N.D.D.B, સુઝુકી અને બનાસ ડેરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ છાણથી સંચાલિત થતાં ચાર C.B.G પ્લાન્ટ સ્થાપશે
N.D.D.B, સુઝુકી અને બનાસ ડેરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ છાણથી સંચાલિત થતાં ચાર C.B.G પ્લાન્ટ સ્થાપશે
આણંદઃ
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી), સુઝુકી મોટર કૉર્પોરેશન (એસએમસી)ની ભારતમાં આવેલી સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયા પ્રા. લિ. (એસઆરડીઆઈ) અને બનાસ ડેરીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કૉમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) પેદા કરવા માટે છાણથી સંચાલિત થતાં ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે એક ત્રિપક્ષીય કરાર કર્યો છે. ડેરી સહકારી મંડળીઓના નેટવર્કના સામર્થ્યનો લાભ ઉઠાવીને બાયોગેસ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે આ અગાઉ થયેલા એક એમઓયુના પરિણામ સ્વરૂપે આ કરાર થયો છે.
એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહ, બનાસ ડેરીના એમડી શ્રી સંગ્રામ ચૌધરી અને એસઆરડીઆઈના ડિરેક્ટર શ્રી કેનિચિરો ટોયોફુકુએ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલી ભારતીય એમ્બેસી ખાતે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે દરમિયાન જાપાન ખાતેના ભારતના રાજદૂત મહામહિમ શ્રી સિબિ જ્યોર્જ; બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકર ચૌધરી; સુઝુકી મોટર કૉર્પોરેશનના પ્રેસિડેન્ટ શ્રી ટી. સુઝુકી; સુઝુકી મોટર કૉર્પોરેશનના આઉટસાઇડ ડિરેક્ટર શ્રી હાઇડેકી ડોમોચી અને જીસીએમએમએફ લિ.ના એમડી શ્રી જયેન મહેતા ઉપસ્થિત રહ્યાં હતા.
આ વિશિષ્ટ પહેલ આ પ્રકારની સૌપ્રથમ છે, જેમાં ઑટોમોબાઇલ અને ડેરી સેક્ટર એકથી વધારે લાભ હાંસલ કરવા માટે સહયોગ સાધી રહ્યાં છે, જેમ કે, છાણના વેચાણ મારફતે ખેડૂતોની આવક વધારવી, વાહનો ચલાવવા માટે છાણ આધારિત બાયોગેસનો ઉપયોગ કરવો, જૈવિક ખાતરોનું ઉત્પાદન કરવું અને આ પ્રક્રિયામાં ડેરી અને ઑટોમોબાઇલ સેક્ટરની કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવી.
એસઆરડીઆઈ એનડીડીબી દ્વારા સ્થાપવામાં આવનારા આ પ્લાન્ટ્સની સ્થાપના કરવામાં આર્થિક સહાય પૂરી પાડશે. તો બનાસ ડેરી આ પ્રોજેક્ટ માટે જમીનની વ્યવસ્થા કરશે અને આ પ્લાન્ટ્સનું સંચાલન પણ કરશે. સીબીજી ઉત્પન્ન કરવા માટે તેમાંથી આ પ્રકારે પેદા કરવામાં આવેલા બાયોગેસનું શુદ્ધિકરણ કરીને તેને કૉમ્પ્રેસ કરવામાં આવશે. વાહનો માટે ખાસ સીબીજી સ્ટેશનો ઊભા કરવામાં આવશે. બાયોગેસ પ્લાન્ટ્સમાં પેદા થયેલી સ્લરીનો ઉપયોગ જૈવિક ખાતરનું ઉત્પાદન કરવા માટે થશે, જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવામાં અને માટીના આરોગ્યને સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપશે.
શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનનું મૂર્ત સ્વરૂપ છે, જેઓ ગ્રીન ઇન્ડિયાનું નિર્માણ કરવા તથા નેટ ઝીરો કાર્બન ન્યુટ્રાલિટી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂતોને વધારાની આવક રળવાની તકો પૂરી પાડવા આપણું સતત માર્ગદર્શન કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ્સ બનાસકાંઠા જિલ્લાને એક જૈવિક જિલ્લો બનાવવા અને ઊર્જાના મામલે આત્મનિર્ભર જિલ્લો બનાવવાની દિશામાં લેવામાં આવેલું પ્રથમ પગલું છે. અમને આ મહત્ત્વપૂર્ણ યાત્રાનો હિસ્સો બનવાનો ગર્વ છે.
આ પ્રસંગે વાત કરતાં એનડીડીબીના ચેરમેન શ્રી મીનેશ શાહે જણાવ્યું હતું કે, ‘આ પથપ્રદર્શક પહેલ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન ‘વેસ્ટ ટુ વેલ્થ’ના વિઝનને સાકાર કરવામાં અને તેને ‘વેસ્ટ ટુ એનર્જી’ સુધી વિસ્તારવામાં મદદરૂપ થશે. આ એક ખરેખર મહત્ત્વપૂર્ણ પ્રસંગ હતો કે જ્યારે પહેલીવાર બે તદ્દન અલગ સેક્ટરોએ હાથ મિલાવ્યાં છે અને ભારતના સાર્વત્રિક વિકાસ પ્રત્યેની તેમની કટિબદ્ધતાને પૂરી કરવા માટે એક સર્વસામાન્ય હેતુ તેમને મળી આવ્યો છે.’
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘તે એનડીડીબીની મેન્યોર મેનેજમેન્ટ પહેલને પ્રાપ્ત થયેલી માન્યતા છે અને આ સહયોગ આ પહેલના વ્યાપને ખૂબ જ ઝડપી વધારવામાં મદદરૂપ થશે. આ ત્રણેય પક્ષો તેમના સહયોગને ફક્ત પ્લાન્ટ સ્થાપવા પૂરતો મર્યાદિત રાખશે નહીં પરંતુ તેઓ સંશોધન અને વિકાસ માટે પણ વ્યાપકપણે કામ કરશે.’
શ્રી ટી. સુઝુકીએ જણાવ્યું હતું કે, ‘સુઝુકી પ્રત્યેક દેશ અને પ્રદેશની પરિસ્થિતિઓને અનુકૂળ આવે તે પ્રકારે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ભારતમાં બાયોગેસનું ઉત્પાદન કરવાથી ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને ઘટાડવામાં ખૂબ મોટો પ્રભાવ પડે તેવી અપેક્ષા છે. અમે બાયોગેસ પ્રોડક્શનના બિઝનેસમાં સક્રિય પહેલ હાથ ધરીને કાર્બન ન્યુટ્રાલિટીને હાંસલ કરવાની દિશામાં અમારું યોગદાન આપીશું.’
***