નરેન્દ્ર મોદી 9મી જૂન રવિવારે સાંજે 7.15 કલાકે શપથગ્રહણ કરશે
આજની 10 મહત્વની ખબર
નરેન્દ્ર મોદી 9મી જૂન રવિવારે સાંજે 7.15 કલાકે શપથગ્રહણ કરશે
નરેન્દ્ર મોદી 9મી જૂન રવિવારે સાંજે 7.15 કલાકે શપથગ્રહણ કરશે.શુક્રવારે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતી આપી દીધી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.મોદી ઉપરાંત કેટલાક નેતા પણ લઈ શકે છે મંત્રીપદના શપથ
T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવા આણંદના મોનાંક પટેલની મહત્વની ભૂમિકા
આણંદના વલ્લભ વિદ્યાનગરની શેરીઓ માં ક્રિકેટ રમતા મોનાંક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી T-20 વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે .મોનાંક પટેલ અંડર 18માં પણ ક્રિકેટ રમ્યો હતો. મોનાંકનાં મોટા ભાગનાં પરિવારજનો અમેરિકામાં સ્થાયી છે. જેથી તે અમેરિકા ગયો હતો અને ત્યાં નાની નાની કાઉન્ટી મેચો રમતો હતો. વર્ષ ર010માં તેને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું હતું અને ત્યારબાદ તે ર016માં સંપૂર્ણપણે અમેરિકામાં સ્થાયી થઈને ર018માં યુએસની ક્રિકેટ ટીમમાં વિકેટકિપર તરીકે સામેલ થયો હતો અને ત્યારબાદ તેને યુએસની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
૨શિયામાં નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના મોત
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા તમામ વિદ્યાર્થીઓ હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશપાક પિંજરી, ઝિયા ફિરોઝ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા. તેમને નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. સ્થાનિક લોકોએ તેમની સાથે રહેલી નિશા ભૂપેશ સોનાવણેને બચાવી હતી.વોલ્ખોવ નદીમાંથી અત્યાર સુધીમાં બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બાકીની શોધખોળ ચાલુ છે.તેમની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બચાવવા જતાં તમામ ડૂબી ગયા હતા. તેની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હતી.
IIT કાનપુરમાં કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું
IIT કાનપુરમાં કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તેનું બકરીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૃત્રિમ હૃદય વિદેશની તુલનામાં 10 ગણી ઓછી કિંમતે તૈયાર કરવામાં આવશે. આઇઆઇટીમાં ટાઇટેનિયમ મેટલમાંથી કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવી રહ્યું છે.
મકાનનો પાયો ખોદતા જમીનમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી
પાટણથી 10 કિલોમીટર દૂર વસાઇ ગામમાં ખુમાનસિંહના પ્લોટમાં મકાનનો પાયો ખોદવાનું કામ ચાલતું હતું. આ દરમિયાન જમીનમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી.ભગવાન બુદ્ધની પ્રતિમા મળવાની જાણ ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભગવાનની પ્રતિમા પાસે રહીને તસવીરો ખેચાવી હતી.
નવસારીમાં રૂ.89 હજારની લાંચ લેતા બે પોલીસ કર્મચારી ઝડપાયા
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ 89 હજારની લાંચ લેતા બે પોલીસ કર્મચારીને ઝડપ્યા છે.હેડ કોન્સ્ટેબલ પરેશ રામભાઈ રામ અને કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવીએ દારૂના કેસમાં ઘરપકડ કરાયેલ બુટલેગરને મારઝૂડ નહીં અને પરેશાન નહીં કરવાના અવેજ પેટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. એન્ટી કરપ્શન બ્યૂરોએમળેલ ફરિયાદ ના આધારે લાંચનું છટકું ગોઠવીને બંને લાંચીયા પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
લોકસભાની ચૂંટણી પૂરી થતાં મણિપુરમાં ફરી હિંસા
લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, ગુરુવારે મોડી સાંજે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મેઇતેઈના એક વૃદ્ધના અપહરણ અને હત્યાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા અને આગચંપી બાદ જીરીબામ જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
આવતા સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન
દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન પૂર્વ ભારત, ઉતરપ્રદેશ, ઉતર મધ્યના ઘણા ભાગોમાં લુ વરસશે અને આજે ઉતર-પશ્ર્ચિમ ભારતમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. આ દરમ્યાન આવતા સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ નિશ્ર્ચિત બન્યું છે.
સુરતમાં કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા, ત્રણના મોત
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે 11.30 વાગ્યાની આસપાસ સુમારે એક હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઈક પર બેઠેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડરનુ નિધન
વિશ્વના સૌથી મોટા રામોજી ફિલ્મ સિટી અને ઈનાડુ અખબારના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે અવસાન થયું. તબિયત બગડવાના કારણે 5 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. આ દુઃખદ અવસર પર સેલેબ્સથી લઈને રાજનેતાઓ સુધી દરેક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.