અનામી પારણું
હવે ત્યજાયેલ બાળકોને મળશે પૂરતો આશરો
જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવના સંયુકત ઉપક્રમે
મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રના નર્સિંગમાં અનામી પારણું મૂકવામાં આવ્યું
આરોગ્ય કેન્દ્રમાં સુરક્ષિત જગ્યામાં મૂકવામાં આવેલ આ પારણાંનો નવજાત બાળકોને ત્યજી દેનાર વાલી-વારસો ઉપયોગ કરી શકશે
બાળકને પારણામાં મૂકી જનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે
આણંદ
સામાજિક જીવનમાં આજે ઘણાં એવાં બનાવો જોવા મળી રહ્યા છે કે, બાળકને જન્મ આપનાર માતાને ઘણીવાર બાળકને જન્મ આપીને ત્યજી દેવું પડતું હોય છે. આવી મહિલાઓને ઘણીવાર વિકટ પરિસ્થિતિના કારણે બાળકને અવાવરૂ જગ્યાએ કે ઝાડી-ઝાંખરામાં, કચરાપેટીમાં, ખાડા-ખાબોચિયામાં ત્યજવું પડતું હોય છે. આવા બાળકોને ત્યજી દેતી મહિલાઓ આવી ગમે તે જગ્યાએ બાળકને નિરાધાર અવસ્થામાં છોડીને ન જતાં જો કોઇ સાચી અને સારી જગ્યાએ ત્યજીને જતી રહે તો આવા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે તેનું યોગ્ય લાલન-પાલન થઇ શકે છે.
તા.૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવના સંયુકત ઉપક્રમે મહેળાવ સરકારી હોસ્પિટલમાં આવેલ બાળકોના યુનિટની બાજુમાં અનામી પારણું મૂકવામાં આવ્યું છે. આ અનામી પારણું મૂકવા પાછળનો મુખ્ય હેતુ ખાસ દત્તક સંસ્થાઓમાં આવતા ત્યજાયેલ બાળકોને પૂરતો આશરો મળી રહે અને આવા બાળકને કોઇપણ પ્રકારની ઇજા ન થાય અને આવું બાળક સલામત અને સુરક્ષિત રહે તેવો રહેલો છે.
મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રના બાળકોના યુનિટની બાજુમાં મૂકવામાં આવેલ અનામી પારણું સંકલિત બાળ સુરક્ષા યોજનાની ગાઇડલાઇન ૨૦૧૪ના પ્રકરણ-૧૦માં પેરા નં. ૫(૩.૧) ની જોગવાઇ અન્વયે મૂકવામાં આવ્યું છે.
મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ આ અનામી પારણામાં કોઇ વાલી-વારસો કે અન્ય કોઇ ત્યજી દેનાર બાળકને મૂકી જશે તો તેવા બાળકને પારણામાં મૂકી જનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેમ આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠકકરે જણાવી આ અંગે જો કોઇ વધુ માહિતીની જરૂર હોય તો આણંદ અમૂલ ડેરી સામે, સરકીટ હાઉટસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ગ્રાઉન્ડ ફલોર પર આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો અથવા ફોન નં. ૦૨૬૯૨-૨૫૦૯૧૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનામી પારણું મૂકવાના કાર્યક્રમમાં મહેળાવ ગામના સરપંચ શ્રી સરદારસિંહ વાઘેલા, મહેળાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. રાજીવ કોન્ટ્રાકટર, શ્રી દુર્ગાબેન પટેલ, પંચાયતના સભ્યશ્રીઓ, સામાજિક કાર્યકરો સર્વ શ્રી ભાવેશભાઇ પટેલ અને રાજેશભાઇ પારેખ, જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીના કાઉન્સેલર, હોસ્પિટલનો સ્ટાફ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.