વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ
વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ
આણંદ ,
હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૩ જૂન દરમિયાન બિપોરજોય વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના નાગરિકોને સંભવિત વાવાઝોડાની સ્થિતીને ધ્યાને લઈ તે અંગે કેટલીક બાબતોની કાળજી લેવા જણાવવામાં આવ્યું છે. આવો! વાવાઝોડાના સમય પૂર્વે , દરમિયાન અને પછીના સમયે ધ્યાનમાં રાખવાની વાતો જાણીએ અને સલામત રહીએ.
વાવાઝોડાના સમય પૂર્વે અને દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
વાવાઝોડા અંગેની આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો, જાહેરાતો જોતા અને સાંભળતા રહેવું.
ઘરના બારી બારણાં અને છાપરાનું મજબુતીકરણ કરવું
જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા.
ઢોર-ગાય તેમજ અન્ય પ્રાણીઓને સલામત સ્થળે રાખવા.
સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવું અને અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખવા.
જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સલામત સ્થળે ખસી જવું.
અફવાઓ ફેલાવવી નહીં કે ગભરાવવું નહીં અને શાન્ત રહેવું તથા માત્ર આધારભૂત સૂચનાઓને અનુસરવી.
આશ્રય લઈ શકાય તેવા ઉંચાઈવાળા સ્થળોનું ધ્યાન રાખવું.
દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું
માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
જર્જરીત મકાન કે વૃક્ષ નીચે, દરિયા નજીક તેમજ વિજળીના થાંભલા પાસે ઊભા ન રહેવું.
વાવાઝોડા સમયે ઘરની કે સલામત સ્થળની બહાર નીકળવું નહીં.
વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી ટાળવી.
વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલીક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી પાસે રાખવી
વાવાઝોડા બાદ લેવાની થતી કાળજીઓ
સૂચનો મળ્યા પછી જ ઘરની કે સલામત સ્થળેથી બહાર નીકળવું
અજાણ્યા પાણીમાથી પસાર થવું નહીં
ખુલ્લા છૂટા પડેલા વાયરોને અડકવું નહીં
ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવી તેમજ તેમને દવાખાને લઈ જવા
કાટમાળમાં ફસાયેલાઓનું તાત્કાલિક બચાવ કરવું
હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
ભયજનક-અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા
ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો
ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
વધુમાં જિલ્લાવાસીઓને જણાવવાનું કે કુદરતી આપત્તિના સમયમાં જિલ્લા કંટ્રોલરૂમના ટેલીફોન નં. ૦૨૬૯૨-૨૪૩૨૨૨ પર સંપર્ક કરવા ડિઝાસ્ટર મામલતદારની એક યાદીમાં જણાવાયું છે.
***********