ્રી નીતિનભાઈ પ્રજાપતિ તેમની પાસે ભણવા આવતા બાળકોને પોતાના ખર્ચે અલ્પાહાર પણ આપે છે.