SAVE_20240528_201414

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

આજની 10 મહત્વની ખબર

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

ભાજપની આગેવાનીવાળી એનડીએ સતત ત્રીજી વાર સ્પષ્ટ બહુમત પ્રાપ્ત કરી લીધો છે. એકલા ભાજપને 240 સીટો મળી હતી, જ્યારે એનડીએના ખાતામાં 292 સીટો આવી છે. લોકસભા ચૂંટણી પરિણામની જાહેરાત બાદથી સૌની નજર સરકાર ગઠન પર ટકેલી છે. હવે શપથગ્રહણનું આખું શિડ્યૂલ સામે આવી ગયું છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નવી સરકાર 9 જૂને શપથ લેશે.શપથ ગ્રહણ સમારંભ સાંજે 7.15 કલાકે આયોજીત થશે.

આખરે  ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ

જુનાગઢમાં એન.એસ.યુ.આઈ પ્રમુખનું અને અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી, તેના કપડા કાઢી તેને માર મારીને વીડિયો ઉતારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા (ગોંડલ)ની પોલીસે ધરપકડ કરી છે.
જુનાગઢમાં એન.એસ.યુ.આઈ પ્રમુખનું અપહરણ કરી હત્યાના પ્રયાસ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત ૧૦ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટના બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો અને જુનાગઢ ઉપરાંત રાજકોટ સહિત ના ગામોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ગુવાર સુધીમાં ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધના એલાનની ચીમકી આપવામાં આવી હતી

બનાસકાંઠામાં ભાજપની હારનું ઠીકરું શંકર ચૌધરી પર ફૂટ્યું

ગુજરાતમાં ભાજપે 26માંથી 25 બેઠક જીતતા હેટ્રિક થઈ શકી ન હતી. બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોરે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી.રેખાબેન સામે સ્થાનિક સ્તરેથી જ વિરોધ હતો. રેખાબેન ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. આખરે ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. જો રેખાબેન ચૌધરીને બદલવામાં આવ્યાં હોત તો કદાચ ભાજપનુ ક્લીન સ્વિપનું સપનું સાકાર થયુ હોત. આમ, હવે જયારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે ત્યારે ભાજપના જ સ્થાનિક નેતાઓ શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડી રહ્યાં છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં મોટો ખૂલાસો

રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં એક કોર્પોરેટની વરવી ભુમિકાનો ભાંડાફોડ થયો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી 1.50 લાખ લઈને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી ડિમોલિશન અટકાવ્યું. આરોપી યુવરાજસિંહ સોલંકીએ સીટ સમક્ષ કબૂલાત કરી છે. જો કે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી.

પરીક્ષામાં ઓછા માર્કસ આવતા વિદ્યાર્થીએ  પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

દેશના કોચિંગ હબ કોટામાં મોતનો સિલસિલો ચાલુ છે. પરીક્ષામાં ઓછા માર્કસના કારણે ડિપ્રેશન ફરી વળ્યું. NEETની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ બિલ્ડિંગની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. NEET પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના કારણે હતાશ થયેલા એક વિદ્યાર્થીએ બુધવારે પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

અમદાવાદના વાલીઓ માટે આનંદના સમાચાર

અમદાવાદમાં કાગળના ભાવમાં ઘટાડો થતાં ચોપડાના ભાવ ઘટ્યા છે. અમદાવાદના વાલીઓ માટે આ સૌથી આનંદના સમાચાર છે. તેના લીધે તેમના ખિસ્સા પર બોજ નહીં પડે. કાગળના ભાવમાં આશરે દસ ટકાનો ઘટાડો થયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતા વાલીઓને થોડી રાહત મળી છે.

રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા બનાવાઇ શકે !

2019ની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરતાં કોંગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું ન હતું. ત્યારે આ વખતે રાહુલ ગાંધીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહી છે. કોંગ્રેસના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીને મોટી જવાબદારી મળી રહે તેવુ લાગી રહ્યું છે.સુત્રોએ દાવો કર્યો કે રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા બનાવાઇ શકે છે. રાહુલ ગાંધી લોકસભાના નેતા બની શકે છે અને આ મામલે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. આગામી એકાદ દિવસમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠર મળી શકે છે તેમાં આ નિર્ણય લેવાઇ શકે છે.

રાજકોટમાં દારૂના નશામાં યુવતીએ જબરદસ્ત કાંડ કર્યો 

રાજકોટમાં દારૂના નશામાં યુવતીએ એવો કાંડ કર્યો છે જેને સાંભળીને તમે અચરજ પામશો.દારૂના નશામાં ધુત યુવતીએ પોતાની જ એક્ટીવા સળગાવી દીધી હતી. આપને જણાવી દઈએ આ ઘટના રાજકોટના સયાજી હોટલ આવાસ યોજના ક્વાટર્સની છે.નશામાં ધુત યુવતીએ પોતાનું જ એકટીવા સળગાવી ત્યારે અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે જોતા જ રહી ગયા હતા.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે

પરશોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણી પરિણામ બાદ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા માટે મોવડી મંડળથી તેડું આવ્યું છે. પરશોત્તમ રૂપાલાને ત્વરિત દિલ્હી પહોંચવા કહેવાયું છે. જો કે, રૂપાલાને તાત્કાલિક દિલ્હી કેમ બોલાવ્યા છે તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માહિતી છે કે ચૂંટાયેલા 25 સાંસદો પણ દિલ્હી જશે, પરંતુ તેમની પહેલા પશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચી શકે છે. આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા હાજર રહેશે.

પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 યોજાશે

ગુજરાતીઓની સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ ગ્લોબલ બનતી જાય છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં યોજાશે. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે IGFFની 5મી આવૃત્તિ 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાવા જઈ રહી છે.