C.M ની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ ફફડી ઉઠ્યા
આજની 10 મહત્વની ખબર
C.M ની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ ફફડી ઉઠ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી.. આ દરમ્યાન તેમણે પ્રાંત કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.. તેમની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા..મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી. અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતીસામાન્ય રીતે મુખ્યમંત્રી આવવાના છે તે વાતની પહેેલેથીજ જાણ હોય તો અધિકારી અને અને કર્મચારીઓની કામગીરીનું સાચું નિરીક્ષણ થઇ શકતું નથી. અને અધિકારીઓ અને કર્મચારીઓ જનતાની સમસ્યાનું સાચા અર્થમાં નિરાકરણ કરે છે કે નહીં તે પણ જાણી શકાતું નથી.. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઘણીવાર આ રીતે પોતાની સરપ્રાઇઝ વિઝિટથી જે તે સંસ્થા, કચેરી કે ગામની વાસ્તવિક સ્થિતિથી અને લોકોને પડતી હાલાકીની જાણકારી મેળવતા આવ્યા છે.
NEET પરીક્ષા કૌભાડ 5 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપીના જામીન રદ
NEET પરીક્ષાની ગેરરીતિઓમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત પોલીસે દરોડા પાડીને 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે રદ કરી છે. તેમજ કેસની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલ તમામ પાંચ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. NTA પાસેથી માહિતી મેળવવા માટે એક વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.
લોક્સભા ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે.-ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના સાંસદપદે ચૂંટાયા બાદ, આજે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ, ગેનીબેન ઠાકોરનું કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં બોલતા, ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા વાક પ્રહારો કરતા કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં ભાજપનું અભિમાન તુટ્યું છે.ભાજપ છાતી ફુલાવીને કહેતુ હતું કે, આ વખતે ઈકો વાનમાં સમાય એટલા જ કોંગ્રેસના સાંસદો ચૂંટણી જીતશે.પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધને એકલુ ભાજપ પણ સરકાર ના બનાવી શકે તેવી સ્થિતિમાં લાવી દીધુ છે. સરકાર બનાવવા 272 સભ્યો જોઈએની વાત ઠેર ઠેર ભાજપ કરતું હતું. 272 સભ્યોની એ વાત હવે ભાજપને કાયમ યાદ રહી ગઈ હશે. તેઓ એકલા 272 તો શું 250 સુધી પણ ના પહોચ્યા.
ઓમાનની માત્ર 19 બોલમાં જ ગેમ ઓવર
ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ 2024માં ઓમાન પર રેકોર્ડ તોડ જીત નોંધાવી છે. ઈંગ્લિશ ટીમે કરો યા મરોના મુકાબલામાં ઓમાનની 19 બોલમાં જ ગેમ ઓવર કરી નાખી. બટલર એન્ડ કંપનીએ પહેલા તો ઓમાનને ફક્ત 47 રનમાં જ પવેલીયન ભેગી કરી દીધી.આ પછી 101 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતીઆ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બોલ બાકી રહેવાની રીતે જોતા આ સૌથી મોટી જીતનો રેકોર્ડ છે. તેના પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. શ્રીલંકાએ 2014માં નેધરલેન્ડને 90 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.
ડિલિવરી બોયએ લિફ્ટમાં મહિલા ડૉક્ટર સાથે કરી અશ્લીલ હરકતો
મહારાષ્ટ્રના કલ્યાણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ડિલિવરી બોયએ બિલ્ડિંગની લિફ્ટમાં મહિલા ડૉક્ટર સાથે અશ્લીલ હરકતો કરી હતી.આ પછી મહિલાએ તેના વિશે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તુરંત જ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત સહિત દેશના 60 શહેરોમાં રિંગ રોડ - એલિવેટેડ કોરિડોર બનશે
કેન્દ્ર સરકાર દેશના મુખ્ય 60 શહેરોમાં રિંગ રોડ, બાયપાસ અને એલિવેટેડ કોરિડોર બનાવવા જઈ રહી છે. આથી લાંબા અંતરવાળા ટ્રક અને ભારે વ્યાવસાયિક વાહન ઉક્ત શહેરની અંદર જવાને બદલે બાયપાસ અને એલિવેટેડ કોરિડોરથી ઓછા સમયમાં પોતાના લક્ષ્ય સ્થળ સુધી પહોંચી શકશે.
રાજકોટ અગ્નિકાંડમાં જમીન માલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ
રાજકોટ અગ્નિકાંડમાં જમીનમાલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. અશોકસિંહ જાડેજાની આંખે સાવ દેખાતું ન હોવાની ફરિયાદને લઈને પોલીસ પણ મુંજાઈ હતી. જો કે પોલીસ દ્વારા આંખોનું સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવાયું છે.
G-7 સમિટ પહેલા ઈટાલી સંસદમાં હોબાળો
ઈટાલીમાં G7 સમિટ પહેલા દેશની સંસદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઈટાલીની સંસદમાં એક બિલને લઈને સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંસદની અંદર લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.અહેવાલો અનુસાર, ઇટાલીના કેટલાક પ્રદેશોને સ્વાયત્તતા આપવા સંબંધિત બિલને લઈને સંસદમાં વિવાદ શરૂ થયો હતો.આ બિલના સમર્થન અને વિરોધ કરનારા સાંસદો વચ્ચે શરૂ થયેલો વિવાદ પાછળથી લડાઈમાં પરિણમ્યો હતો.
કુવૈત અગ્નિકાંડ- 45 ભારતીયોના મૃતદેહ ભારત લાવવામાં આવ્યા
કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહ ભારત લાવવામાં આવ્યા છે. મૃતદેહોને વિશેષ વિમાન દ્વારા કોચી એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા જ્યાં એમ્બ્યુલન્સ પહેલેથી જ તૈનાત હતી. કોચી એરપોર્ટ પર મૃતદેહો પહોંચ્યા બાદ હવે તેમને અલગ-અલગ એમ્બ્યુલન્સમાં પરિવારોને સોંપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ કોચી એરપોર્ટ પહોંચી ગયા છે.
લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થશે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. સરકારની રચના સાથે જ મંત્રીઓને તેમના મંત્રાલયો પણ સોંપવામાં આવ્યા છે. હવે 18મી લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર છે. આ સવાલનો જવાબ 26 જૂને મળશે. વાસ્તવમાં લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.